VIDEO: Ahmedabad / વરસાદના ૩ દિવસ બાદ મુલાકાતે પહોંચેલા મેયર સામે બોપલમાં રહીશોનો ભારે આક્રોશ
અમદાવાદમાં 18 ઈંચ કરતાં વધુ ભારે વરસાદ ખાબક્યા બાદ બોપલ, ઘુમા અને શેલા જેવા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી ઘરોમાં કેદ રહેવા મજબૂર બનેલા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિકટ સ્થિતિનો તાગ મેળવવા માટે અમદાવાદના મેયર હિતેશ બારોટે બોપલના નવા પરમાર વાસ સહિતના જળમગ્ન વિસ્તારોની મુલાકાત લેતાં સ્થાનિક રહીશોએ તેમનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆતો કરી હતી.
લોકોએ મેયર સામે આક્રોશ ઠાલવ્યો
લાંબા સમય સુધી વરસાદી પાણી ન ઓસરવા તથા અન્ય જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ગાયબ રહેતાં રોષે ભરાયેલા લોકોએ મહાનગરપાલિકાની નિષ્ફળ કામગીરી અને સ્ટ્રોમ વોટર લાઈનના અભાવ અંગે મેયર સામે આક્રોશ ઠાલવ્યો હતો.
સ્થાનિકોના આક્રોશ અંગે પ્રતિક્રિયા આપતાં મેયર હિતેશ બારોટે સ્વીકાર્યું હતું કે, 'ઘરમાં ત્રણ દિવસ સુધી પાણી ભરાયેલા રહે તો લોકોનો ગુસ્સો સ્વાભાવિક છે. પરંતુ તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી સતત ચાલી રહી છે. અગાઉ જ્યાં 5થી 7 ફૂટ પાણી ભરાયેલા હતા ત્યાંથી નિકાલ કરીને મુખ્ય રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે.'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ખેંચવા માટે આસપાસ 15 જેટલા મશીનો કામે લગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, કલાકે1,20,000 લિટર પાણી ખેંચવાની ક્ષમતા ધરાવતા 3 મોટા પંપ મૂકીને પૂરના પાણીને કેનાલ, ઘુમા તળાવ અને મેઈન ટ્રંક લાઈનમાં ઠાલવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.'

