દિલ્હી બાદ અમદાવાદમાં પણ સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો, જાણો ચાલુ માસમાં કેટલા દર્દીઓને લાગ્યો ચેપ

દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ચાલુ માસમાં અત્યાર સુધી અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના 30 જેટલા કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
સ્વાઇન ફ્લૂના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર દ્વારા દર્દીઓની હિસ્ટ્રીની તપાસ કરવામાં આવશે. દર્દીને ક્યાંથી ચેપ લાગ્યો, અન્ય કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે કે કેમ સહિતની વિગતો મેળવવામાં આવશે. સાથે જ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જરૂરી પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ, જો જરૂરિયાત જણાશે તો હોસ્પિટલોમાં આઈસોલેશન બોર્ડ ઊભા કરવામાં આવશે. તબીબી ટીમોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી શકે છે. હાલ કેસોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થતાં નાગરિકોએ પણ સાવચેતી રાખવી અને લક્ષણો જણાય તો સમયસર તબીબી સલાહ લેવી જરૂરી છે.

