મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / શંકાઓના વમળમાંથી માણસ ક્યારેક તો ખરેખર બહાર આવશે?

- ચલ કહીં દૂર... ભારતીય પૌરાણિક સાહિત્યની મૌલિક વિશેષતા એ છે કે આધુનિક યુગમાં પણ

શતરંગ / શંકાઓના વમળમાંથી માણસ ક્યારેક તો ખરેખર બહાર આવશે?

- ચલ કહીં દૂર...  

ભારતીય પૌરાણિક સાહિત્યની મૌલિક વિશેષતા એ છે કે આધુનિક યુગમાં પણ જે સમસ્યા વ્યક્તિગત જીવનને પરેશાન કરી શકે છે એનો બોધ આપતી સરળ કથાઓ લખવામાં આવી છે. ભગવદ્ ગીતા તો માણસને આનંદમય જીવન જીવવાની કળા સાથે પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થવા સાથે મૃત્યુને પણ ચાહતા શીખવે છે.

       માણસને સૌથી વધારે પરેશાન કરતી નબળી કડીનું નામ હોય તો શંકાશીલ સ્વભાવ છે. શંકાઓ માણસને કેટલી હદ સુધી નુકસાન પહોંચાડે છે એની સુંદર કથા ભારતીય સાહિત્યમાં લખાયેલી છે. બીજા શબ્દમાં કહીએ તો શંકાનો લગભગ વિરોધી કહી શકાય એવો વિચાર એટલે વિશ્વાસની સમજ કેળવાય તે વાતને સામાન્ય વ્યક્તિ સમજી શકે એ રીતે કથામાં પ્રસ્તુત કરવામાં આવી છે. આજકાલ સમાચારોમાં વાંચવા મળે છે છે કે નિકટ રહેતી વ્યક્તિ કેવળ શંકા થકી બીજાના જીવનને બરબાદ કરી નાખતા અચકાતી નથી. જરૂરી નથી કે સમાજની બધી બુરાઈ ખાલી આ જ યુગમાં છે, દરેક યુગ અને સંસ્કૃતિઓમાં માણસજાતને સમસ્યા હતી. આપણી પૌરાણિક કથાઓ થકી મહાન વડવાઓ આપણને ચેતવે છે કે હજારો વર્ષથી ચાલતી ભૂલોનું પુનરાવર્તન રોકવું જોઈએ.

        ગોમતી નદીના કિનારા પર નાના ભાઇ અને અત્યંત સુંદર પત્ની સાથે રહેતા કણ્વ ઋષિના જીવનમાં વિશ્વાસનું જહાજ મધદરિયે ડૂબી ચુક્યું હતું. નાના ભાઇ અને સુંદર પત્ની વચ્ચે સંબંધ હોઇ શકે તેવી શંકા ઋષિના મનમાં આગની જેમ રમ્યા કરતી. કોઈ કામે બહાર જવું પડે તો કણ્વના મનમાં ભાઇ પ્રગાથ અને પત્નીના અનૈતિક સંબંધો હોવાની શંકાનો ભાર ઉતરતો નહીં. કણ્વ ઋષિ અત્યંત વિદ્વાન હતાં, એ જાણતા હતાં કે તેમના વિચારો કેવળ માનસિક અશાંતિ ઉભી કરે એવા છે કેમ કે તથ્ય જેવું કશું નથી. આમ છતાં અયોગ્ય વિચારોથી દૂર રહેવાનો પ્રયાસો કરવા છતાં શંકાઓ વધારે જોરથી મનોમાનસ પર હુમલો કરતી હતી. આપણે ધારીએ છીએ એટલી આસાન રીતે શંકાનો ભાર ઉતારવો શક્ય નથી. કણ્વ જેવા મહાન વ્યક્તિના પ્રયાસો નિષ્ફળ જતાં હોય તો આપણે તો પામર છીએ.

       એકવાર કણ્વ ઋષિને કોઈ કારણોસર બહાર જવાનું થયું. એ યુગની જરુરિયાત મુજબ ભાઇ પ્રગાથ જંગલમાં ચારો અને લાકડા લેવા ગયો હતો. કણ્વ માર્ગમાં શંકા કરતાં જ રહ્યાં અને વિચારોના વમળમાં માર્ગ ભૂલો પડ્યા. શંકાનો કીડો મનમાં પ્રવેશે પછી શાંતિ મળતી નથી કે સુખેથી જીવવા દેતો નથી. શંકા એ તો દર્દ વગરનો વંઠી ગયેલો રોગ છે. એકવાર મનમાં શંકા પ્રવેશે કે ગમે ત્યારે હાર્ટ એટેક આવશે જેવી એન્ઝાઇટીમાં પસ્તી ભરાય એટલા કાર્ડિયોગ્રામ કરાવ્યાના ઉદાહરણો નજર સામે મળી આવશે.

