અમદાવાદ: જોધપુરમાં બાંધકામ સાઇટની ડાયાફ્રામ વોલ ધસી પડી, 60 પરિવારોને ઘર ખાલી કરવાની નોટિસ મળતા રહીશોમાં ભારે રોષ

અમદાવાદના જોધપુર વિસ્તારમાં સ્ટાર બજાર પાછળ ત્રિનય અનઘ નામની બાંધકામ સાઇટની ડાયાફ્રામ વોલ બે વખત ધસી પડવાની ઘટના બાદ પાસે આવેલી સેટેલાઇટ પાર્ક સોસાયટીના બે બ્લોક ખાલી કરવા મ્યુનિ.એ તાકીદ કરતા સ્થાનિક રહીશોમાં રોષની લાગણી પેદા થઈ છે.
બાંધકામ સાઇટની ડાયાફ્રામ વોલ ફરી ધસી પડી
જોધપુર વિસ્તારમાં જૈન દેરાસર પાસે ત્રિનય અનઘ નામની બાંધકામ સાઇટની ડાયાફ્રામ વોલ 6 જુલાઇના રોજ ધસી પડી હતી. ત્યારે બિલ્ડર અને મ્યુનિ.એ એકબીજાની બેદરકારી અંગે ખો આપી હતી. ત્યાર બાદ ગત શુક્રવારે ફરી બાકી રહેલી દીવાલનો ભાગ પણ ધસવા માંડ્યો હતો. મ્યુનિ.એ હાલ અહીં બાંધકામ સ્થગિત કરાવ્યું છે, પરંતુ ધસી પડેલી દીવાલના કારણે પાસે જ આવેલી ન્યુ પ્રભૂપાર્ક સોસાયટી એટલે કે સેટેલાઇટ પાર્કના બ્લોક એચ અને આઇ માટે જોખમી સ્થિતિ પેદા થઈ છે. પરિણામે મ્યુનિ.એ ગત શનિવારે નોટિસ આપીને આ બંને બ્લોક સલામતીના ભાગરૂપે તાત્કાલિક ખાલી કરીને વપરાશ બંધ કરવા તાકીદ કરાઈ છે. આ બંને બ્લોકમાં આશરે 60 જેટલા પરિવારો વસવાટ કરે છે.
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે જેમાં તેમનો કોઈ વાંક જ નથી, તેવામાં બિલ્ડર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીની સજા તેમને ભોગવવી પડી રહી છે. ચોમાસાની ઋતુમાં અચાનક ઘર ખાલી કરવાની નોટિસ મળતા સ્થાનિકોમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.
નારણપુરા બાદ હવે જોધપુરમાં પુનરાવર્તન
અમદાવાદમાં ડાયાફ્રામ વોલ ધસી પડવાની અને નિર્દોષ રહીશોએ ઘર ખાલી કરવા પડ્યા હોય તેવી આ કઈ પહેલી ઘટના નથી. તાજેતરમાં જ નારણપુરા ખાતે હાઉસિંગ બોર્ડની રિડેવલપમેન્ટ સ્કીમ દરમિયાન પણ ડાયાફ્રામ વોલ ધસી પડી હતી, જેના કારણે નજીકમાં આવેલા સૂર્યા અપાર્ટમેન્ટના 12 પરિવારોને પોતાના મકાનો ખાલી કરવા પડ્યા હતા. નારણપુરા બાદ હવે જોધપુરમાં પણ આ જ પ્રકારની બેદરકારી સામે આવતા બિલ્ડરોની ગુણવત્તા અને AMCના વિજિલન્સ સામે મોટા સવાલો ઊભા થયા છે.

