શતરંગ / નિ:શસ્ત્ર કિશોર અભિમન્યુ પર પ્રહાર કરતાં દ્રૌણ કે કર્ણએ વિમાસણ નહીં અનુભવી હોય?
- યુધ્ધ ગાથા માનો કે નહીં, પણ અદ્વિતીય શૌર

- યુધ્ધ ગાથા
માનો કે નહીં, પણ અદ્વિતીય શૌર્યની જરૂર પડે. જ્યારે યુધ્ધમાં હારનું ભાવિ નિશ્ચિત હોય. જે યુધ્ધ લડવાનું છે, તેનો અંત મૃત્યુ સિવાય સંભવ ન હોય. યુધ્ધ કરવું પડે તેવા સંજોગો ઉપજાવવામાં આવ્યા હોય. કોઈ વિકલ્પ બચ્યો ન હોય. સમરાંગણમાં સામેના પક્ષે વિશ્વ સન્માનિત યોધ્ધાઓ હોય. સઘળા વિપરીત સંયોગો છતાં અર્જુન પુત્ર તથા ક્રુષ્ણ ભાણેજ એવા અભિમન્યુ કૌરવો સામે યુધ્ધમાં ઉતરે છે.
અભિમન્યુ નામનો અર્થ ‘આત્યંતિક ક્રોધ’ અને અત્યંત દૈદીપ્યમાન સુર્ય થાય છે. ભારતમાં કોઈ એવી વ્યક્તિ મળવી અશક્ય છે કે જેણે અભિમન્યુ વિષે સાંભળ્યુ ન હોય. તેમના વિષે મહાકાવ્ય ‘મહાભારત’માં પૂરતી માહિતી પ્રાપ્ય છે. અભિમન્યુ તેમની માતાની કોખમાં હતા ત્યારે જ યુધ્ધના પાઠો શીખેલા. હિન્દુ પૌરાણિક યુધ્ધકલામાં ઉચ્ચાસને એવા ‘ચક્રવ્યૂહ’ નામની યુધ્ધ રચના તોડીને તેમાં પ્રવેશવાનો કસબ અભિમન્યુ જાણતા હતા. દૈવયોગે અભિમન્યુ ‘ચક્રવ્યૂહ’માંથી બહાર નિકળવાની કલાથી માહિતગાર ન હતા. અભિમન્યુના જન્મ, અવતાર અને વીરતા વિશે કલાકો સુધી વણથંભ્યે વાંચવું કે સાંભળવું ગમે તેવું છે.
વાત અહીં અભિમન્યુના યુધ્ધની છે. અભિમન્યુ એક શ્રેષ્ઠ ધનુર્ધર હતા. પિતા અર્જુન જેટલાજ પરાક્રમી અને વિવિધ અસ્ત્રો-શસ્ત્રોના જ્ઞાની હતા. પ્રખર લડવૈયા હતા. કુરુક્ષેત્રમાં યુધ્ધના તેરમાં દિવસે કૌરવોએ પાંડવોને ‘ચક્રવ્યૂહ’ ભેદીને જીતી બતાવવાનું આહ્વાન કર્યું હતું. પાંડવોના પક્ષે મહાબાહો અર્જુન, શ્રી ક્રુષ્ણ અને પ્રદ્યુમન ‘ચક્રવ્યૂહ’ના આઠ કોઠા તોડવાની કલાના જાણકાર હતા. પરંતુ, પાંડવોએ પહેલેથી સમસપ્તક (અન્ય મહારથી યોધ્ધાઓ) અને અર્જુનના યુધ્ધનું આહવાન સ્વીકાર્યું હતું. અર્જુન સમસપ્તક સામે યુધ્ધવિવશ હતા. તે સ્થિતિમાં સમગ્ર પાંડવ સૈન્યમાં કેવળ અભિમન્યુ જ ‘ચક્રવ્યૂહ’ ભેદવા સક્ષમ હતા. પાંડવોએ નક્કી કર્યું કે અભિમન્યુ ‘ચક્રવ્યૂહ’ તોડવાનું જાણતા હોવાથી તેમને યુધ્ધમાં અગ્રેસર કરવા. અભિમન્યુની પાછળ અર્જુન સિવાયના પાંડવો ‘ચક્રવ્યૂહ’ પ્રવેશ કરતાં જાય અને અભિમન્યુને સુરક્ષા પ્રદાન કરતાં જાય. યુધિષ્ઠિરે અભિમન્યુને કહ્યું કે તું ગુરુ દ્રૌણે આયોજેલી સૈન્ય વ્યુહરચના તોડી નાખ. તે તૂટતાં જ અમે તારી પાછળ દાખલ થઈને તારી રક્ષા કરીશું. ભીમે પોતાની વ્યૂહરચના રજૂ કરતાં કહેલું કે ભીમ પોતે, ધૃષ્ટધ્યુમ્ન, સાત્યકિ, પાંચાળો, કૈકયો, મત્સ્યો અને પ્રભદ્રક યોધ્ધાઓ તારી પાછળ રહીશું.
