શતરંગ / વિશ્વનું સહુથી ઊંચુ યુધ્ધ ક્ષેત્ર: બરફનું રણ
- યુધ્ધગાથા ત્રણ મજલાના મકાન જેટલો બરફ વરસે : ન્યુનત્તમ તાપમાન માયનસ 60 સેલ્શિયસ ગૌરવની વાત છે. થોડા

- યુધ્ધગાથા
ત્રણ મજલાના મકાન જેટલો બરફ વરસે : ન્યુનત્તમ તાપમાન માયનસ 60 સેલ્શિયસ
ગૌરવની વાત છે. થોડા સમય પહેલા અમેરિકાના ચુનિંદા લશ્કરી કમાંડો ભારતની મુલાકાતે આવેલા. તેમણે જંગલોમાં નક્સલવાદીઓના સામના માટે ભારતીય સૈન્યએ અપનાવેલી ગોરિલ્લા પધ્ધતિના મ્હોંફાટ વખાણ કરેલા. તે જ રીતે વિશ્વના સહુથી ઊંચા ‘કોમ્બેટ ઝોન’ સિયાચીન પરની ભારતની યુધ્ધ ક્ષમતા જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયેલા. વિશ્વના બીજા કોઈ દેશનું સૈન્ય સિયાચીન જેટલી ઊંચાઈએ અને અત્યંત વિષમ વાતાવરણમાં યુધ્ધ માટે ટ્રેઇન્ડ નથી. અલબત્ત, સિયાચીનની સરહદ પાકિસ્તાન સાથે છે. પરંતુ પાકિસ્તાન-ભારતના નાના-મોટા લશ્કરી સંઘર્ષ દરમિયાન પાકિસ્તાન નબળું સાબિત થયું છે. વિધિની વક્રતા એ છે કે સિયાચીનનો શાબ્દિક અર્થ ‘ગુલાબનો વિસ્તાર’ થાય છે. ગ્લેશિયરની ટોચ અને તળેટી આસપાસ જંગલી ગુલાબ ખીલતા રહે છે.
સિયાચીન સંદર્ભે પાકિસ્તાન સાથે ભારતે 1949 અને 1958માં સમજૂતીઓ કરેલી. 1972ના શિમલા કરારમાં સંઘર્ષ વિરામ બાદ (સીઝ ફાયર) સરહદો પણ આંકવામાં આવેલી. પાકિસ્તાન પોતાના સ્વભાવ અને રાજકારણવશ કાંકરીચાળા વગર રહી ન શકે. 1958ની સમજૂતી બાદ સિયાચીન માટે સતત મૌન રહેલા પાકિસ્તાને વર્ષ 1983માં અચાનક દાવો કર્યો કે ‘સિયાચીન હમારા હૈ.’ પાકિસ્તાને દલા તરવાડી જેવુ વર્તન કર્યું તે સાથે જ ભારતે વીજળીવેગે લશ્કરી પગલાં ભર્યા. પાકિસ્તાન સિયાચીન પર પોતાનો ઝંડો ફરકાવે તે પહેલા ભારતે 13.04.1984ના દિવસે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ‘સિલટોરો હાઇટ્સ’ નામક સ્થાન પર કબ્જો જમાવી લીધો. તેમ કરવું ખૂબ તાકીદનું હતું. ભારતની યુધ્ધ દરમિયાનની રણનીતિ માટે સિયાચીન એક મહત્વનું સ્થાન ધરાવે છે. અગર, પાકિસ્તાન સિયાચીન પર આધિપત્ય મેળવે તો શસ્ત્ર સરંજામની સગવડો ઉપરાંત રડાર (રેડિયો ડીટેક્શન એન્ડ રેંજિંગ) પણ ત્યાં ઇન્સ્ટોલ કરી શકે. શત્રુના રડારની હાજરી માત્રથી સિયાચીનની રક્ષા કરતા ભારતીય હવાઈદળની મારક ક્ષમતા શૂન્ય થઈ જાય. તેમ થતાં જ યુધ્ધ ફાટી નીકળવાના સંજોગોમાં ભારતે નુકશાન સહન કરવું પડે.
