મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / માણસની સાચી સુંદરતા એટલે શું?

- કાગળ પરના પંખી ટહુકયાં અનીષા બહુ ચિંતામાં હતી કારણ કે આજે કેતન એને ફરી જોવા આવવાનો હતો. ફરી એટલ

શતરંગ / માણસની સાચી સુંદરતા એટલે શું?

- કાગળ પરના પંખી ટહુકયાં

અનીષા બહુ ચિંતામાં હતી કારણ કે આજે કેતન એને ફરી જોવા આવવાનો હતો. ફરી એટલા માટે કે એક વર્ષ પહેલા પણ કેતન એના માતા પિતા સાથે અનીષાને જોવા ગયો હતો. બંને એક જ ફિલ્ડના હતા. સરખી ઉંમરના. પરિવાર પણ એકદમ સરખો જ પણ તેમ છતાંય કેતન અને એના પરિવારના લોકોએ અનીષા સાથે લગ્ન કરવાની એમ કહીને ના પાડી કે અનીષાનું વજન થોડું વધારે છે. અનીષાને કેતન એ વખતથી ગમી ગયેલો. 30 વર્ષે પહોચી ગયેલી અનીષા સમાજ અને પરિવારની આંખમાં ખૂંચવા લાગી હતી. બધા એને એક જ વાત કહ્યા કરે. હવે પરણી જા નહિતર પસ્તાઈશ. પરણવું તો અનીષાને પણ હતું અને એના માટે એ લગભગ ૨૩-૨૪ વર્ષ હતી ત્યારથી એ અને ઘરના બંને એના માટે યોગ્ય પાત્ર શોધી રહ્યા હતા પણ દર વખતે કોઈ એક બહાનું બનાવીને ના પાડે તો કોઈ બીજું બહાનું બનાવીને ના પાડે. પણ મૂળ વાત હતી કે અનીષાનું વજન વધારે હતું. વજન ઘટાડવા માટે પણ અનીષા એ બહુ પ્રયત્ન કર્યા. દરરોજ પાંચ-પાંચ કિલોમીટર દોડવાથી માંડીને જીમ જોઇને કરવું, ભૂખ્યા રહેવાથી માંડીને યોગ – પ્રાણાયામ કરવો પણ ધાર્યું પરિણામ નહોતું મળતું પણ થયું એવું કે ફરી કોઈ કામના કારણે અનીષા અને કેતન મળ્યા અને આ વખતે બંનેના મન પણ મળ્યા અને કેતન એ ઘરે વાત કરી કે, “મને અનીષા ગમે છે અને હું એની સાથે લગ્ન કરવા ઇચ્છુ છુ. અનીષા વજન ઉતારી દેશે. તમે હા પાડી દો”. બધા તૈયાર થયા અને આજે ફરી કેતન અને એના પરિવારના અનીષાને જોવા આવવાના હતા પણ એ લોકો આવવાના હતા એની ખુશીથી વધારે અનીષાને એ વાતની ચિંતા હતી કે ક્યાંક વજન નહિ ઘટે અને કેતન અને એના ઘરના ફરી ના પાડી દેશે તો? અનીષાને એમ પણ ચિંતા થતી કે અત્યારે વજન ઘટી જાય પણ પછી ધારો કે બાળક થાય કે હોર્મોનલ ચેન્જીઝના કારણે કે મેનોપોઝની અવસ્થા કે અન્ય કોઈ શારીરિક પરિસ્થિતિને કારણે વજન વધી ગયું તો? શું મને કેતન છોડી દેશે? સી.એ.ની ડીગ્રી મેળવેલી અનીષા એમ વિચારી રહી હતી કે આ સી.એ.ની ડીગ્રી શું કામની? કામનું તો છે વજન ઓછું હોવું, પાતળી કમર હોવી. સુડોળ શરીર હોવું. જે અનીષા પાસે નહોતું એટલે અનીષા સુંદર નહોતી.

