Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : After beating up man, a female PSI apologized to settle the matter

Ahmedabad news: પ્રજ્ઞાચક્ષુ આધેડને માર માર્યા બાદ મામલો થાળે પાડવા મહિલા PSIએ માંગી માફી, મીડિયાએ સવાલ કરતા ભાગ્યા

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: પ્રજ્ઞાચક્ષુ આધેડને માર માર્યા બાદ મામલો થાળે પાડવા મહિલા PSIએ માંગી માફી, મીડિયાએ સવાલ કરતા ભાગ્યા
સોર્સ : ai

અમદાવાદના પંચવટી વિસ્તારમાં કેબિનમાં દુકાન ચલાવી ગુજરાન ચલાવતા પ્રજ્ઞાચક્ષુ આધેડ ગોપાલ દરજીને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લાવીને ચાંગોદર પોલીસ સ્ટેશનના મહિલા PSI સોનલ રાઠોડે ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આંખે ન જોઈ શકતા દિવ્યાંગને પોલીસ સ્ટેશનની અંદર જ લાફા, લાતો અને દંડા વડે ફટકારવામાં આવ્યા હોવાનો આરોપ છે, જેમાં ઈજાગ્રસ્ત થયેલા આધેડને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાયા હતા.

App Store

મહિલા PSI પીડિત દિવ્યાંગના ઘરે માફી માંગવા પહોંચ્યા 

આ ઘટના બાદ મહિલા PSI સોનલ રાઠોડ પીડિત દિવ્યાંગના ઘરે માફી માંગવા પહોંચ્યા હતા. આ દરમિયાન મહિલા PSIને સવાલ પૂછતા તેણે કહ્યું કે, 'આ તો મારા ઓળખીતા છે...' આટલું બોલીને તેણે ત્યાંથી ચાલતી પકડી હતી. 

આ સમગ્ર મામલે વિગતો મેળવવા માટે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી (DySP) નીલમ ગૌસ્વામીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ બાબતે કોઈ પણ ટિપ્પણી કરવાનો કે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, ગોપાલ દરજી પંચવટી નજીક સરકાર તરફથી ફાળવવામાં આવેલી કેબિનમાં દુકાન ચલાવીને પોતાનું જીવનનિર્વાહ ચલાવે છે. બપોરના સમયે એક સગીર વયનો છોકરો તેમની કેબિન પર આવ્યો હતો. અગાઉ પણ અનેક બાળકો પેકેટ તોડી જતા હોવાથી, ગોપાલને શંકા ગઈ કે આ સગીર કંઈક તોડી રહ્યો છે. આંખે દેખાતું ન હોવાથી તેણે સગીરનો હાથ પકડવા પ્રયાસ કર્યો, જેમાં સગીરને સામાન્ય ઈજા થઈ હતી. આ બાબતની જાણ સગીરે તેના પિતાને કરતાં, પિતાએ કેબિન પર આવી ગોપાલને ગાળો ભાંડી હતી અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. કંટ્રોલની વર્ધીના આધારે યુનિવર્સિટી પોલીસ ગોપાલને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

પીડિત ગોપાલ દરજીએ જણાવ્યા હતું કે, 'મે મારી ભૂલ સ્વીકારી સગીરના પિતા પાસે માફી પણ માંગી હતી. તેમ છતાં પોલીસ સ્ટેશનમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના એક મહિલા PSI બહારથી આવ્યા હતા અને કોઈની પણ રોકટોક વગર મારા પર તૂટી પડ્યા હતા. તેણે મને નિર્દયતાપૂર્વક માર માર્યો અને જ્યારે મે ફરિયાદ નોંધાવવા કહ્યું ત્યારે પોલીસે ગુનો નોંધવાનો પણ ઈનકાર કરી દીધો હતો. પોલીસના આ મારના કારણે અત્યારે મને થાપા અને બરડામાં ખૂબ દુખે છે, કાનમાંથી પાણી નીકળે છે અને આંખમાં પણ ગંભીર ઈજાઓ થઈ છે.'

પોલીસ પક્ષની સફાઈ

આ ગંભીર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI એસ.આર. બાવાએ ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, 'આ ઘટનામાં એવું બન્યું હતું કે, પેલા સૂરદાસ દાદાના ગલ્લે કોઈ પડીકું તોડવા બાબતે દાદાને દેખાતું ન હોવાથી તેમણે અમદાવાદ ગ્રામ્યના મહિલા પીએસઆઈ રાઠોડના નાના દીકરાને કાન પર લાફો મારી દીધો હતો. બાળકના કાનમાં વાગવાથી માતા તરીકે ઉપરાણું લઈને ગુસ્સામાં આવેલી એ મહિલા પીએસઆઈએ ત્યાં જઈને દાદાને ઝાપટ મારી દીધી હતી.'

PI એસ.આર. બાવાએ જણાવ્યું છે કે, 'શરૂઆતમાં એ મેડમને ખબર નહોતી કે દાદા પ્રજ્ઞાચક્ષુ છે, પણ પછીથી પોલીસે તેમને જાણ કરી હતી, જેના કારણે તેમણે પણ દાદા સામે કોઈ વળતી ફરિયાદ કરી નહોતી. રાત્રે દાદાએ માત્ર એક અરજી આપી હતી પણ તેઓ ફરિયાદ કરવાની ના પાડતા હતા. તેમ છતાં, અમે દાદાને આજે પોલીસ સ્ટેશને બોલાવ્યા છે અને જો તેઓ ખરેખર ફરિયાદ કરવા માંગતા હશે, તો અમે 100 ટકા તેમની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરીશું.'

કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા?

એક તરફ પીડિત પ્રજ્ઞાચક્ષુ આધેડ પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી ગોંધી રાખીને ઢોર માર મારવામાં આવ્યો હોવાની અને પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હોવાની ગંભીર આપવીતી વર્ણવી રહ્યા છે. જ્યારે બીજી તરફ સ્થાનિક પોલીસ આ સમગ્ર મામલાને માત્ર 'માતા તરીકે ગુસ્સામાં મારેલી ઝાપટ' અને 'આંતરિક સમાધાન' તરફ વાળી રહી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. કાયદાના રક્ષક ગણાતા પોલીસ સ્ટેશનની અંદર જ એક દિવ્યાંગ નાગરિક સાથે થયેલું આ વર્તન હવે ચર્ચાનો વિષય બન્યું છે.