Ahmedabad news: કૃષ્ણનગરમાં ખેતરમાંથી યુવકની લાશ મળતા પોલીસ દોડતી થઈ

Ahmedabad news: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં આજે વહેલી સવારે એક યુવાનની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને હડકંપનો માહોલ સર્જાયો છે. કૃષ્ણનગરના મેવાડા પાર્ટી પ્લોટ નજીક આવેલા એક ખુલ્લા ખેતરમાં આ ઘટના બની હતી, જ્યાં યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.
આધારકાર્ડથી મૃતકની થઈ ઓળખ
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસને જાણ કરાતા કૃષ્ણનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી તપાસ હાથ ધરતા યુવકના ખિસ્સામાંથી તેનું આધારકાર્ડ અને પાનકાર્ડ મળી આવ્યું હતું. દસ્તાવેજોના આધારે મૃતક યુવક ઓરિસ્સાનો રહેવાસી હોવાનું માલૂમ પડ્યું છે. પોલીસે આ દસ્તાવેજોના આધારે તેના પરિવારનો સંપર્ક કરી સમગ્ર મામલે જાણ કરી છે.
પોલીસ તપાસ તેજ
યુવકે કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. કૃષ્ણનગર પોલીસે હાલમાં અકસ્માત મોત (AD)નો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ અને આત્મહત્યાનો સમય સ્પષ્ટ થશે.

