શતરંગ / જ્યારે ગીતામાં કૃષ્ણ પ્રથમવાર ‘યોગ’નો ઉલ્લેખ કરે છે!
- ગીતા Talks પુંડરીક માં-બાપની સેવામાં એટલો યોગસ્થ છે કે એના ફળ સ્વરૂપ સ્વયં ઈશ્વર આવ

- ગીતા Talks
પુંડરીક માં-બાપની સેવામાં એટલો યોગસ્થ છે કે એના ફળ સ્વરૂપ સ્વયં ઈશ્વર આવે છે તો ય એનો સંગ-એટેચમેન્ટ ત્યાગે છે. કહે છે કે પછી આવજો, અત્યારે હું આ સેવામાં લાગેલો છું.
આજે ‘વિશ્વ યોગ દિવસ’ છે. ‘યોગ’ હવે ‘યોગા’ બનીને એક માર્કેટ બની ગયા છે. જો કે એ માર્કેટથી અલગ રહીને પણ કેટલાક યોગીઓ સમાધિ લગાવતા હોય છે. પણ કૃષ્ણ તો એવો યોગ શીખવે છે કે વ્યક્તિ કામની આજુબાજુના એટેચમેન્ટ ત્યાગીને કામમાં જ સમાધિસ્થ થઇ શકે. ગીતામાં કૃષ્ણ કહે છે કે ‘યોગસ્થ કુરુ કર્માણી’ એટલે કે કામ કરતાં કરતાં જ વ્યક્તિ યોગસ્થ થઇ જાય. વિનોબા ભાવેએ એમના ગીતા પ્રવચનોમાં પુંડરીકનું એક સુંદર દૃષ્ટાંત આપ્યું છે કે પુંડરીક માતા-પિતાની સેવા કરવામાં એવો લાગેલો છે કે એના ઉંબરે વિઠોબા- એટલે કૃષ્ણ પોતે-પંઢરપુરમાં કૃષ્ણ ‘વિઠોબા’ના રૂપે બિરાજે છે. તો વિઠોબા પોતે આવે છે તો પુંડરીક માં-બાપની સેવામાં એટલો યોગસ્થ છે કે એના ફળ સ્વરૂપ સ્વયં ઈશ્વર આવે છે તો ય એનો સંગ-એટેચમેન્ટ ત્યાગે છે. કહે છે કે પછી આવજો, અત્યારે હું આ સેવામાં લાગેલો છું.
અગાઉ મંગળવારે આપણે ગીતા talkમાં પણ ભગવદ ગીતાનાબીજા અધ્યાયનો ૪૮માં શ્લોક પર વિચાર કર્યો હતો. આપણે આ જ શ્લોક પર આજે આગળ વાત વિચારીએ... શ્લોક છે:
योगस्थ: कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय |
सिद्ध् सिद्ध्यो: समो भूत्वा समत्वं योग उच्यते || 2.48||
કૃષ્ણ ગીતામાં પહેલી વાર આ શ્લોકમાં ‘યોગ’ શબ્દનો ઉલ્લેખ કરે છે. શ્લોકનો સરળ ભાવાનુવાદ જોઈએ કૃષ્ણ કહે છે કે, “હે ધનંજય! હે અર્જુન, આસ્ક્તિઓને ત્યાગીને તેમજ સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન બુદ્ધિ થઈને કર્મમાં લાગેલો રહે, કેમ કે કર્મમાં આ સમતા-આ સમત્વ એ જ યોગ છે.”
