ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી ઝટકો, પેન્ડિંગ અપીલ દરમિયાન કરેલી પેરોલ અરજી પાછી ખેંચવી પડી

અમદાવાદમાં ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી વધુ એક ઝટકો લાગ્યો છે. ચૈતર વસાવાએ પેરોલ લીવ માટે કરેલી અરજીની માન્યતા અંગે હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો. પેન્ડિંગ અપીલ દરમિયાન કરવામાં આવેલી પેરોલ અરજી કેવી રીતે ટકી શકે તે અંગે કોર્ટે પ્રશ્ન કર્યો હતો. કોર્ટના સવાલ બાદ ચૈતર વસાવા તરફથી પેરોલ લીવની અરજી પરત ખેંચવામાં આવી છે. હવે ચૈતર વસાવા જેલ ઓથોરિટી સમક્ષ અથવા હાઈકોર્ટમાં નવેસરથી પેરોલ માટે અરજી કરી શકશે. પેન્ડિંગ અપીલ દરમિયાન કરાયેલી અરજીની કાયદેસર માન્યતા અંગે કોર્ટ દ્વારા સવાલ ઉઠાવવામાં આવતા હાલની અરજી પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર મામલે હવે નવી અરજી કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
શું હતી સમગ્ર ઘટના?
નર્મદા સેશન્સ કોર્ટ (રાજપીપળા)એ 23 જૂન 2026ના રોજ વનકર્મી પર હુમલો, સરકારી ફરજમાં અડચણ, હવામાં ફાયરિંગ અને ખંડણી કેસમાં ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા સહિત 9 જણને 7 વર્ષની સખત કેદની સજા કરી હતી. આ સજા સામે વસાવાએ ગત 3 ઓગસ્ટે હાઈકોર્ટમાં સજા પર સ્ટે અને જામીન માટે અરજી કરી હતી.
સજા પર સ્ટે અને જામીનને લઈને ચૈતર વસાવાએ કરેલી અરજી મામલે હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, 'કાયદો સર્વોપરી છે, કોઈ કાયદાથી ઉપર નથી. લોકપ્રતિનિધિને રાહત આપવાથી સમાજમાં ખોટો સંદેશ જશે' આમ કહીને હાઈકોર્ટે વસાવા અને તેમના PAની જામીન અરજી ફગાવી દીધી હતી.
હાલ વસાવા વડોદરા જેલમાં છે. સ્ટે ન મળતા ધારાસભ્ય પદ જોખમમાં છે. હવે તેમની પાસે સુપ્રીમ કોર્ટનો વિકલ્પ બચ્યો છે. વસાવાએ તરત જ પેરોલ માટે નવી અરજી કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે.

