શતરંગ / ટ્રિગર ફિંગર શું છે? ફોન અને કોમ્પ્યુટરનો વધુ પડતો ઉપયોગ આનું કારણ હોઈ શકે?
- જાગૃતતા જરૂરી જ્યારે આંગળીઓના ટેન્ડન એટલે સ્નાયુન

- જાગૃતતા જરૂરી
જ્યારે આંગળીઓના ટેન્ડન એટલે સ્નાયુને હાડકા સાથે જોડી રાખનાર મજબૂત રજ્જુમાં સોજો આવવાના લીધે આંગળીઓને વાળીને સીધી કરવામાં મુશ્કેલી પડે છે તેને ટ્રિગર ફિંગર કહે છે. એનું નામ ટ્રિગર ફિંગર એટલા માટે છે કારણ કે જ્યારે તમે આંગળીને વાળીને સીધી કરવા જાઓ છો ત્યારે તે આસાનીથી સીધી થતી નથી અને ટ્રિગરની જેમ ઝાટકા સાથે સીધી થાય છે.
ટ્રિગર ફિંગર શેના કારણે થાય છે?
→ જ્યારે આંગળીઓ અને અંગૂઠાનો વધુ પડતો ઉપયોગ થાય છે ત્યારે ટ્રિગર ફિંગર થવાની શક્યતા ખૂબ વધે છે. જેમ કે સતત મોબાઇલમાં ગેમ રમવી, ટાઈપ કરવું, કોમ્પ્યુટરનો વધુ પડતો ઉપયોગ વગેરે.
→ ડાયાબિટીસ, આર્થરાઇટિસના દર્દીઓને થવાની શક્યતા વધારે હોય છે.
→ ખેતી, માળી, કારખાનામાં નોકરી કરતા લોકોને, રેકેટ પ્લેયરને, મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટના વધુ પડતા ઉપયોગથી પણ થઈ શકે છે.
ટ્રિગર ફિંગર માં શું થાય છે?
→ દરેક આંગળીમાં સ્નાયુને હાડકા સાથે જોડતો રજ્જુ (ટેન્ડન) હોય છે. જ્યારે ટેન્ડન એની શીથમાં સરળતાથી સરકવાનું બંધ કરી દે છે અને તેમાં નોડ્યુલ બની જાય છે ત્યારે આંગળીની મૂવમેન્ટમાં તે વારંવાર અટકે છે.
→ ઘણીવાર જ્યારે નોડ્યુલ મોટો બની અટકી જાય છે ત્યારે આંગળી જે પરિસ્થિતિમાં હોય એ જ પરિસ્થિતિમાં લાંબો સમય સુધી રહે છે અને જે પીડાજનક હોય છે.
ટ્રિગર ફિંગરના શું લક્ષણો છે?
- આંગળીઓ જકડાઈ જવી, મુખ્યત્વે સવારમાં
- પોપિંગ અને ક્લિક અવાજ આવવો
- આંગળી અટકી અટકીને સીધી થવી
- આંગળીમાં સોજો આવવો
- નોડ્યુલ પર અડવાથી દુ:ખાવો થવો
- વારંવાર આંગળી લોક થઈ જવી વગેરે
ટ્રિગર ફિંગરનું નિદાન કેવી રીતે થાય છે?
→ ટ્રિગર ફિંગર દર્દીના લક્ષણો અને શારીરિક પરીક્ષણ થી જ નિદાન થઈ જાય છે
→ અમુક દર્દીઓને જ સોનોગ્રાફી કરાવવાની જરૂર પડે છે.
ટ્રિગર ફિંગરની સારવાર શું છે?
→ ટ્રિગર ફિંગર શરૂઆતના સ્ટેજમાં સ્પ્લિન્ટ પહેરવાથી, દવા લેવાથી, અને ફિઝિયોથેરાપીથી જ મટી જાય છે.
→ જો નોડયુલની સાઈઝ મોટી હોય તો સર્જરી કરવી પડતી હોય છે.
ટ્રિગર ફિંગરને કેવી રીતે રોકી શકાય?
→ રમતની અને કામ કરવાની ટેકનીક અને પોશ્ચર પ્રોપર હોવા જોઈએ.
→ જો તમારા કામમાં આંગળીઓનો વધુ ઉપયોગ કરવાનો હોય તો એને વારંવાર આરામ આપવો જોઈએ. દર અડધા કલાકે આંગળીઓને આરામ આપવો ખૂબ જ જરૂરી છે.
મહત્વની નોંધ: ટ્રિગર ફિંગર મટ્યા પછી કે સર્જરી પછી પણ ફરી થઈ શકે છે. તેથી સમયસર સારવાર, વારંવાર બ્રેક અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે.
- ડૉ. મેઘા પટેલ (એમ.પી.ટી. ઓર્થો)