કુરુક્ષેત્રમાં ભગવદ ગીતા કહેવાની પૂરી થાય છે અર્જુન લડવા માટે સજ્જ થઇ જાય છે પછી તરત એક ઘટના બને છે. યુધિષ્ઠીર અચાનક પોતાના રથમાંથી ઉતરીને પગપાળા કૌરવ સેના તરફ ચાલવા લાગે છે, સૌને નવાઈ લાગે છે. સામાન્ય સૈનિકો એની બુદ્ધિ પ્રમાણે અંદરો અંદર વાતો ય શરુ કરે છે કે “આ યુધિષ્ઠીર જો, કુળકલંક, ક્ષત્રિય થઈને હાર સ્વીકારીને નમવા આવતો લાગે છે.” સૌ વિચારમાં પડી જાય છે. પણ કૃષ્ણ હળવું સ્મિત કરીને યોગસ્થ થઈને એક જરૂરી કામમાં લાગી જાય છે. યુધિષ્ઠીર કૌરવસેના સામે ચાલીને જઈને પીતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય અને મામા શલ્યને નમસ્કાર કરીને એમની સામે યુદ્ધ કરવાની આજ્ઞા માંગે છે. અ ઘટના બને છે ત્યારે કૃષ્ણ શું કરે છે ખબર છે ? કૃષ્ણ અર્જુનનો રથ છોડીને કર્ણ પાસે જાય છે. સૌને કદાચ ખ્યાલ જ હશે કે ભીષ્મ પિતામહે સેનાપતિ બનતા પહેલા એક શરત રાખી હતી કે ,’હું સેનાપતિ છું ત્યાં સુધી કર્ણ મારી લીડરશીપમાં નહિ લડી શકે.’ એમાં ય જો કે ભીષ્મદાદાનો શુભ હેતુ હતો, એ જાણતા હતા કે કર્ણ જ્યેષ્ઠ પાંડવ છે. તો એમ એક માતાના દીકરાઓ સામે સામે ના આવી જાય એ ભીષ્મનો પ્રયત્ન હતો. ખેર...પણ કૃષ્ણ આ જે થોડીક ક્ષણો મળી એમાં કર્ણ પાસે જઈને કહે છે કે, “જો, ભીષ્મ સેનાપતિ છે ત્યાં સુધી તું કૌરવસેનામાંથી લડી નથી શકવાનો, અને તારા જેવો યોદ્ધો આ મહાયુદ્ધમાં આ બહાર બેસીને જોયા કરે એ યોગ્ય વાત નથી. તો એક કામ થઇ શકે કે જ્યાં સુધી ભીષ્મ અહીના સેનાપતિ છે ત્યાં સુધી તું અમારી સેના તરફથી લડ...પછી ભીષ્મ ના હોય ત્યારે તું કૌરવસેનામાં આવી જવા માટે મુક્ત છે.”
હવે તમે જુવો, કર્ણ માની જાય તો દુર્યોધનને આખા ય યુદ્ધ પર ફેરવિચાર કરવો પડે. પણ જો કે કર્ણ માનતો નથી. કર્ણને વિષ્ટિ વખતે ય કૃષ્ણએ બધી રીતે સમજાવ્યો હતો, વિષ્ટિ વખતે હસ્તિનાપુરથી વિદાય લેતા કૃષ્ણએ કર્ણને ખાસ આ માટે સીમાડા સુધી પોતાની સાથે લીધો હતો. છતાં કર્ણ દુર્યોધનને છોડવા તૈયાર નહોતો થયો, કૃષ્ણને ત્યારે ય સિદ્ધિ નહોતી મળી. તેમ છતાં આ થોડીક મિનીટ મળી એમાં કૃષ્ણ ફરી એકવાર પ્રયત્ન કરે છે. ખબર છે કે લગભગ તો આ નહિ જ માને છતાં સિદ્ધિ અને અને અસિદ્ધિમાં સમબુદ્ધિ થઈને કૃષ્ણ એના કામમાં લાગેલા રહે છે. કૃષ્ણને ય ઘણીવાર નિષ્ફળતાઓ મળી છે. પણ એમાં એ તો એનું પ્રસન્ન સ્મિત કરતાં જ રહે છે. આ સમત્વ યોગ ઉચ્ચતે છે.
ગીતા વિચાર:
સૌરાષ્ટ્રના કુંકાવાવ જેવા નાનકડા ગામમાંથી ફ્રાંસ પહોચીને ઈંટરનેશનલ કક્ષાની ફિલ્મો બનાવતા પાન નલીનની એક ફિલ્મ છે ‘સમસેરા’, એમાં એક પ્રશ્ન છે: “પાણીનું ટીપું સુકાય જ નહિ એમ કેવી રીતે સાચવવું?” પછી જવાબ છે: “ટીપાને સમુદ્રમાં ફેંકી દઈને...”
વિભૂતિયોગમાં ‘જળાશયોમાં હું સમૃદ્ર છું’ એમ કહેનાર કૃષ્ણ આ શ્લોકમાં એ જ કહે છે કે, હે ધનંજય, બધા સંગ ત્યાગી તારા કર્મમાં મારા સમુદ્રમાં તરતા મૂકી દે...એ તરતા મુકવા તારામાં જે સ્વસ્થતા જોઈએ, જે સમાતા જોઈએ એ જ તારો યોગ...”
- મિલી મેર








