મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / આ વખતનો T20 World Cup વિવાદાસ્પદ કેમ બની રહ્યો છે?

- ટાઈમ આઉટ હજી તો આ T20 World Cup શરુ થયે માંડ અઠવાડિયું થયું છે અને એટલામાં તો તે

શતરંગ / આ વખતનો T20 World Cup વિવાદાસ્પદ કેમ બની રહ્યો છે?

- ટાઈમ આઉટ 

હજી તો આ T20 World Cup શરુ થયે માંડ અઠવાડિયું થયું છે અને એટલામાં તો તેને વિવાદે ઘેરી લીધો છે. આમ જુઓ તો મુખ્ય વિવાદ બે ખાસ વેન્યૂની પીચો વિશે વધુ છે પરંતુ જેમ જેમ આ અઠવાડિયું આગળ વધતું ચાલ્યું છે તેમ તેમ એકાદ-બે નવા વિવાદો પણ ટુર્નામેન્ટને ઘેરવા લાગ્યા છે.

એક રીતે જોઈએ તો વેસ્ટ ઇન્ડિઝ અને વર્લ્ડ કપ વચ્ચે વિવાદોનો સીધો સંબંધ હોય એવું લાગે છે. 2007માં જ્યારે અહીં પચાસ ઓવર્સનો વર્લ્ડ કપ રમાયો હતો ત્યારે પણ અનેક વિવાદો થયા હતા. સહુથી મોટો વિવાદ તો ફાઈનલને જે રીતે રમાડવામાં આવી હતી તે હતો, જેના વિશે આપણે આ જ કોલમના અગાઉના લેખોમાં જાણી ચૂક્યા છીએ. આ ઉપરાંત એ વર્લ્ડ કપમાં પાકિસ્તાનના તે સમયના કોચ બોબ વુલ્મરની રહસ્યમય હત્યા પણ થઇ હતી. 

તે સમયે પણ ધીમી પીચો અને પ્રેક્ષકોની ગેરહાજરી એક મોટો પ્રશ્ન લઈને આવી હતી. આ વખતે પણ આ બે કારણો આ T20 World Cupને ઘેરી રહ્યા છે પરંતુ સહેજ જુદી રીતે. આ વખતે પીચો અને ખાસ કરીને ન્યૂયોર્કની અને ગયાનાની પીચોએ ખોટા કારણોસર લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. આપણે જાણીએ જ છીએ કે ન્યૂયોર્કની નાસાઉ કાઉન્ટીમાં લગભગ ત્રીસેક હજાર લોકોને સમાવી શકતું એક સ્ટેડિયમ ખાસ ઉભું કરવામાં આવ્યું છે.

આ સ્ટેડિયમ ફક્ત ને ફક્ત વર્લ્ડ કપ માટે જ ઉભું કરાયું છે અને જેવો વર્લ્ડ કપ પૂરો થશે એટલે તેનો વાવટો સંકેલી લેવામાં આવશે. કામચલાઉ સ્ટેડિયમ હોવાથી અહીં પીચ ઉભી કરવાનો કોઈજ સમય ન હોવાથી ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાં ખાસ બનાવવામાં આવેલી પીચ સમુદ્ર માર્ગે ન્યૂયોર્ક આવી હતી અને તેને અહીં ‘ઇન્સ્ટોલ’ કરવામાં આવી હતી. 

આ જ્યારે લખાઈ રહ્યું છે ત્યાં સુધી ન્યૂયોર્કની એ પીચ પર બે મેચો રમાઈ છે. પહેલી મેચમાં સાઉથ આફ્રિકા સામે શ્રીલંકા અને બીજી મેચમાં ભારત સામે આયરલેન્ડ પહેલી બેટિંગ કરતાં પૂરા 100 રન્સ પણ બનાવી નહોતા શક્યા. આ વર્ષે આપણે IPLમાં ઘણી વખત 250+ ટોટલ જોયા છે અને પછી તો એવી બેટિંગ જોઇને કંટાળો પણ આવતો હતો. 

પરંતુ એ સ્કોરનો બીજો છેડો એટલે કે એક ઇનિંગમાં 100 રન્સ પણ ન થાય એ પણ કંટાળાજનક હોવા કરતાં ચિંતાજનક વધુ છે. આ વર્લ્ડ કપને વેસ્ટ ઇન્ડિઝ સાથે અમેરિકામાં આયોજિત કરવા પાછળનો ICCનો મુખ્ય હેતુ અહીં ક્રિકેટને જબરદસ્ત પ્રોત્સાહન આપવાનો હતો. કારણકે અમેરિકનો પાંચ દિવસની ટેસ્ટ અને સાત-આઠ કલાકની વનડે મેચોનો તો ક્યારેય સ્વીકાર કરી શકવાના નથી. પરંતુ બેઝબોલની જેમ જ ત્રણ-સાડાત્રણ કલાકની T20 મેચ અને તેમાં વારંવાર લાગતી સિક્સર અને ફોર જોઇને તેઓ જરૂર આકર્ષિત થશે એવો વિચાર આ વખતના આયોજન પાછળ છે. 

વળી, 2028માં જ્યારે અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા લોસ એન્જેલસમાં ઓલિમ્પિક્સ રમાશે ત્યારે તેમાં ક્રિકેટને પણ મેડલોના લિસ્ટમાં ઉમેરવામાં આવ્યું છે. આથી આ વર્લ્ડ કપ એ ઓલિમ્પિક્સના પાયામાં હોય અને 2028 આવતાં આવતાં અમેરિકનોમાં આ ફોર્મેટની લોકપ્રિયતા વધી જાય એવો વિચાર પણ આ ટુર્નામેન્ટ અહીં આયોજિત કરવા પાછળ રહ્યો છે. 

