લખનઉ-દમામની ઇન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

લખનઉથી દમામ જઈ રહેલી ઇન્ડિગોની ઇન્ટરનેશનલ ફ્લાઈટ 6E 097માં બોમ્બ હોવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. ધમકી મળ્યા બાદ વિમાનને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
લખનઉથી સાંજે લગભગ 4 વાગે ઉડ્યા બાદ વિમાન અમદાવાદ નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે જ વિમાનમાં બૉમ્બ હોવાની માહિતી મળી હતી. જેના પગલે પાયલટે તત્કાલ અમદાવાદ એટીસીને જાણ કરતા વિમાન અમદાવાદ એરપોર્ટ પર સાંજે લગભગ 5.55 વાગે લેન્ડ થયું હતું. લેન્ડ થયા બાદ તેને નિયમિત પાર્કિંગ એરિયામાં લઈ જવાને બદલે આઈસોલેશન એરિયામાં ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ વિમાનમાં સવાર તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા.
સુરક્ષા એજન્સીઓની સઘન તપાસ
બોમ્બની ધમકીના પગલે એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. વિમાનને આઈસોલેશન એરિયામાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા એરક્રાફ્ટની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વિમાનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તેની તપાસ સાથે સુરક્ષા પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં ધમકીનું ચોક્કસ કારણ અને વિમાનની તપાસમાં શું મળ્યું તે અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

