શતરંગ / હા, હું ભગવાનને મળ્યો છું
- વિચારોનો ઓટલેથી... અમારા એ ભગવાનનું નામ અમે રાખેલું ‘જય ભગવાન’! કોઈ એમ પૂછે કે તમે ભગવાનને

- વિચારોનો ઓટલેથી...
અમારાએભગવાનનુંનામઅમેરાખેલું ‘જયભગવાન’!
કોઈ એમ પૂછે કે તમે ભગવાનને મળ્યા છો ? તો મારો જવાબ બહુ જ સ્પષ્ટ હોય કે, “હા, હું ભગવાનને મળ્યો છું, ભગવાન અમારે ઘરે આવીને રહ્યા છે, ભગવાનની સાથે અમે પ્રવાસ કર્યો છે અને ભગવાનની અકથ્ય લીલા અમે અને અમારા કુટુંબે અનુભવી છે.”
કોઈ ન જોઈ શકાય પણ માત્ર અનુભવી શકાય અથવા જેનો દેહ ન હોય અને જેની માત્ર ચેતના હોય એવા ભગવાનની વાત હું નથી કરતો. સદેહે ભગવાન સાથે અમે રહ્યા છીએ અને અમે એ ભગવાન સાથે હસી મજાક કરી છે. એ ભગવાન અમારા ઘરના ને કુટુંબના એક સદસ્ય બનીને અમારી સાથે મસ્તીમાં પણ જોડાયા છે અને અમારા કુટુંબના દુઃખના પ્રસંગોએ સાથે ને સાથે રહ્યા છે. આ ભગવાન જેને અમે ‘જય ભગવાન’ ના નામથી પોકારતા હતા. એ પણ ઘરે આવે તો બોલે ‘જય ભગવાન’ અને અમે પણ જયારે મળીએ ત્યારે ‘જય ભગવાન’ કહીને એનું સ્વાગત કરીએ. અમારી બીજા સૌ સાથેની વાતચીતમાં પણ અમે એમ જ કહેતા કે ‘...પછી જય ભગવાન આવ્યા હતા,’ …’ જય ભગવાને જાંબુ લઈને અમને ખવડાવ્યા,’.. ‘જય ભગવાન મારી મા ના ઓપરેશન વખતે રાત્રે હોસ્પિટલે રોકાવા આવતા હતા.’ આવા એ ‘જય ભગવાન’ સદેહે માનવ શરીર ધારણ કરીને અમારી સાથે રહ્યા છે એની વાત હું તમારી સાથે કરી રહ્યો છું.
એમણે વહેલી વિદાય લઈ લીધી. લગભગ વીસેક વર્ષ પહેલા એમણે વિદાય લીધી અને ત્યારે એમની ઉંમર ૫૫-૫૭ વર્ષ જેટલી હશે. અમે એમની સાથે લગભગ લગભગ ૨૫ થી ૩૦ વર્ષ રહ્યા અને પહેલા દિવસની ઓળખાણથી તે ભગવાનશ્રીએ પરલોક સિધાવવાનું નક્કી કર્યું એવી પળ આવી ત્યાં સુધી અમે એની સાથે એક જીવ બનીને જીવ્યા એવો અમારો ગાઢ નાતો હતો. આમાં અમારી કોઈ મોટાઈ નહોતી, અમારી કોઈ ઉદારતા નહોતી. માત્ર એ ભગવાનની અસ્તિત્વ સાથેની દોસ્તી હતી કે જેથી કરીને અમે એ ભગવાનને અમારી સાથે માણી શક્યા.
સૌને પહેલી થાય એવી આ વાત હું કરી રહો છું. કોઈ માની ન શકે એવી આ વાત છે પણ કહેવાનું એટલે પસંદ કરું છું કે ભગવાનના પરલોક ગમનને ૨૦ વર્ષ થયા છે છતાં પણ અત્યારના મારી નજર સામે એ ભગવાન બેઠા છે.!!!! માથામાં એને પહેલેથી ટાલ પડતી જતી હતી, એકદમ આછા વાળ હતા અને એને દાઢી વધારવાનો શોખ હતો. સામાન્ય રીતે એ લેંઘા ઝભ્ભામાં હોય અને લેંઘા ઝભ્ભામાં ન હોય તો ક્યારેક પેન્ટ ઉપર ખુલ્લા શર્ટમાં તમને મળે, સાદા સ્લીપર કે ચપ્પલ પહેરે. શક્ય બન્યું ત્યાં સુધી એમણે સાઈકલ જ ચલાવી. અને સાઈકલ ન ચલાવવી હોય તો એ વિનોબા ભાવે એક્સપ્રેસમાં પદયાત્રા કરી નાખે. એક જુદી માટીનો માણસ.
એ ગણિતના શિક્ષક હતા, ઉચ્ચ નાગર કુટુંબમાંથી અને એ કુટુંબ પણ પાછું નાગર જ્ઞાતિનું ટોચનું સંસ્કારી કુટુંબ હતું. એ કુટુંબમાં મા અને માસી બંનેની સાથે સેવા કરનારા જે લોકો હતા એમાં અગ્રીમ અમારા ‘જય ભગવાન’ હતા. ‘જય ભગવાન’ સાથે અમે દંપતિ શિક્ષક હોવાથી તો નાતો ખરો જ, પરંતુ એ નાતો એમની સાથે જ બાંધતા કે જેની સાથે અતિ આત્મીયતાનો નાતો બાંધી શકાય. આજે આપણા લટક સલામના સંબંધો વધ્યા છે એવા લટક સલામવાળો કોઈ ‘જય ભગવાન’ના જીવનમાં આવ્યો નથી. એમણે જેમની સાથે સબંધ બાંધ્યો એમની સાથે ઘર સુધીનો અને રસોડા સુધીનો સબંધ એમણે બાંધેલો.
આજે વિચારીએ છીએ ત્યારે એમ લાગે છે કે કદાચ પૃથ્વી ઉપર આપણી વચ્ચે ભગવાન આવીને વસે તો એ આમ જ વસે. આવો જ હોય સીધો, સાદો, ભોળો, હસતો, રમતો, નિજાનંદમાં મસ્ત, કશી ચિંતા ન કરનારો અને છતાં બધું જાળવી લેનારો આવો જ ભગવાન હોય, એટલે હું તેમને ‘મારા ભગવાન’ કહું છું, જેની સાથે હું રહ્યો છું, જેની સાથે અમે હસી મજાક કરી છે,જેની સાથે અમે દુઃખના પ્રસંગે ખડખડાટ હસતા હસતા રોયા છીએ. અમારા એ ભગવાન ઓશોના પરમ ભક્ત હતા. એમ કહો કે, અમને ઓશોનો ગાઢ પરિચય એ ભગવાને કરાવ્યો છે. પરંતુ એમ કહેવું કદાચ અતિશયોક્તિ લાગે તો પણ કહું કે, ઓશો પછી ઓશોને પોતાના જીવનમાં સાંગોપાંગ કોઈએ ઉતાર્યા હોય તો એ એકમાત્ર અમારા ‘જય ભગવાન’ હતા. (ક્રમશઃ)
- ભદ્રાયુ વછરાજાની