પરંતુ ન્યૂયોર્કની પીચ પર સિક્સરો કે ચોગ્ગાઓ તો છોડો બેટરોને પોતાની જાતને ઈજાથી બચાવવી પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ ગઈ છે. આટલું જ નહીં આ મેદાનનું આઉટ ફિલ્ડ એકદમ ધૂળિયું છે. બોલનો ટપ્પો પડે ને ઘાસ નીચેથી ધૂળ ઉપર ઉછળે છે. આ પ્રકારનું આઉટ ફિલ્ડ ગત પચાસ ઓવર્સના વર્લ્ડ કપમાં ધરમસાલામાં જોવા મળી હતી અને તેની ઘણી ટીકા કરવામાં આવી હતી.

ન્યૂયોર્કની પીચ અને તેની આઉટ ફિલ્ડની પણ આકરી ટીકા થઇ રહી છે. હજી તો વર્લ્ડ કપની શરૂઆત છે અને એવામાં રોહિત શર્મા ન્યૂયોર્કની પીચના અસમાન અને ખતરનાક ઉછાળને કારણે રીટાયર્ડ હર્ટ થઇ ગયો છે અને ઋષભ પંતને પણ ઈજાનો સામનો કરવો પડ્યો છે. 

તો ગુયાનાની પીચનું પણ આવું જ છે. એ પણ સાવ ધીમીધબ પીચ છે અને તેનું આઉટ ફિલ્ડ પણ ખૂબ ધીમું છે જેને કારણે બેટરોને રન્સ બનાવવામાં તકલીફ પડી રહી છે. યાદ રહે ગુયાનામાં જ આ વર્લ્ડ કપની એક સેમીફાઈનલ રમાવાની છે અને જો બધું સમુસુતરું પાર પડ્યું તો ભારત જ આ મેદાન પર તેની સેમીફાઈનલ મેચ રમવાનું છે.

આટલું ઓછું હોય તેમ આ વર્લ્ડ કપમાં રમાતી મેચોના સમય ઉપર પણ પ્રશ્નાર્થ છે. દિવસની અમુક મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરુ થાય છે, તો અમુક રાત્રે 9 મેચ તો અમુક તો રાત્રે 9.30 વાગ્યે શરુ થવાની છે. આટલા વર્ષોથી IPL રમાય છે પણ તેના દર્શકને ખબર છે જ કે બપોરની મેચ 3 વાગ્યે અને સાંજની મેચ 7 વાગ્યે શરુ થવાની છે જ. પરંતુ આ પ્રકારનું અણઘડ ટાઇમ ટેબલ હોવાને કારણે આ વર્લ્ડ કપ અંગે ટીવીના દર્શકોમાં ઘણું બધું કન્ફયુઝન છે. 

હજી તો આપણે ટીકીટોના ભાવ વિશે તો ચર્ચા કરી જ નથી. વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન મેચની ટીકીટો અને તેના પાર્કિંગના ભાવ અકલ્પનીય છે. વેસ્ટ ઇન્ડિઝમાં રમાતી મેચોમાં પણ ટીકીટોના ઊંચા ભાવને કારણે સ્ટેડિયમ અડધા ખાલી જોવા મળી રહ્યા છે. ઉપરાંત મેચોના સમય એશિયન દેશોને અનુકૂળ પડે એ જોઇને નક્કી કરાયા છે આથી સાંજની મેચો મધરાત્રિ પછી પૂરી થાય છે જેથી અહીં રહેતા સ્થાનિકો બીજા દિવસે કામે જવાનું હોવાથી કે પછી બાળકોને સ્કૂલે જવાનું હોવાથી પણ આ મેચોથી દૂર રહ્યા છે. 

જ્યારે આ પ્રકારે આયોજન કરવામાં આવે ત્યારે એમ થાય કે ICCને ફક્ત કમાણીમાં જ રસ છે, અને તેણે દર્શકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લીધા છે. ન્યૂયોર્કને ભારત-પાકિસ્તાન મેચની યજમાની એ વિચારીને આપી દીધી કે હજારો લોકો તેને સ્ટેડિયમમાં અને કરોડો લોકો તેને ટીવી પર જોવાના જ છે, પણ એ ન વિચાર્યું કે ત્રણ મહિનામાં તૈયાર કરેલું સ્ટેડિયમ અને તેની પીચો ખેલાડીઓ માટે કે પછી આ સમગ્ર ટુર્નામેન્ટ માટે અનુકૂળ છે કે નહીં?

તો વધુને વધુ લોકો મેચ જોવા આવે જેથી આ ક્ષેત્રમાં ખાસ કરીને અમેરિકામાં ક્રિકેટની અચ્છી જાહેરાત થઇ શકે તે માટે ટીકીટોના ભાવ નીચા રાખવાની પણ કોઈ ઈચ્છા ICCની હોય તેવું લાગતું નથી. જોઈએ ઓવરઓલ આ વર્લ્ડ કપ કેવો રહે છે. બધો જ મદાર આજની ભારત-પાકિસ્તાન મેચ અને ત્યારબાદ સેમીફાઈનલ અને ફાઈનલ કેવા ટેમ્પોમાં રમાય છે તેના પર છે. જો આ બધું સરખું ચાલ્યું તો ફરીથી અમુક વર્ષે અહીં વર્લ્ડ કપ રમાશે નહીં તો હરી હરી!

- સિદ્ધાર્થ છાયા 

આ સમાચાર શેર કરો