સિયાચીનની સંરચના વિષે વાત કરીએ. સિયાચીન એક ગ્લેશિયર છે. ગ્લેશિયર એટ્લે હિમનદી અથવા તો કહો કે હિમસરિતા. સંસ્કૃતમાં તેને તુષાર નદી કહે છે. ગ્લેશિયર, નદીની જેમ સતત ગતિશીલ રહે છે, પરંતુ નદીની સરખામણી ગ્લેશિયરના વહેવાની ગતિ અત્યંત ધીમી હોય છે. એક લાંબા અરસાના અંતે એકત્રિત થયેલા બરફનું પડ પોતાના જ વજનથી ખસક્વા માંડે એટલે ગ્લેશિયરનો જન્મ થાય. ભૌગોલિક રીતે સિયાચીન હિમાલયની પૂર્વ તરફ આવેલી કારાકોરમ પર્વતમાળાનો 6000 મીટર (20000 ફૂટ) ઊંચો હિસ્સો છે. આટલી ઊંચાઈ એ સ્વાભાવિક રીતે તાપમાન ન્યુનત્તમ હોવાનું. લગભગ તમામ ચીજ વસ્તુઓ પર બરફ જામી જતો હોય છે. અલબત્ત, આર્મીના જવાનો હસતાં હસતાં કહેતા હોય છે કે બે વસ્તુઓ કદી નથી જામતી. એક કેરોસીન અને બીજો ‘રમ’(એક પ્રકારનો સ્ટ્રોંગ દારૂ) ક્યારેય જામી જતાં નથી.
મજબૂત, તાલીમબધ્ધ અને અડીખમ શરીર સૌષ્ઠવ ધરાવતા ફૌજીઓ માટે સિયાચીનનું પોસ્ટિંગ એક પડકારથી કમ નથી રહેતું. ત્યાની આબોહવા અત્યંત વિષમ છે. તાપમાન માયનસ 60 સેલ્શિયસ જતું હોય છે. વિષમ આબોહવામાં કોઈ પણ કામ સરેરાશ કરતાં વિકટ થઈ જાય. ભૂલેચૂકે પણ યોગ્ય આવરણ વગર કોઈ ધાતુનો સ્પર્શ, ભલે પછી તે તમારી બંદૂક હોય, પંદર સેકન્ડ કરતાં વધુ સમય માટે થઈ જાય તો સ્પર્શ પામેલો ભાગ ફ્રોસ્ટ બાઇટ/હિમડંખનો ભોગ બને. એક વાર હિમડંખ લાગ્યા પછી જખમનો કોઈ ઈલાજ ન રહે. જે તે અંગને તબીબી વાઢકાપ દ્વારા દૂર કરવું પડે. સિયાચીનમાં જવાનો અને લશ્કરી અધિકારીઓના મૃત્યુ દુશ્મનની ગોળી કરતાં ખરાબ આબોહવાના કારણે વધુ થાય છે. 6000 હજાર ફૂટની ઊંચાઈ પર તૈનાત જવાને માનસિક, શારીરિક અને નૈતિક મર્યાદાઓ ભુલવી પડે. સામાન્ય માનવ કરતાં તેમણે અનેકગણું અડગ સાબિત થવું પડે.
પર્વતારોહીઓ પણ ઉત્તુંગ શિખરો સર કરતાં હોય છે, પરંતુ તે સિધ્ધી શ્રેષ્ઠ અને ફાવતી ઋતુમાં મળતી હોય છે. જ્યારે સૈનિકોએ બારેમાસ સદંતર વિપરીત વાતાવરણનો સામનો કરવાનો હોય છે. અહીં પ્રાણવાયુનું પ્રમાણ સરેરાશ સપાટ મેદાનો કરતાં નેવું ટકા ઓછું હોય છે. ફેફસાઓ પ્રતિક્ષણ જાણે અગ્નિપરીક્ષા આપતા હોય તેવી દશા થતી હોય છે. આમ નાગરિક માટે આવા વાતાવરણમાં ટકી રહેવું કપરું હોય છે. શિસ્તબધ્ધ અને આકરી તાલીમ વગર સિયાચીનની આબોહવા માટે સક્ષમ થવું અશક્ય છે. ત્યાં રહયે ઊંઘ ન આવવી, કે ખોરાક લેવાની ઇચ્છા જ ન થવી સામાન્ય છે. અમુક કિસ્સાઓમાં સ્મૃતિભ્રંશ પણ થતો હોય છે. કોઈ ઘટના એવી પણ બનતી હોય છે કે માનસિક રીતે સ્વીકારવું દૂષ્કર થઈ જાય. સવારે ઉઠતાની સાથે જ ટૂથબ્રશના બ્રિસ્ટલ કડક જોવા મળે અને ટૂથપેસ્ટ પથ્થર જેવી માલૂમ પડે.