      આપણી મૂળ વાત, ભારતીય વિદ્વતાપૂર્ણ સાહિત્યએ સહજતાથી સમજાવ્યું કે શંકાશીલ માનસ નિયત માર્ગમાં પણ ભૂલું પડી શકે છે. માર્ગમાં ભૂલા પડેલા કણ્વ ઋષિ કોઇ સજ્જન વટેમાર્ગુની મદદથી ઘરે પહોંચ્યા. બીજી તરફ લાકડા અને ઘાસ લઇ આવેલા પ્રગાથને થાકેલો જોઈ પૂત્રવત પ્રેમથી ભાભીએ ખોળામાં સૂવડાવ્યો. કણ્વનુ અચાનક પાછું આવવું અને ભાઇને ખોળામાં સૂતેલો જોઇ શંકા પાક્કી કરી નાખી. કોઈ પ્રશ્ન નહીં, જવાબ નહીં કે સંવાદ નહીં. માની લીધેલા આક્ષેપો સાચા જ છે એ ભ્રમ મજબૂત થયો. કથાકન મુજબ વાસ્તવિકતાનો અહેસાસ થતાં કણ્વ ઋષિએ પત્નીની તથા ભાઇની માફી માંગી. માફી માંગવામાં મોડું થતાં બંને ભાઇઓ છૂટા પડ્યાં. આપણી કથાઓ જીવનની વાસ્તવિકતા સમજાવતા કહે છે કે નજરનો પણ ભરોસો કરવો નહીં.

      મનોવિજ્ઞાન તો એવું માને છે કે બીજાઓ પર શંકા કરવી એ માનસિક સમસ્યા છે પણ સૌથી મોટી સમસ્યા તો એ પોતાના પર પણ શંકાઓ કરતો રહે છે. સૌથી સરળ ઉદાહરણ હોય તો ઘણી વ્યક્તિઓ અકારણ માફી માંગતા ફરતા હોય છે. બીજા શબ્દમાં કહીએ તો શંકાશીલ માણસોમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. જે વ્યક્તિને પોતાનામાં વિશ્વાસ ન હોય એ વ્યક્તિ પ્રગતિ કેવી રીતે કરી શકે એ ય કોયડો છે. માણસ મહદઅંશે પોતાની પાસે ઉચ્ચ અપેક્ષાઓ રાખતો હોય છે જે એની ક્ષમતાઓ કરતાં વધારે હોય છે. જ્યારે અપેક્ષાઓ પૂરી થાય નહીં ત્યારે એ પોતાની જાત પર સૌથી વધારે શંકાઓ કરવા લાગે છે. વિજ્ઞાન જેવા વિષયોમાં શંકાનું સમાધાન માટે તર્ક છે પણ માનસિક સમસ્યાઓમાં સતાવતી શંકાનું સમાધાન શોધવું મુશ્કેલ છે. આમ તો માનવીય સંબંધોના મૂળિયાંમાં પરસ્પર ડેડિકેટેડ ભરોસો જરૂરી છે, પણ સુનતા કોન હૈ.

      કોઇની સાંભળેલી વાત હોય કે વિશ્વાસના જહાજમાં નજરે જોવા છતાં અંતિમ નિર્ણય પર પહોંચતાં સો વાર વિચારવું જોઈએ. મૂળ સેક્સપિયરની કૃતિ ઓથેલો હોય કે વિશાલ ભરદ્વાજની ઓમકારા ફિલ્મના મૂળમાં નજરે દેખેલાનો પણ ભરોસો કરતાં પહેલાં સ્વસ્થ મને વિચાર કરવો જોઈએ એ જ સાર હતો. જ્યારે શંકાના વમળમાં ફસાયેલા વ્યક્તિની એકલતા અને શંકાઓ માનસિક રીતે પરેશાન કરવા લાગે ત્યારે વિશ્વાસુ વ્યક્તિઓ સાથે ખુલ્લા મનથી ચર્ચા કરવાથી ભાર ઘટી શકે.

