મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / પૈસા વિશેની કઇ ફિલસૂફી તમને ગમે?

- અસામાન્ય જરૂર કરતાં થોડો વધારે કે ઓછો પૈસો હોય તો એ સારી સ્થિતિ છે! પૈસો એવો શબ્દ છે કે જેના વિશે તમને વ

શતરંગ / પૈસા વિશેની કઇ ફિલસૂફી તમને ગમે?

- અસામાન્ય

જરૂર કરતાં થોડો વધારે કે ઓછો પૈસો હોય તો એ સારી સ્થિતિ છે!

પૈસો એવો શબ્દ છે કે જેના વિશે તમને વાંચવું ગમે છે. અમને લખવું ગમે છે. કારણ કે આ રીતે પૈસાની થોડી નજીક આવ્યાનું આશ્વાસન મળે છે. પૈસા શું છે? દુર્બુદ્ધિનું મૂળ કે ઝાંઝવાના જળ? અહંકારનું પ્રતિક છે કે દાતારીનું એક સ્વરૂપ? શક્તિનું શુળ છે કે સંતોષનું ફળ? પૈસો અનિવાર્ય છે કે આવશ્યક? પૈસો હોય તો તકલીફ છે કે ન હોય તો? અચ્છા, પૈસા માપસર હોય તો બધું ઓલરાઈટ હોય છે? વર્ષો પહેલાં પૈસા વિશે એક સરસ વાક્ય વાંચ્યુ હતું અને તે એવું દિમાગમાં ઉતરી ગયું છે કે અવારનવાર વાપર્યા કર્યું છે.- પૈસો પ્રેમ ખરીદી શક્તો નથી, તંદુરસ્તી ખરીદી શક્તો નથી, સુખ ખરીદી શક્તો નથી અને ગયા વરસ જેટલું ખરીદી શક્તો નથી.

કવિ ઇન્દિવરે લખ્યું છે કે યે પૈસા બોલતા હૈ પણ પારકાનો પૈસો બોલે તો સાંભળવો ગમતો નથી. એવું લાગે કે આપણા ટેસ્ટ પ્રમાણેનું નથી અને આપણો પૈસો બોલતો હોય ત્યારે પડોશીને પણ આવું જ લાગતું હોય છે. પૈસો ઇર્ષા છે કે ઈનામ? ધનિકો માટે પૈસો ઈર્ષા કરાવવાનું સાધન છે તો શહીદની વિધવા માટે એ પુત્રને બીજો સૈનિક બનાવવાનો નિર્વાહ ખર્ચ છે. ગર્ભશ્રીમંત માટે પૈસો કદાચ તકતી પર નામ કોતરી આપતો શિલ્પી છે પણ ભિખારણ માટે એ દરરોજ રાતનું હસીન સપનું છે. તૂટી ભલે જાય પણ બીજી રાતે આવે તો ય ઘણું. પૈસો દારૂનો એક પેગ પણ છે અને લોહીની એક બોટલ પણ છે અને આલ્શેશિયનના બ્રેકફાસ્ટનું બિસ્કીટ પણ છે. પૈસો વિવિધ રંગી અને વિવિધરૂપી છે? કદાચ પૈસો પ્રશ્ન છે કદાચ, પૈસો જવાબ છે. એક અંગ્રેજી કવિતામાં કહેવાયું છે કે પૈસો માંસનો ટુકડો છે, જેને દરેક ગીધડો પોતાની તરાપનું નિશાન બનાવે છે. એક વક્રદષ્ટાએ પૈસા વિશેની વાર્તા લખેલી અને તેમાં
પાંચ જ શબ્દો હતા. આ આવ્યા અને આ ગયા. વાર્તા પૂરી.

પૈસા શું છે? પૈસાથી તમે મઝાનો કૂતરો ખરીદી શકો પણ તેને પૂંછડી પટપટાવતો કરવા માટે વહાલ કરવું પડે છે. પૈસા વિશેના સૌથી વધુ વિચારો, સૌથી વધુ વ્યંગ એ લોકોએ જ કર્યા છે. જેમની પાસે પૈસા નથી. એક હાસ્યલેખકે બહુ સરસ વાત કરેલી કે, મારી પાસે દસ લાખ રૂપિયા હોય તો શું હું કરુ? એનો સ્પષ્ટ જવાબ જેની પાસે હશે તેની પાસે એટલા રૂપિયા નહીં હોય. શું પૈસો હોત તો આ લખાણ ન લખી શકાયું હોત કે ન સૂઝ્યું હોત? શું પૈસા હોવાથી ઉત્તમ કૃતિ આપી શકાય છે? પૈસો પ્રભાવી, પરાક્રમી અને પ્રિયતમા જેવો છે. એ પાસબુકમાં બોલતો હોય તો ધણા તરંગતુક્કા સુઝે છે.

