શતરંગ / જ્યારે 2 વખતની વર્લ્ડ ચેમ્પિયનને હરાવી ભારતે ક્રિકેટ વિશ્વને ચોંકાવી દીધું
- પન્ના પલટીએ ભારતમાં અનેક ધર્મોના લોકો વસે છે, હિન્દુ, મુસ્લિમ, સીખ,

- પન્ના પલટીએ
ભારતમાં અનેક ધર્મોના લોકો વસે છે, હિન્દુ, મુસ્લિમ, સીખ, પારસી... પણ આ બધા લોકો પોતાના આ ધર્મની સાથે એક બીજો ધર્મ પણ પાળે છે... ક્રિકેટ. હા, ભારતમાં ક્રિકેટ માટે લોકોમાં જે હદનું ગાંડપણ છે, ઝનૂન છે તે કોઈ ધર્મથી સ્હેજ પણ ઉતરતું નથી. દરેક ધર્મમાં હોય તેમ આપણે આ ધર્મમાં પણ ભગવાન શોધી લીધા છે. જોકે, ભારતમાં કાયમથી ક્રિકેટને લઈને આટલો ક્રેઝ નહોતો. લોકો રસ લેતા હતા પણ તે સિમિત હતો પણ વાત બદલાઈ 1983થી... એકદમ ચોક્કસ રીતે કહીએ તો 25 જૂન 1983થી.
હા, એ દિવસે લોર્ડ્ઝના મેદાન પર બે વખતની વિશ્વવિજેતા અને દુનિયાની સૌથી ખૂંખાર ટીમ ગણાતી વેસ્ટઈન્ડિઝ સામે બહુ ઓછી અનુભવી અને નબળી એવી ભારતીય ટીમ ત્રીજા વન-ડે વર્લ્ડકપની ફાઈનલમાં હતી. અગાઉના બંને વિશ્વકપ જીતીને દબદબાભેર ફાઈનલમાં આલેવી વેસ્ટઈન્ડિઝની ટીમ આ વખતે પણ વિશ્વકપ ઘરે લઈ જશે તેમ લોકો માનતા હતા. જ્યારે બીજી બાજુ નબળી છતાં શાનદાર રમત રમીને ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમ માટે લોકો ઓછા આશાવાદી હતા.
લોર્ડ્ઝના મેદાન પર ભારતીય ટીમ પ્રથમ બેટિંગ માટે ઉતરી પણ શરૂઆત નિરાશાજનક રહી. સુનિલ ગાવસ્કર માત્ર બે રન બનાવી આઉટ થયા. શ્રીકાંત (38) અને મોહિન્દર અમરનાથ (28) ટીમને ધીમે-ધીમે સ્થિરતા આપવાનો પ્રયત્ન કર્યો પણ માલ્કમ માર્શલ અને હોલ્ડિંગે અનુક્રમે બંનેને આઉટ કરી ભારતની મુશ્કેલીઓ વધારી દીધી. આના પછી ભારતીય ઈનિંગમાં કોઈ મોટી ભાગીદારી ન થઈ. સંદીપ પાટિલે 25 તો કેપ્ટન કપિલ દેવે 15 અને મદન લાલે 17 રન બનાવ્યા. નિયમિત અંતરે વિકેટો પડતી ગઈ અને ભારતીય ટીમ 54.4 ઓવર્સમાં (તે વખતે 60 ઓવર્સને મેચ હોતી) 183 રનનો સાધારણ સ્કોર બનાવી ઓલઆઉટ થઈ ગઈ.
વેસ્ટઈન્ડિઝ જેવી મજૂબત ટીમ માટે આ સ્કોર ચેઝ કરવો સાવ સાધારણ હતો, એવું બધા માનતા હતા. કેમ કે, તેની પાસે ગોર્ડન ગ્રિનિજ, ડેસમન્ટ હેઈન્સ, વિવ રિચર્ડ્સ, ક્લાઈવ લૉઈડ જેવા ધુરંધરોની ફોજ હતી. પણ ક્રિકેટને અનિશ્ચિતતાઓની રમત એમ જ નથી કહી. ગ્રિનિજ (1) અને હેઈન્સ (13)ને જલ્દી આઉટ કરી ભારતે મેચને બેલેન્સ કરી નાખી. જોકે, આ બેલેન્સને વિવ રિચર્ડ્સ (33) થોડી જ વારમાં હલાવી નાખ્યું! 33 રનની ઝડપી ઈનિંગમાં તેમણે ઉપરાછાપરી ચોગ્ગાની વણજાર લગાવી દીધી અને લાગ્યું કે, મેચ હમણાં પૂરી થઈ જશે. એવામાં જ મદન લાલને એક શોર્ટ બોલ પર રિચર્ડ્સે મારેલા પુલ શોટને કપિલ દેવે અદભુત કેચમાં ફેરવી દીધો અને મેચનો તખ્તો પલટી નાંખ્યો! આના પછી ભારતે એક પછી એક બીજી ત્રણ વિકેટો પાડી મેચમાં પકડ મજબૂત બનાવી લીધી. જેફ ડુજોન અને માલ્કમ માર્શલે થોડો પ્રતિકાર કરતા અનુક્રમે 25 અને 18 રન બનાવ્યા પણ તે ટીમની જીત નક્કી ન કરી શક્યા. તેમના આઉટ થયા બાદ ભારત હાવી થઈ ગયું અને 140 રનમાં વિરોધી ટીમને ઢેર કરી ઈતિહાસ રચી દીધો. ભારત પ્રથમવાર વિશ્વકપ વિજેતા બન્યું હતું.
આ એવી ઘટના હતી જેણે ભારતમાં ક્રિકેટના ક્રેઝને સાતમા આસમાને પહોંચાડી દીધો. ભારતને જેટલા પણ ક્રિકેટર્સ મળ્યા છે તેમની પ્રેરણામાં ક્યાંકને ક્યાંક 1983ની આ જીત છે જ છે. ભારત તે વખતે જેવી ટીમ સાથે અને જેવી પરિસ્થિતિઓમાં રમી હતી અને જીતી હતી તે અભૂતપૂર્વ છે. આ જીતને હવે 41 વર્ષ થઈ ચૂક્યા છે!
- આગંતુક








