મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ

- ફેસબુકથી હાર્ટબુક સુધી સુરેશ દલાલની પંક્તિઓ - "રાત દિવસનો રસ્તો વ્હાલમ નહી તો ખૂટે કેમ તમે

શતરંગ / તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ

- ફેસબુકથી હાર્ટબુક સુધી

સુરેશ દલાલની પંક્તિઓ - 

"રાત દિવસનો રસ્તો વ્હાલમ નહી તો ખૂટે કેમ

તમે પ્રેમની વાતો કરજો , અમે કરીશું પ્રેમ"

મને અતિશય પ્રિય …. 

બોલીવુડ ભલે આપણને એવું શીખવે કે તમે જેને પ્રેમ કરો છો એની સાથે નહિ , તમને જે પ્રેમ કરે છે એની સાથે  જીવવું. 

પણ હું તો હજીય એમ જ કહું છું કે - તમને જેની સાથે પ્રેમ છે એને એટલો પ્રેમ કરવો કે - બસ ખાલી પ્રેમ બચે અને એ પ્રેમ જીવાય જાય જ....! અને પછી વટથી એને કહી શકાય કે - તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ...

પ્રેમ  મેળવવા માગતા આખાય આ વિશ્વમાં પ્રેમ આપવો/કરવો કેટલું અઘરું અને તોય સાવ સહેલું કામ નહિ?

પ્રેમ એક જ એવી વસ્તુ જે આપવાથી સહેજ પણ ઘટે નહિ બસ વધ્યા કરે.  પ્રેમની વાતો પર પણ સમર્પણ થઈ જાય એ સમૃદ્ધિ ફક્ત સંવેદનશીલ લોકોને સાંપડી છે. 

“તું મને પ્રેમ કરે?/લગ્ન કરે!?” એમ પૂછવાની જગ્યા એ ચાલો આજે આપણે આપણા પ્રિયપાત્રને કહીએ કે - “હું તને પ્રેમ કરીશ”... તું કરે કે ના કરે , કેટલો કરે , એવું માપ કાઢ્યા વિના હું તને અનહદ પ્રેમ કરીશ . કઈ રીતે ખબર છે....!?

વર્ષોથી વેર વિખેર પડેલા તારા કાચ જેવા હદયને જોડીને એમાંથી સુંદર કલાકૃતિ બનાવીશ… હું તને કલા સમો પ્રેમ કરીશ…

જ્યારે જ્યારે તારા બધા જ ભાવ અને અભાવ રૂપી થેલાનો તને ભાર લાગે ત્યારે મારો ખભો એ થેલો લટકાવવા માટે આપીશ … હું તને એ વિસામા જેટલો પ્રેમ કરીશ.

ક્યારેક તારા વર્ષોના મૌનને અર્થ વગરના સંવાદો સુધી લઈ જઈ શકું એટલો પ્રેમ , તો ક્યારેક તારા અર્થ વગરના સંવાદોને શાંત પાડીને શાંતિ રેલાવી શકું એવો શોર વગરનો પ્રેમ કરીશ.

તારી તકલીફોમાં મારો હિસ્સો ભલે ન હોય , તોય એમાં પોતાનો ભાગ શોધી લઈને તારી અડોઅડ બેસી જઈશ.

હું તને તારા દુઃખમાં , સુખ જેવો પ્રેમ કરીશ. 

પહેલા તો તને સ્નેહની દોરીથી બાંધી દઈશ  , પછી ધ્યાન રાખીશ કે એ દોરીના નિશાન તને ક્યારેય દર્દ ના આપે.

હું તને વારે વારે મારા આંગણામાં સ્વેચ્છાએ આવી જતા એ પંખી જેવો પ્રેમ કરીશ.

ક્યારેક એકબીજાના પકડેલા હાથમાં પરસેવો વળે તો એ હાથ મૂકી દઈશ. પણ એ રીતે મૂકીશ જે રીતે પપ્પા સાયકલ શીખવતી વખતે પાછળ પોતાનો ટેકો રાખેલો હાથ છોડી દેતા હતા. સાદ સંભળાય એટલું નજીક રહીશ.

હું તને હુંફ - વિશ્વાસથી ભરેલો પ્રેમ કરીશ. 

હું તને લાગણીથી ભરેલા સમૃદ્ધ વિશ્વ જેવો પ્રેમ કરીશ જ્યાં આદર્શવાદ (idealism) જેવું કંઈ ન હોય, હોય તો ફક્ત પ્રેમ... અંતિમ સત્ય જેવો પ્રેમ જે બધી જ વાસ્તવિકતાને આદર્શ બનાવી દે એવો પ્રેમ કરીશ હું તને.

જો આ પ્રેમ આપણને આપતા આવડી જાય તો મેળવવા માટે ક્યાં કંઈ વધારે કરવું પડે!? પ્રેમ તો અસ્તિત્વનો ઉજાસ છે જેટલો વહેચીએ એટલો સમયાંતરે પાછો મળી જાય.

Well,  પ્રેમ કરીશ એવું ભવિષ્યકાળમાં કહેવું પણ જરૂરી નથી , ભવિષ્ય ક્યાં જોઈ શકાય છે!!! એટલે વર્તમાનમાં પણ કહી દેવું કે હું તને પ્રેમ કરું છું.

તો બસ , લઈ લ્યો આમાંથી તમારા ભાગનો પ્રેમ અને આપી દયો તમારા પ્રિયજનને. સાક્ષીભાવે , સાબિતીરૂપે અને અખંડ સ્મિત સાથે…!! 

લાગણીઓમાં ગલીમાં પોતાને સરનામે પ્રેમ વહેંચતી ,

- પ્રેરણા દવે

આ સમાચાર શેર કરો