બેનામી મિલકતોમાં જીવતો હોય તો એ આત્મવિશ્વાસ વધારી શકે છે પણ પ્રિયતમાની જેમ એ દરેકનું ધ્યાન ખેંચતો જ રહે છે. પત્નીની જેમ પૈસો ક્યારેય જૂનો થતો નથી. કોમેડિયન મહેમૂદે વર્ષો પહેલાં ગાયું હતું કે ના બાપ બડા, ના મૈયા, સબસે બડા રૂપૈયા. મને લાગે છે પૈસા (હોય કે ન હોય) માટે એવરગ્રીન જિંગલ તરીકે તો સ્ટીરીયો નેશનના પંજાબી પોપની પેલી કેચી લાઇનને જ સ્થાન મળવું જોઈએ? ડોન્ટ બ્રેક માય હાર્ટ.

જો કે પૈસાએ સૌથી વધુ હાર્ટબ્રેક કર્યા છે. માણસ પૈસા પાછળ પડે તો લોભી, સાચવી રાખે તો કંજૂસ, વાપરી નાખે તો ઉડાવ, ન મેળવે તો કડકો, મેળવવાની ઉત્સુક્તા ન હોય તો મહત્ત્વકાંક્ષા વગરનો ગણાય છે. વગર મહેનતે મેળવે તો સમાજદ્રોહી અને અતિ પરિશ્રમકરીને ભેગો કરે તે જીવનનો આનંદ ન માણી શકનાર મૂરખ ગણાય છે. બોલો, તમે શું છો? પરંતુ એ પ્રશ્ન તો રહે જ છે કે પૈસા હોય તો સારું કે વધુ પૈસો હોય તો સારું? તમારી પાસે જીવનના લક્ષ્યાંકો સ્પષ્ટ હશે તો પૈસો તમારા માટે ક્યારેય પરેશાની રૂપ બનવાનો નથી. પણ ઘરના ફલેટ પછી બંગલો પછી મારુતિ ફન્ટ્રી અને હવે વનથાઉઝડ અને પછી ફાર્મ હાઉસ ત્યાર બાદ મર્સીડિઝ... જેવી આંધળી સ્ટાઈલ હશે તો પૈસો ક્યારેય તમને સુખ આપી શકવાનો નથી. તમારી હેસિયત પ્રમાણેનો પૈસો આપત્તિજનક હોય છે. પૈસાની હેસિયત પ્રમાણેની જિંદગી ઘણીખરી આનંદદાયક રહી છે. મનને શાંતિ મળે એવું ઘર, નાનકડી લાઈબ્રેરી, મૂડ પ્રમાણે સાંભળી શકાય તેવું ઓડિયો કલેક્શન, દુનિયા સાથે જોડયેલાં રહેવાં એક ટીવી (કલર જોઈશે), પત્ની પણ યુઝ કરી શકે એવું વ્હીકલ્સ અને ખૂબ બધું એકાંત... (ઓર જીને કો ક્યાં ચાહીએ) આ અમારું લક્ષ્યાંક છે અને સિદ્ધ થઈ ગયું છે. એસી, કાર, બંગલો, કે મોબાઈલનો મોહ નથી કે જરૂરત પણ જણાતી નથી. જીવનમાં શેની જરૂર નથી એ તમે નક્કી કરી શકો તો પૈસો તમને સુખ શાંતિ આપવાની ગેરંટી આપી શકશે. ચિંતકો અને બૌદ્ધિકોએ કહ્યા કર્યું છે કે જરૂર પૂરતો પૈસો હોય તો સારી સ્થિતિ છે. હું માનું છું કે જરૂર કરતાં થોડો વધારે પૈસો હોય અથવા જરૂર કરતાં થોડો ઓછો પૈસો હોય તો એ વધારે સારી સ્થિતિ છે. બન્ને સંજોગોમાં જીવન જીવવાનું બહાનું મળી રહે છે.

- નરેશ શાહ

આ સમાચાર શેર કરો