મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / જબ ભી યે દિલ ઉદાસ હોતા હૈ...

હિન્દી ફિલ્મના બહેતરીન એક્ટર ઇરફાનખાન જ્યારે ગુજરી ગયા. ત્યારે ફિલ્મપ્રેમીઓ હતપ્રભ થઈ ગયા હતા! એમનીબીમારી અસાધ્ય હતી અને બધા મ

શતરંગ / જબ ભી યે દિલ ઉદાસ હોતા હૈ...

હિન્દી ફિલ્મના બહેતરીન એક્ટર ઇરફાનખાન જ્યારે ગુજરી ગયા. ત્યારે ફિલ્મપ્રેમીઓ હતપ્રભ થઈ ગયા હતા! એમની
બીમારી અસાધ્ય હતી અને બધા મનમાં તો જાણતા જ હતા કે ઇરફાનખાન હવે લાબું નહીં ખેંચે.તેમ છતાંય ફિલ્મના
ચાહકોને આઘાત એટલો લાગ્યો કે જેઓ ખરા ફિલ્મી ચાહકો છે એમની આંખ કમ સે કમ ભીની તો થઈ જ ગઈ!

અનેક યુવા ચાહકો તો અસલમાં રડી પડ્યા જ હોય અને રડ્યા પણ છે જ એ વાત હું દાવા સાથે મારા પોતાના અંગત
અનુભવને આધારે અહીં લખી શકું છું!

અત્યારે તો ઉંમરનો એવો મુકામ છે કે યુવા મુગ્ધતા ગેરહાજર થઈ ગઈ છે,એટલે કોઈ પણ સમાચાર આઘાત પણ
એટલો નથી આપી શકતા.

જ્યારે ઇરફાનખાનના ગુજરી જવાના સમાચાર સાંભળ્યા ત્યારે દુઃખ તો થયું જ પણ આ સમાચાર સાથે એટલા બધા લોકોનું રુદન અનુભવ્યું કે સીધા વરસો પહેલાંનો ભૂતકાળ જીવતો થઈ ગયો. અમારી યુવાન વયે બનેલી ઘટના અમને યાદ આવી ગઈ.

એલિસ્ટર મેકેલીન એક આખા જમાનાના વાચકોના હૃદયો પર રાજ કરતો લેખક અને એમની દરેક નોવેલ પાછળ અને આગળના પાના પર લખાયેલું આવતું કે દુનિયામાં સૌથી વધુ વંચાતા લેખક!દર બે મિનિટે એમનું એક પુસ્તક દુનિયામાં વેચાતું.આપણે ત્યાં એલિસ્ટર મેકલીનના અદભૂત અનુવાદ અશ્વિની ભટ્ટ કરતા હતા અને અમે એ વખતે એલિસ્ટરમેકલીનના જેટલા પુસ્તકો હતા એ બધા જ ગુજરાતી અનુવાદમાં એક એક કરીને ભેગા કરેલા અને મહાન ખજાનો પ્રાપ્ત કર્યો હોય એ રીતે આખા વાચક સમાજની વચ્ચે છાતી ફુલાવીને ફરતા હતા.

ગન્સ ઓફ નેવરોન,વ્હેર ઈગલ ડેર,આઇસ સ્ટેશન ઝીબ્રા,ફિયર ઇસ ધ કી, ગોલ્ડન રેન્ડેવું, પપેટ ઓન એ ચેઇન,શેતાન બગ,સર્કસ અને એ ઉપરાંત ઘણી બધી ચોપડીઓ...એલિસ્ટર મેકલીન ઉપરાંત પણ જેમ્સ હેડલી ચેઇઝ(બકુલ વોરા),પેરી મેશનના કોર્ટ રૂમ ડ્રામા,ઇરવિંગ વોલેસ જેવા લેખકોની બધી ચોપડીઓ વાંચી લેતા પણ એક માત્ર એલિસ્ટર મેકેલીન જ એવા લેખક હતા કે એમની દરેક ચોપડી અમારા માટે એક "શાસ્ત્ર" હતી. આ ચોપડીઓ અમે વારંવાર વાંચતા.મેકલીનની ખૂબી એ હતી કે સસ્પેન્સ થ્રિલર હોવા છતાંય વાચકો અનેક વખત વાંચતા અને એક પણ પાનું ફોરવર્ડ નહોતા કરતા!વળી આ ચોપડીઓમાં એક ખૂબી એ પણ હતી કે એમાં સેક્સનો અભાવ રહેતો એ તો ઠીક પણ સ્ત્રી પાત્રો પણ જવલ્લે જ રહેતા!

"લાસ્ટ ફ્રન્ટીયર" નામની ચોપડી આજે પણ જયારે જયારે હાથ આવે વાંચ્યા વગર મુકાતી નથી એવી ભુરકી આજે પણ અમારા મન મગજમાં એલિસ્ટર મેકલીનની છે. આજ થી વરસો પહેલાં જ્યારે એલિસ્ટર મેકલીનનું અવસાન થયું અને એના સમાચાર ગુજરાતી અખબારમાં પણ પ્રથમ પેજ પર આવ્યા એ પણ ફોટા સાથે ત્યારે એ સમાચાર વાંચીને એકદમ સ્તબ્ધ અવસ્થામાં દોડીને ઘરના એક સ્ટોરરૂમના ખૂણા માં ઘૂસીને અમે ચોધાર આંસુએ ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા.કોઈ અંગત ગોઠીયો ચાલ્યો ગયો અને હવે એના વગર જીવન જીવવું એ શક્ય જ નથી એવી લાગણી અમારા મનમાં દિવસો નહીં પણ મહિનાઓ સુધી રહેલી,અને અફસોસ થતો કે આપણે આ મહાન લેખકને એના જીવતા આપણી લાગણી પહોંચાડી શક્યા નહીં!અને હવે એલિસ્ટરમેકલીનની કોઈ ચોપડી નવી નથી આવવાની તો હવે આપણે કઈ રીતે જીવન જીવવું?

"લાસ્ટ ફ્રન્ટીયર" પુસ્તકમાથી ચાંગળુ આચમન માણો...

'આ એક જુગાર છે.તેમાં બેમત નથી.તેમાં સમય લાગવાનો છે પણ એ જુગાર ખેલવા જેવો છે.તે જુગાર ખેલતા પહેલા એ સમજી લેવું જરૂરી છે કે માનવી માનવી વચ્ચેના ભેદભાવો,પર્વતોથી,નદીઓથી કે દરિયા થી ઉભા થયા નથી.માણસ-માણસ વચ્ચેના ભેદભાવ માનવીના મનમાં છે.માનવીના મગજમાં છે અને એટલે જ આપણે અજ્ઞાનની, અસહિષ્ણુતાની, "નહિ સમજવાની" વૃત્તિને બદલવી પડશે. એ છેલ્લી સરહદ...અજ્ઞાન ની છેલ્લી સરહદ-લાસ્ટ ફ્રન્ટીયર - ભેદવાની છે.'

ઇરફાનખાનના ગુજરી જવાને કારણે જે લોકો રડ્યા હતા. તે જોઈ, એમની અનુભૂતિ અનુભવીને અમારા સોનેરી વાંચન યુગની યાદો અમારા સમગ્ર વ્યક્તિત્વ પર ફરી વળી હતી અને એને કારણે આજે આપ સૌ સાથે યાદો વહેંચી છે.

આ સમાચાર શેર કરો