VIDEO: સાબરમતી એક્સપ્રેસનો કોચ આગમાં ખાખ, પેસેન્જર ન હોવાથી મોટો અકસ્માત ટળ્યો ; યાર્ડમાં અફરાતફરી
અમદાવાદમાં આવેલા કાળીગામ રેલવે યાર્ડમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં ઊભેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક પેસેન્જર કોચ (ડબ્બા)માં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના કારણે સમગ્ર યાર્ડ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, અને ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા જોવા મળ્યા હતા.
મોટી દુર્ઘટના ટળી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રેલવે પ્રશાસન અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ પાણીનો સતત મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જેથી આગ અન્ય કોચ કે ટ્રેનોમાં ફેલાતી અટકી ગઈ હતી, અને મોટી દુર્ઘટના ટળી હતી.
કોઈ જાનહાનિ નહીં
આ દુર્ઘટના સમયે ટ્રેન કાળીગામ યાર્ડમાં ઊભેલી હોવાથી અને તેમાં કોઈ મુસાફરો સવાર ન હોવાથી એક મોટી રાહત સાબિત થઈ છે. રેલવે સત્તાધીશોના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી.
રેલવે વિભાગ દ્વારા તપાસના આદેશ
યાર્ડમાં સ્થિર ઊભેલી ટ્રેનના કોચમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટ્રેનનો કોચ સેન્ટીંગ માટે યાર્ડમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. હાલ રેલવે વિભાગ દ્વારા કોચમાં આગની ઘટનાને લઈને જીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

