શતરંગ / આ સ્ત્રીઓમાં આટલી શક્તિ ક્યાંથી આવતી હશે?
- નાની નાની વાતો રોજ સાંજે મજૂરીએથી આવે ત્યાં અંધારું થઈ જાય. એ અંધારામાં એના ત્રણ પથ્થરના

- નાની નાની વાતો
રોજ સાંજે મજૂરીએથી આવે ત્યાં અંધારું થઈ જાય. એ અંધારામાં એના ત્રણ પથ્થરના બનાવેલા ચૂલા સળગતા હોય, એના અજવાસે જ્યારે પણ એ સ્ત્રીઓનાં ચહેરા જોયા તો ક્યારેય કોઈના ચહેરા પણ લાચારી-હતાશા-થાક જોયો નથી.
બાપે જ્યાં પરણાવી હતી એ સાસરિયાંથી બસો-પાંચસો કિલોમીટર દૂર રહીને ચણિયો-બ્લાઉઝ અને અડધી સાડી પહેરેલી એ સ્ત્રીઓ સવારે પાંચેક વાગે જાગીને પાણી ભરે,ચા બનાવે,રોટલા-શાક બનાવે સાથે રોતા છોકરાને સંભાળે, સૌને શિરામણ કરાવે, એના બે-પાંચ વાસણ ધોવે અને સાતેક વાગે પોતાના પુરુષો સાથે રોટલાં-શાક બાંધીને, કાખમાં છોકરા લઈને મજૂરીએ ઉપડી જાય.
છોકરાને ક્યાંક સરખી જગ્યાએ રમતા મેલીને પુરુષ સાથે ત્રિકમ-પાવડા-તગારા ઉપાડવા જેવું શરીર તોડી નાખે એવું કામ કરે, બાળકો સામે નજર કરતી જઈને કામ કરતી એ સ્ત્રીઓ બપોરા ટાણે સૌને ખાવાનું કાઢી આપે, છોકરાઓને ખવડાવે, પોતે ઉભડક-ઉભડક ખાય, ઘડીક બેસીને ફરી સાંજ સુધી એ જ કામ ચાલે. સાંજે ક્યાંક રોડના કાઠે કે ક્યાંક ખુલ્લા મેદાનમાં એના રહેવાનાં ઠેકાણે આવીને એ સ્ત્રી રોજ રોજનું સો-સવાસો રૂપિયાનું સીધું લાવે, (એ પણ રેગ્યુલર દુકાનોએથી, સરકારી સસ્તા અનાજની દુકાને એમના માટે કઈ નથી હોતું.) વળી ક્યાંક નજીક કે આઘેથી પાણી ભરે, બળતણ લાવે, ને ફરી તાવડી આખીમાં સમાય જાય એવા રોટલા ઉતારે, બસ એ કોરા રોટલા અને શાક ખાય અને બધાને સુવડાવીને એ છેલ્લે એ સ્ત્રીઓ સુવે.
મોટાભાગનાં દોસ્તોને ખ્યાલ આવી ગયો હશે કે કઇ મહિલાઓની વાત થાય છે. આજે વહેલો પાંચ વાગે બહાર જતો હતો તો રસ્તામાં એક જગ્યા આવે છે જ્યાં ગોધરા-દાહોદ બાજુના આ શ્રમજીવીઓએ ખુલ્લામાં રહે છે, ત્યાં એક બે નાના બાળક માની સાથે જાગ્યા હતા, બધા પુરુષો હજુ ઉઠ્યા ન હતાં. પણ એમની સ્ત્રીઓ....એટલી વહેલી સવારમાં એ બધી બેનો ચૂલા સળગાવીને રોટલા ઉતારતી હતી. એટલી વહેલી સવારે જ્યાં આટલા બધા શ્રમજીવીઓ સૂતા-જાગતા દેખાતા હતા હોય ત્યાં સવારે સાત વાગ્યા પછી એક બાળક પણ ન જોવા મળે. પોત પોતાના સમાન પર આછા પાતળા ગોદડા-પથરણાં ઢાંકી ઢુબીને માથે પથરો મૂકીને એ સૌ લોક કામે નીકળી જશે.
એ સ્ત્રીઓનાં પુરૂષો ય મહેનત કરે છે, પણ મજૂરીએ જતાં પહેલા અને મજૂરીથી આવીને પુરૂષોને બહુ પળોઝ્ણ નથી હોતી. એ સવારે ઊઠીને એ ય નિરાંતે ઉભડક બેઠાં-બેઠાં આ સ્ત્રીએ બનાવેલી ચા અને સાથે બીડી ટેકાવે છે. રાતે આ સ્ત્રીઓ છૂટ્ક સીધું લેવા નીકળે ત્યારે એ પુરુષો એની ‘પોટલી’ લેવા ઉપડે છે. એ પોટલી પીવે અને આ સ્ત્રીએ ઘડેલા રોટલાં શાક ખાને સૂઈ જાય. એ સૌ વહેલા સૂઈ જાય સાડા નવ-દસ વાગે. સ્ત્રી છેલ્લે સુવે. અડધી રાતે જ્યારે સૌ જપી જાય ત્યારે પીઇને એકવાર નિરાતે ઊંઘી ગયેલા પુરુષની કામ વાસના જાગે તો એને ય ઊંઘમાથી જાગીને આ સ્ત્રીએ સંતોષવી પડે.
