VIDEO: પ્રજ્ઞાચક્ષુ વેપારીને મહિલા PSIએ લાતો અને લાકડી વડે ઢોર માર માર્યાનો ગંભીર આક્ષેપ, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં
ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફરી વિવાદોમાં આવ્યું છે, જ્યાં પંચવટી વિસ્તારમાં કેબિન ચલાવતા પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલભાઈ દરજી સાથે પોલીસ સ્ટેશનમાં અમાનવીય વર્તન કરાયું હોવાનો આક્ષેપ થયો છે. ગોપાલભાઈના જણાવ્યા મુજબ, કેબિન પર પેકેટ ચોરી થવાની શંકાએ તેમણે હાથ લાંબો કરી એક સગીરને પકડ્યો હતો, જેમાં સગીરને સામાન્ય ઈજા થઈ હતી. ત્યારબાદ ગોપાલભાઈએ પોલીસ સ્ટેશનમાં માફી માંગી હોવા છતાં બાળકના પિતા ગાળો આપતા રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પીડિતનો આક્ષેપ છે કે બહારથી આવેલા મહિલા PSIએ તેમને લાફા, લાતો અને લાકડીથી ઢોર માર માર્યો હતો. ગોપાલભાઈના જણાવ્યા મુજબ, મહિલા PSIએ અંધ હોવા છતાં તેમને નીચે પાડી લાકડીઓથી ફટકાર્યા હતા. પીડિતે પોતાની ફરિયાદ નોંધાવવા કહ્યું છતાં પોલીસે સાંભળ્યું નહીં હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જોકે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI અને સ્ટાફે આવી કોઈ ઘટના બની હોવાનો ઈનકાર કર્યો છે.