અભિમન્યુએ પોતાના સારથીને આદેશ કર્યો કે યુધ્ધભૂમિ તરફ રથ લઈ જાઓ. તુરંત જ સારથીએ કહેલું કે સામે પક્ષે મહારથી ગુરુ દ્રૌણાચાર્યની વ્યૂહરચનાઓનો સામનો કરવાનો થશે. આપ લાડકોડ, પ્રેમ અને સગવડતાઓમાં ઉછર્યા છો! ઘણો સંઘર્ષ થશે. ત્યારે, પોતાની યુધ્ધકલાથી આશ્વસ્ત અને આત્મવિશ્વાસથી ભરપૂર અભિમન્યુએ સારથીને કહેલું કે, "મારી સામે દ્રૌણ કે આખી કૌરવ સેના શું વિસાતમાં છે? જ્યારે હું અન્ય દેવો સહિત ઐરાવત પર આરુઢ ઇન્દ્ર સામે લડી શકું છું. વિશ્વ જેની વંદના અર્ચના કરે છે તેવા રુદ્ર અને તેમના ભૂતગણ સામે પણ હું તો યુધ્ધ કરી શકું છું. તો પછી આ ક્ષત્રિયો સામે યુધ્ધ કરું તો શાની નવાઈ! જગતવિજેતા મારા મામા શ્રીકૃષ્ણ અથવા મારા પિતા અર્જુન પણ જો કદાચ યુધ્ધમાં મારી સામે આવે તો પણ હું ભય ન પામું."
સારથિ જોડે આ વાર્તાલાપ સાથે જ અભિમન્યુ ચક્રવ્યુહમાં દાખલ થઈને દ્રૌણાચાર્ય તરફ ધસી ગયા. હજારો શત્રુઓના શબોથી અભિમન્યુએ જાણે યુધ્ધભૂમિ ઢાંકી દીધી. શત્રુઓના હાથી અને ઘોડાઓના નાશ કર્યો. શત્રુઓના શસ્ત્રો અને આભૂષણો રણભૂમિ પર વેરી દીધા. અનેક શત્રુઓના શરીરના અંગો બહાર નીકળી આવ્યા.
કૌરવોની હાર દેખતા જ દુર્યોધન ક્રોધિત થયા. પોતાની સુરક્ષિત સ્થિતિ છોડીને અભિમન્યુ તરફ ધસી ગયા. તે જોઈને દ્રૌણે દુર્યોધનને રક્ષણ આપવા કૌરવોને સૂચના આપી. તે સાથે જ કર્ણ, કૃપાચાર્ય, શકુનિ, અશ્વત્થામા અભિમન્યુ પર બાણ વર્ષા કરવા લાગ્યા. ચારે તરફથી ઘાત થતી હોવા છતાં, અભિમન્યુ રતિભાર પણ વિચલિત ન થયા. ઉત્તરરૂપે કૌરવના તમામ યોધ્ધાઓ પર બાણ વરસાવવા લાગ્યા. તેવામાં જ અશ્મક રાજાના ગરુડ અને વાયુ નામના બે પુત્રો અભિમન્યુ પર ધસી આવ્યા. અભિમન્યુએ તે બંનેના ઘોડા, સારથિ, હાથ અને માથાને હણ્યાં. આ જોઈને કૌરવોએ અભિમન્યુ તરફ બમણા વેગે આક્રમણ કર્યું. અભિમન્યુએ કર્ણના કવચને ભેદીને ત્રણ રાજાઓનો વધ કર્યો. શલ્યરાજ નામક રાજાને અભિમન્યુએ વીંધ્યો અને મૂર્છિત કર્યો. ચોતરફ હાહાકાર મચાવતા અભિમન્યુને જોઈને કૌરવ સેના રણ છોડીને ભાગવા લાગી. શત્રુઓ તરફથી લડી રહેલા શલ્યરાજના નાના ભાઈએ અભિમન્યુના ઘોડા અને સારથિનો ભોગ લીધો. અભિમન્યુએ મામા શ્રીકૃષ્ણ અને પિતા અર્જુન પાસેથી મેળવેલા ક્ષુરદ્ર, વત્સદંત જેવા શસ્ત્રો વડે અનેક શત્રુઓનો વધ કર્યો અને કૌરવ સેનામાં ભંગાણ પાડ્યું.