ચોમાસા જેવી ઋતુમાં આપણે અતિવર્ષાના એક-બે કે અને વાવાઝોડાના એકાદ દિવસથી ટેવાયેલા હોઈએ છીએ. સિયાચીનમાં બરફનું તોફાન ત્રણ સપ્તાહો સુધી ચાલુ રહેતું હોય છે. પવનની ગતિ એકસો કીલીમીટરની થઈ જતી હોય છે. હિમવર્ષાના તાંડવ દરમિયાન બે ત્રણ સૈનિકોએ પાવડા વડે સતત બરફ દૂર કરતો રહેવો પડે. તેમ ન કરે તો તેમની સૈન્ય ચોકી ઇતિહાસ બની જવાનો ડર રહેતો હોય છે. આપણે એક વર્ષમાં મહત્તમ વીસથી પચીસ ઇંચ વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠતાં હોઈએ છીએ. ત્યાં ઉપર તેટલા સમયગાળામાં છત્રીસ ફુટ બરફ પડતો હોય છે. મનોરંજન માટે જવાનો ક્યારેક જામીને નક્કર થઈ ગયેલા સફરજન કે નારંગીથી પ્રિય ખેલ ક્રિકેટ રમી લેતા હોય છે. સિયાચીનમાં તાજો ખોરાક એક મહામૂલું સ્વપ્ન બની જાય છે. તમામ ખોરાક ટીન પેક ડબ્બામાંથી જ આરોગવો પડે. ખોરાકની ડિલિવેરી માટે આવતા વિમાનોએ એક મિનિટ કરતાં ઓછા સમયમાં ખોખા(Food Box) ફેંકવા પડતાં હોય છે. તેમ કરવામાં કસૂર થયે નજદીકની પહાડી પર ટકરાઇ જવાનો ભય સતત ઝળૂંબતો હોય છે.
સિયાચીન વિસ્તાર એટલો દુર્ગમ છે કે યુધ્ધ ન થવા છતાં છેલ્લા ત્રીસ વર્ષોમાં 846 સૈનિકો શહિદ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં જ પચાસ સૈનિકોએ માતૃભૂમિ માટે શહીદી વહોરી છે. વિષમ પરિસ્થિતિનો તાગ કાઢવા એક કિસ્સો પૂરતો છે. હવાલદાર ગયાપ્રસાદ, 15 રાજપૂત બટાલિયનનો મૃતદેહ તેમના મૃત્યુના અઢાર વર્ષ પછી બરફમાં દટાયેલો મળેલો. ભારત સરકાર સામાન્ય રીતે ઘર્ષણ દરમિયાન મરણ શરણ થનારા સૈનિકોને શહિદ કહે છે. અહી સરકારે અપવાદ રાખ્યો છે. આત્યંતિક વિષમ આબોહવાને ધ્યાને લેતા યુધ્ધના સંજોગો સિવાય પણ મૃત્યુ પામતા સૈનિકોને શહિદની સમકક્ષ સન્માન આપવામાં આવે છે.
સિયાચીન વિસ્તારના લોકો એક સુંદર કહેવત બોલતા હોય છે. “ આ વિસ્તાર એટલો રુક્ષ અને માર્ગો એટલા કઠીન છે કે વ્હાલો મિત્ર અને કટ્ટર શત્રુ જ અહીં આવે.“
શિસ્ત સંગ સ્મિત:
દુશ્મનો આપણી સામે, પાછળ, ડાબી બાજુએ, જમણી બાજુએ અને આપણી ઉપર છે. હવે તેમની પાસે કોઈ રસ્તો બચ્યો નથી.
- ફાલ્ગુન મોદી