આ સ્ત્રીઓમાંથી કોઈ સ્ત્રીનો ઠીકઠાક ઘાટ કે વાન હોય તો એને તો મજૂરીએ બીજાની ય એવી નજરો અને એવા ઈરાદાઓ ખાળી શકાય ત્યાં સુધી ખાળવાના... એ સ્ત્રીઓને પિરિયડ આવતા હશે, પણ પિરિયડની રજા તો ફરિયાદ કરવાની પણ તક નહિ મળતી હોય આ રૂટીનમાં. આ સ્ત્રીઓનાં નાની ઉમરે લગ્ન થઈ જાય અને કોઈ આયોજન વગરની કેટલીય સુવાવડમાંથી પસાર થવું પડે. આ સ્ત્રીઓને જો એકાદ દિવસની રજા મળી શકે તો એના માટે બધી કહેવાતી કીટીપાર્ટીઓથી ય વિશેષ હોય શકે ને? આ બહેનો સતત મહેનતને લીધે રહે હેલ્ધી પણ સામે પોષણ પૂરતું નહીં હોવાને લીધે પચાસ વર્ષ આસપાસ તો શરીર નંખાય જાય.
ઓફિસેથી લંચમાં બહાર નિકળીએ ત્યારે ક્યારેક મેટ્રોના કામમાં આસપાસ કામ કરતી આ સ્ત્રીઓ જમીને એકાદ પડીકી કે એના પુરુષ માટે બીડી-બાકસ લઈને જતી જોઉ ત્યારે જો સરખે સરખી બે-ત્રણ મહિલાઓ હોય તો અંદરો અંદરો વાત કરતી-હસતી જતી દેખું તો થાય કે આ સ્ત્રીઓમાં આટલી શક્તિ ક્યાથી આવતી હશે? અમુક વર્ષ પહેલા ચાર રસ્તા આસપાસ ભીખ માંગતા રહેતા એક પ્રકારના ‘હરામના હાડકાં’ હોય છે એવા રોડ સાઈડ રહેતા લોકો કે જેમને સરકાર ઘર આપે તો ય ફરી રોડ ઉપર જ રહેવા આવી જાય એ લોકો અને બીજી બાજુ હાડોહાડ શ્રમ કરતા આ શ્રમજીવીઓની વાત સાથે લખી હતી ત્યારે એક વડીલે કહ્યું હતું કે અમારા ઘરની સામેના મેદાનમાં આ શ્રમજીવીઓ રહે છે. ત્યાં લાઇટ ય નથી, (એ રહે ત્યાં નથી જ હોતી.) રોજ સાંજે મજૂરીએથી આવે ત્યાં અંધારું થઈ જાય. એ અંધારામાં એના ત્રણ પથ્થરના બનાવેલા ચૂલા સળગતા હોય, એના અજવાસે જ્યારે પણ એમના ચહેરા જોયા તો ક્યારેય કોઈના ચહેરા પણ લાચારી-હતાશા-થાક જોયો નથી.
હું એ વડીલ સાથે સહમત છું, આ શ્રમજીવીઓનો ઘરથી દૂર રહીને જે સંઘર્ષ છે એમાં એમના મો પર તમને લાચારીના ભાવ નહીં જોવા મળે. અધમ કૃત્ય કરનારા ગુનેગારોને ય માનવ અધિકારોને નામે પોષવા વાળી સંસ્થાઓ છે, પણ આ સ્ત્રીઓ માટે કામ કરનારી કદાચ કોઈ સંસ્થા નથી. એવી સંસ્થા હોય તો પણ એનો વર્કિંગ ટાઈમ હોય ત્યારે આ સૌ તો પોતાના કામે નીકળી ગયા હોય. એમ થાય કે અનામતનાં પહેલા હકદાર આ લોકો છે, પણ એ લોકોમાં એવું કઈ લઈ લેવાની જાણ-વૃતિ-ઈચ્છા નહીં જોવા મળે.
જો કે એમને આમ રોડ પર રઝળતા ન રાખીને સરકાર અથવા જે લોકો કઈક કરી શકે એમ છે એવા શક્તિવાન લોકોની ફરજ છે આ શ્રમિકોના સારા વર્તમાન કે ભવિષ્ય માટે કોઈક પથ તૈયાર કરવાનો પ્રયત્ન થાય. કેમ કે આપણે કોઈ રાતે સૂઈ જઈએ અને સવારે ઊઠીને બહાર નીકળીએ ત્યારે ત્યાં રોડ નવો બની ગયેલો જોઈએ તો રાત જાગીને એ રોડ બનાવનાર આ જ લોકો છે.
કસુંબો:
બહુ થાક્યા હો, કે બહુ નિરાશ હો, કે ખૂબ કામ કરી લીધું એમ જ્યારે લાગે ત્યારે આ શ્રમજીવી બહેનો સામે મળે તો એકવાર એમના ચહેરાને ધ્યાનથી જોજો, તમારો થાક હશે તો ય, તમારું ડિપ્રેશન હશે તો ય, કે બહુ કામ કરી નાખ્યું એવો અહમ હશે તો એ પણ ઓગળી જશે
- કાનજી મકવાણા