ગુરુ દ્રૌણાચાર્ય અભિમન્યુની યુધ્ધ ક્ષમતા જોઈને રાજી થતાં હતા. ક્ષણાર્ધ્ માટે ભૂલી પણ ગયા કે તેઓ બંને અત્યારે પરસ્પર શત્રુ છે. દ્રૌણાચાર્ય પ્રફુલ્લિત સ્વરોમાં કૃપાચાર્યને કહેવા લાગ્યા કે સુભદ્રા પુત્ર અભિમન્યુ એકલા કૌરવ સેનાને ભારી પડી રહ્યા છે. તેમની તુલનામા બીજો તો કોઈ ધનુર્ધર દેખાતો નથી.
કૌરવોની સમુદ્ર સમાન સેના સામે અભિમન્યુ એકલા લડી રહ્યા હતા. અભિમન્યુએ વિશિષ્ટ બાણ છોડીને દુ:શાસનની હાંસડી (ગરદન નીચેના ખભા સુધી ફેલાતા હાડકાં) ભાંગ્યા. દુ:શાસનની દશા જોઈને ક્રોધિત કર્ણ અભિમન્યુ પર બાણની વર્ષા કરવા લાગ્યા. કર્ણના લઘુબંધુએ અભિમન્યુના છત્ર, ધ્વજ અને સારથીને વીંધી નાખ્યા. અભિમન્યુએ એક વિશિષ્ટ બાણનો પ્રયોગ કરીને કર્ણને યુધ્ધભૂમિ છોડવા લાચાર કર્યા. અભિમન્યુ એક પછી એક કોઠાઓ પસાર કરી રહ્યા હતા. પાંડવો તેમની પાછળ ચાલી રહ્યા હતા. ‘ચક્રવ્યૂહ’માં કૌરવો તરફથી સિંધુ નરેશ જયદ્રથ પણ સમાવિષ્ટ હતા. જયદ્રથ એક દિવસ માટે પાંડવોને આગળ વધતાં રોકી શકે તેવી દૈવી શક્તિના ધારક હતા. જયદ્રથે અભિમન્યુને સુરક્ષા આપવા આગળ વધી રહેલા પાંડવોને રોક્યા.
પાંડવો જયદ્રથ દ્વારા રોકાઈ જતાં અભિમન્યુ રણમેદાનમાં એકલા પડી ગયા. કૌરવ મહારથીઓએ; કે જેઓ અભિમન્યુના વડીલો હોવા છતાં, અભિમન્યુને ચારેબાજુથી ઘેરી લીધા. અભિમન્યુએ એકલ પંડે વસાતીય રાજા અને રુક્મથનો વધ કર્યો. આખી કૌરવ સેના અભિમન્યુ તરફ ધસી ગઈ. અભિમન્યુ પાસે એક મોહાસ્ત્ર હતું. તેના ઉપયોગ સાથે જ શત્રુઓને અનેક અભિમન્યુ દ્રશ્ય થવા લાગ્યા. વ્યથિત કર્ણએ દ્રૌણને કહ્યું કે અભિમન્યુ તો એક જ સપાટે અનેકને હણે છે. અભિમન્યુના નાશનો કોઈક ઉપાય કહો. દ્રૌણે રસ્તો બતાવ્યો કે "તેની પર પાછળથી હલ્લો કરો. જ્યાં સુધી અભિમન્યુના હાથમાં ધનુષ છે, ત્યાં સુધી દેવ કે દાનવો પણ તેને હરાવી શકે તેમ નથી." તુરંત જ કર્ણે અભિમન્યુનું ધનુષ્ય તોડ્યું.
કૌરવોના છ મહારથીઓએ એકલવીર અભિમન્યુ પર એકી સાથે આક્રમણ કર્યું. રથ અને ધનુષ વગરના અભિમન્યુએ રથનું ચક્ર અને ગદાનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને સુબલ પુત્ર કાલિકેયનો વધ કર્યો. સત્તોતેર ગાંધાર, વસાતીય અને કૈક્યો રથીઓને મારી નાખ્યા. સંપૂર્ણપણે નિ:શસ્ત્ર અને એકલા હાથે કૌરવોના ચક્રવ્યૂહમાં ઝઝૂમેલા અભિમન્યુને દુ:શાસનના પુત્રએ માથામાં ગદા મારતા અભિમન્યુ ઢળી પડ્યા અને બીજા કૌરવ દિગ્ગજોએ સાથે મળીને એકલવીર અભિમન્યુનો જીવ લીધો.
લોકસાહિત્યના ગામઠી મહાભારતમા એક સંવાદ છે. અભિમન્યુનો જીવ જતો ન હતો. કોઈએ પૂછતા અભિમન્યુએ કહેલું કે મારા બાપને તેડાવો તો મારો જીવ જાય. અર્જુન દૂરથી અભિમન્યુ પાસે પહોંચેલા. અર્જુને અભિમન્યુને કહેલું, "મર, મર, તારા મારનારને તારી ભેગો બાળીશ. તારા જીવની મુક્તિ કર."
- ફાલ્ગુન મોદી