આવી જ પરિસ્થિતિ હતી ગીતાની. દસમાં ધોરણમાં બોર્ડમાં પ્રથમ નંબર લાવનાર ગીતા અત્યારે બાર સાયન્સમાં હતી.  એનું સંપૂર્ણ ધ્યાન હતું કે એ આ વર્ષે પણ ટોપ કરે અને મેડીકલમાં જાય કારણ કે એને બહુ મોટા ડોક્ટર બનવું હતું અને લોકોનું જીવન બચાવવું હતું. પણ એના મમ્મી દરરોજ આવીને ઘડીકમાં ચણાના લોટથી નાહવાનું, અલગ અલગ ક્રીમ વાપરવાનું, કાચા દૂધ અને હળદરથી ફેસ મસાજ કરવાનું, ગુલાબ જળ વાપરવાનું અને ના જાણે કેવા કેવા નુસખા વાપરવાનું કહેતી કે જેના કારણે ગીતા ગોરી થાય. ગીતાની માર્કશીટના માર્ક્સ કરતાં ગીતાના ચેહરા પરના રંગથી એની મમ્મીને વધારે ફર્ક પડતો હતો અને એમાં એની મમ્મીનો વાંક પણ નહોતો કારણ કે  એની મમ્મીને જ કેમ પણ આખા સમાંજને તો ફર્ક પડતો હતો. “યે ચાંદ સા રોશન ચહેરા” એ પણ આપણે જ લખ્યું છે ને. દરેક માં એમ જ તો પ્રાર્થના કરે છે કે મારા દીકરાને ચંદ્ર જેવી રૂપાળી વહુ આપજો. કોઈ ક્યાં એવી પ્રાર્થના કરે જ છે કે જે ભણવામાં હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય, જે હસવાની અને હસાવવાની ક્ષમતા રાખતી હોય, જે આર્થિક રીતે સક્ષમ હોય અને બીજાને પણ સક્ષમ બનાવી શકે એમ હોય, કરુણામય, દયાળુ, સંવેદનશીલ એવી વહુ આપજો. બધા માંગે છે રૂપાળી વહુ, ગોરી વહુ અને ગીતા હતી શ્યામ. ગીતાને ક્યારેક એવું થતું કે મારે તો ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા કે ફીઝીક્સ, કેમિસ્ટ્રી કે બાયોલોજીમાં હોશિયાર હોવાની જરૂર જ નહોતી. હું બસ ધોળી હોત તો બધા માપદંડો પુરા થઇ જાત. અને ગીતા આ માપદંડોમાં નહોતી આવતી એટલે ગીતા સુંદર નહોતી.         

વિભા પણ  આ જ તકલીફથી પીડાતી હતી. નંબરના ચશ્માં. સગા, સંબંધી, પડોશીઓ, બધાના મોઢે એક જ વાત કે, “આ નંબરના ચશ્માંનું ઓપરેશન કરાવી નાખો નહિતર કોઈ લગ્ન નહિ કરે આની સાથે.” વિભાના પપ્પા એને ઓપરેશન કરવા લઇ પણ ગયા પણ ડોકટરે કહ્યું કે, “વિભાનું ઓપરેશન થઇ શકે એમ નથી અને જો વિભાનું ઓપરેશન કરાવશો તો એની દ્રષ્ટી જવાનો ભય છે.” આ વાત સાંભળીને હવે કોઈ રસ્તો વધ્યો નહિ કે વિભાના ચશ્માંના નંબર કાઢી શકાય પણ આ પછી વિભા માટે બધું અઘરું થઇ ગયું જે આવે એ શિખામણો આપી ને જાય કે, “નાનપણમાં ટીવી ઓછું હોયુ હોત ને તો આમ ના થાત” , તો કોઈ કહે કે, “મોબાઈલના  વધારે પડતાં ઉપયોગ ના કારણે આવું થયું છે.” કોઈ કહે કે, “સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાનું રાખો તો નંબર જતા રહેશે.” તો કોઈ કહે કે, “શીર્ષાસન કરવાનું રાખો તો નંબર જતા રહેશે”, “કોઈ કે આ જગ્યાની માનતા રાખો તો નંબર જતાં રહેશે”, તો કોઈ કહે, “નરણા કોઠે કોથમીરનો જ્યુસ પીવાનું રાખો તો નંબર જતાં રહેશે”, કોઈકે આમ કહ્યું તો કોઈકે તેમ પણ બધાનો એક જ હેતુ કે કોઈક રીતે વિભાના ચશ્માંના નંબર જાય જેથી વિભાના લગ્ન થઇ શકે. નહિતર એને સારો વાર નહિ મળે. વિભાને ઘણી વાર થતું કે, “દુનિયામાં અનેક લોકો છે કે જેને આંખો નથી પણ મારે આંખો છે એ વાતની ખુશી મનાવું કે એ આંખો પર ચશ્માં છે એ વાતનું દુઃખ?”    

વિભા, ગીતા, અનીષા જેવી અનેક બીજી છોકરીઓ અને સ્ત્રીઓ પણ છે કે જે ક્યારેક ને ક્યારેક બોડી શેમીંગનો ભોગ બની હોય છે. એ એટલે સુંદર નથી કારણ કે સુંદરતાની વ્યાખ્યામાં એ ફીટ નથી બેસતી પણ પ્રશ્ન એ છે કે આ વ્યાખ્યા બનાવી કોણે? કોણ સુંદર છે અને કોણ નથી એ કોણ નક્કી કરશે? તમને પણ જીવનમાં વિભા, ગીતા કે અનીષા જેવો અનુભવ થયો છે કે તમે સુંદરતાની વ્યાખ્યા માં બંધ બેસો છો? વિચારજો......

આવતા અઠવાડિયે ફરી હું વિભા, ગીતા, અને અનીષા જેવી બીજી કેટલીક સ્ત્રીઓની વાતના ઉદાહરણ લઈને આવીશ કે જેનાથી  આપણને ખબર પડશે કે માણસની સાચી સુંદરતા એટલે શું?

- અર્ચના તેજસિંહ ચૌહાણ

આ સમાચાર શેર કરો