VIDEO: ધોળકાનું બદરખા ગામ 20 દિવસથી જળબંબાકાર, અસરગ્રસ્તો પ્રાથમિક શાળામાં આશ્રય લેતા શિક્ષણ વ્યવસ્થા ઠપ
ધોળકા તાલુકાના બદરખા ગામમાં ભારે વરસાદે વિરામ લીધાને દિવસો વીતી ગયા હોવા છતાં, યોગ્ય નિકાલના અભાવે આખું બદરખા ગામ આજે 'બેટ'માં ફેરવાઈ ગયું છે. છેલ્લા 20 દિવસથી ગામના અનેક વિસ્તારો જળબંબાકાર સ્થિતિમાં મુકાયા છે અને તંત્ર પાસે પાણી કઈ રીતે નિકાલ કરવું તેનો કોઈ સ્પષ્ટ પ્લાન હોય તેમ લાગતું નથી.
ગામના કયા વિસ્તારો પાણીમાં ગરકાવ?
બદરખાના નીચાણવાળા વિસ્તારો જેવા કે અંબાપુરા, તળાવવાળો વાસ, રામાપીર મંદિર વિસ્તાર, મહારાણા પ્રતાપ ચોક, માંડણપુરા રોડ અને બળિયાદેવ મંદિર રોડ, રબારી વાસ ,ઠાકોર વાસ ના ઘરોમાં કમરડૂબ પાણી ભરાઈ જવાથી સંપૂર્ણપણે સંપર્કવિહોણા બન્યા છે.
પ્રાથમિક શાળા બની આશ્રયસ્થાન – શિક્ષણ ઠપ્પ
ઘરોમાં પાણી ઘૂસી જતાં બેઘર બનેલા પીડિત પરિવારોને ગામની પ્રાથમિક શાળામાં આશ્રય લેવાની ફરજ પડી છે. અસરગ્રસ્તો અહીં રહેતા હોવાથી બાળકોનું નિયમિત શિક્ષણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. બીજી તરફ, વહીવટી તંત્ર નિષ્ક્રિય હોવા છતાં ગામનું 'શિવલહેરી ભજન મંડળ' માનવતા દાખવીને પીડિત પરિવારો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરી રહ્યું છે.
પીડિતો અને સામાજિક કાર્યકરનો આક્રોશ
ગામના સામાજિક કાર્યકર પ્રકાશસિંહ નટવરસિંહ ડયા તથા પીડિત પરિવારોએ તંત્ર સામે આક્રોશ ઠાલવતા ચોંકાવનારા આક્ષેપો કર્યા છે:
"દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાય છે. વારંવાર લિખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ગામ આટલી મોટી વિપદામાં છે છતાં કોઈ જવાબદાર અધિકારી સ્થળ મુલાકાતે પણ આવ્યા નથી. અમારે ઘરોમાં પાણી ઓછું થાય તો ઘરે જવું છે, ત્યાં શું સ્થિતિ હશે એ ખબર નથી!"
ગ્રામજનોની મુખ્ય માંગણીઓ
વરસાદી પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે.
આશ્રય લઈ રહેલા અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય સરકારી સહાય ચૂકવાય.
ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે કાયમી અને મજબૂત ડ્રેનેજ યોજના અમલમાં મૂકાય.
પ્રાથમિક શાળા ખાલી કરાવીને બાળકોનું શિક્ષણ પુનઃ શરૂ કરવામાં આવે.
ચૂંટણી બહિષ્કાર અને આંદોલનની ચીમકી
તંત્રની ઘોર ઉપેક્ષાથી કંટાળેલા ગ્રામજનોએ હવે આરપારની લડાઈનું મન બનાવી લીધું છે. જો તાત્કાલિક ધોરણે પાણીના કાયમી નિકાલ માટે પગલાં લેવામાં નહીં આવે, તો ગાંધી ચીંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરવાની સાથે આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની સ્પષ્ટ ચીમકી ગ્રામજનોએ આપી છે.