        આધુનિક યુગમાં પતિપત્ની બંનેએ કામ કરવું જરૂરી છે. સારી જિંદગી માટે નોકરીના કલાકોના શોષણ, ઘરખર્ચ, બાળકોને ભણાવવા તથા પરણાવવા ખર્ચ માટે તથા તેમને સ્થાયી કરવા નાણાં જરૂરી છે. સરેરાશ વૈશ્વિક કહાનીઓમાં શંકાના બીજ મજબૂત થતાં પારિવારિક જીવન અશાંત થાય છે. જે આનંદ માટે મહેનત કરી હતી એ કથાઓ હવે વ્યર્થ લાગે છે. એકવાર ફેમિલી કોર્ટનું ચક્કર લગાવીએ તો ખબર પડે કે અડધોઅડધ દંપતિઓ માની લીધેલા સત્ય માટે છૂટા પડતાં હોય છે, જે કદાચ એક સમયે સમજાવટથી સોલ્વ થાત.

      એક અભ્યાસ મુજબ શંકાશીલ માનસિકતાની  સમસ્યા કેવળ ઓછી આવક ધરાવતા પરિવારોમાં નથી, દેખીતા સમૃદ્ધ પરિવારોની સ્ત્રીઓ અને પુરુષોમાં વકરતી જાય છે. ઘરની બહાર કામ કરતી મહિલા માટે ઘરમાં ઉદભવતો માનસિક ત્રાસ અત્યંત કરૂણ ઘટના છે. શંકાશીલ પુરુષોને જવાબથી ક્યારે સંતોષ થતો જ નથી. એક તરફ ઘરખર્ચ, બાળકોની કરિયર અને સતત શંકાની નજરો શાંતિ હણી નાખે છે. કોનો ફોન હતો, શા માટે ઓફીસથી ફોન આવ્યો? ઓફીસથી ઘરે પહોંચતા તો માત્ર દસ મિનીટ થાય તો ત્રીસ મિનીટ કેમ થઈ? સહકર્મચારીઓ કોણ છે, કોની બર્થડે હતી? તે પુરુષ છે કે મહિલા? અધધધધ સવાલોના જવાબો બંને પક્ષો પાસે હોતા નથી. આ કરુણ સમસ્યા વિશ્વના દરેક પરિવાર માટે હોતી નથી પણ સરેરાશ મહિલાઓ શંકાની આગની નજીકથી પસાર થાય છે એવું ડોમેસ્ટિક વાયોલન્સના જાણકારોનું માનવું છે.

      આપણો લાઇફનો હાઇવે નાના નાના સુખોનો માર્ગ છે. જો શંકા કુશંકા કે નાની નાની બાબતોમાં વિવાદ કરતા જઇશું તો મળેલા સુખના માર્ગમાં કણ્વની જેમ ભૂલા પડી જઇશું. લાઇફલાઇન એ કોઇ ગૂગલે દોરેલો રસ્તો નથી કે કયો વળાંક ક્યારે આવશે એની સુચના આપે રાખે અને કદાચ માર્ગ ચૂક્યા તો ફરી ક્યાંથી પરત વળવું એ શીખવાડે. આ તો થપ્પડ ફિલ્મની જેમ વન વે હાઇવે છે.         

સાથે મળીને સુખ ભોગવવાની જિંદગી એ કોઈ ગૂગલ નથી, જેના સત્યોને સર્ચ કરી શકાય. જિંદગીના મોજ માટે અજાણ્યા આઉટ ઓફ બોક્સમાં રહેલા સુખો શોધવાની જરૂર છે, એ પહેલાં ઇનબોક્સમાં જે ભેગું કર્યું છે એને માણવાનું છે. ઘરમાં આટલો કચરો કેમ છે એવું પૂછતાં પતિને પત્ની હિંમતપૂર્વક કહી શકતી હોવી જોઈએ કે બહુ કચરો લાગતો હોય તો જૂતાં પહેરીને ફરો. સોશિયલ મિડીયા પર આવતા ચીલાચાલુ પતિપત્નીના જોક્સ અથવા પરંપરાગત માનસિકતામાં વાંક શોધવો એ પતિધર્મ અને કોઈ પણ રીતે વાંકમાં નહીં આવવું એ પત્ની ધર્મની ઓળખ છે. શંકાના દાયરામાંથી બહાર નીકળવું કઠિન છે પણ અશક્ય નથી.  

नैणा रात को चलते-चलते, स्वर्गां में ले जावे

मेघ मल्हार के सपने बीजें, हरियाळी दिखलावें...

नैणों की ज़ुबान पे भरोसा नहीं आता

लिखत-पढ़त न, रसीद ण खाता

सारी बात हवाई रे...

बिण बादल बरसावें सावण, सावण बिण बरसातां...

बिण बादल बरसावें सावण, नैणा बांवरा कर देंगे...

नैणा ठग लेंगे...  

- દેવલ શાસ્ત્રી

આ સમાચાર શેર કરો