મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ડૉ.રામમનોહર લોહિયાએ ગાંધીજી વિશે કહેલી એ વાત... જેને સમગ્ર વિશ્વએ સ્વીકારી

- ઇતિહાસ ગાથા નાઝીવાદ, સામ્યવાદ અને સમાજવાદ જોઈ ચૂકેલ

શતરંગ / ડૉ.રામમનોહર લોહિયાએ ગાંધીજી વિશે કહેલી એ વાત... જેને સમગ્ર વિશ્વએ સ્વીકારી

- ઇતિહાસ ગાથા

નાઝીવાદ, સામ્યવાદ અને સમાજવાદ જોઈ ચૂકેલા તેમજ  આઈન્સ્ટાઈનના સંપર્કમાં રહી ચૂકેલા રામમનોહર લોહિયાના જીવન ઘડતર અને વિચાર ઘડતરમાં જર્મનીનો ફાળો બહુ મોટો રહ્યો હતો. 

જર્મનીમાં તેમણે કરેલા વસવાટે તથા ત્યાં લીધેલા શિક્ષણે તેમના ચિંતનને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તે સમયે જર્મનીમાં હિટલર અને નાઝીઓનો ઉદય થઈ ચુક્યો હતો. નાઝીઓની કટ્ટરતા અને તેના અમલ માટે તેમણે કરેલા અત્યાચારો, નાઝીઓને લડત આપવામાં નિષ્ફળ ગયેલા સોશિયાલીસ્ટ ડેમોક્રેટ, બ્રિટન અને ફ્રાંસના સમાજવાદી પક્ષોએ અપનાવેલું વલણ, સામ્યવાદીઓનું વ્યક્તિ સ્વાતંત્ર્યને કચડી નાખવાનું વલણ વગેરે વિશેના અનુભવો લોહિયાના  જીવન માટે એક ભાથું બની રહ્યા. જર્મનીમાં તેમણે જોયું કે, અહીં અંગ્રેજી ભાષા શીખવાના બદલે લોકો જર્મનીમાં જ ભણવાનું પસંદ કરે છે. માતૃભાષા એ જ સર્વોપરી. એથી વિશેષ કશું નહીં. તેથી લોહિયાએ પણ અભ્યાસ માટે જર્મન ભાષા શીખી. તેમણે જર્મન ભાષામાં હેગલ અને કાર્લ માર્ક્સના  પુસ્તકોનો બહોળો અભ્યાસ કર્યો. જર્મની વિશ્વના આ બે મહાન વિચારકોની જન્મભૂમિ હતું. ત્યાં નિવાસ દરમિયાન લોહિયાનું ચિંતન ચોક્કસ વિચારધારા સાથે ઘડાતું ગયું. જયારે તેઓ જર્મનીથી ભારત પરત ફર્યા ત્યાં સુધીમાં તો તેઓ નાઝીવાદ, મૂડીવાદ અને સામ્રાજયવાદના વિરોધી બની ચૂકયા હતા. જેનું બાળપણ ગાંધીજીના મૂલ્યોથી ઘડાયું હોય, જે જર્મનીમાં માઠા પરિણામો નજરે નિહાળીને આવ્યો હોય, એ આવી વિચારધારાઓનો  વિરોધી ન બને તો જ નવાઈ! પરંતુ આ વિચારધારાઓનો વિરોધ કરવાની સાથે તેમણે સમાજવાદ તરફના ચિંતનની પોતાની ગતિ તેજ કરી હતી. તેમનું સમાજવાદી ચિંતન માર્ક્સ અને ગાંધીના સમન્વયનું ચિંતન હતું. તેથી જ જવાહરલાલ નહેરુ પણ લોહિયા કોંગ્રેસના વિરોધી પક્ષના હોવા છતાં તેમનો આદર કરતા હતા. બન્નેના રસ્તા અલગ હતા. પરંતુ ધ્યેય એક જ હતું-ભારતની આઝાદી અને ભારતના લોકોનું કલ્યાણ. 

રામમનોહર લોહિયા જયારે ભારત પરત ફર્યા ત્યારે તેમના પિતાએ તેમની મુલાકાત ગાંધીજી જેમને પોતાનો પાંચમો પુત્ર માનતા હતા એવા જમનાલાલ બજાજ સાથે કરાવી. જમનાલાલ બજાજ લોહિયાને ગાંધીજી પાસે લઇ ગયા. અત્યાર સુધી જે ગાંધીને તેઓ દૂરથી જ જોતા હતા એમની નજીક તેમને જવા મળ્યું. અને જે વ્યક્તિ ગાંધીજીની નજીક ગયું છે, તે તેમનાથી પ્રભાવિત થયા વગર રહ્યું નથી. એ રોમાં રોલા હોય, વિશ્વ વિખ્યાત પત્રકાર લુઈ ફિશર હોય કે ટાગોર જેવા ટાગોર હોય!

લોહિયા ગાંધીજીને ભારતની શક્તિ અને તાકાતના  પ્રેરણાસ્રોત માનતા હતા. એવું કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી કે પિતા હીરાલાલ પછી ડૉ. લોહિયા પર ગાંધીજીનો સૌથી વધુ પ્રભાવ પડયો હતો. લોહિયા સામાન્ય જનતાની લાગણીઓ, ભાવનાઓ તથા એષણાઓને બિરદાવવાનું ગાંધીજી પાસેથી શીખ્યા હતા. તેમણે એકવાર કહ્યું હતું કે, ‘ગાંધીજી ઇતિહાસમાં રાજકીય અને સામાજિક માળખાઓના સંદર્ભમાં ક્રાંતિકારી હતા.’ તેમણે ગાંધીજીને વીસમી સદીની બે મૌલિકતાઓમાંની એક મૌલિકતામાં ગણાવ્યા હતા. બીજી મૌલિકતા તરીકે તેમણે અણુબોમ્બને ઓળખાવ્યો હતો. અને એવી આશા પણ વ્યક્ત કરી હતી કે આ સદીના અંત પહેલા પહેલી મૌલિકતા એટલે કે ગાંધીજી બીજી મૌલિકતાને એટલે કે પરમાણુ બોમ્બને પરાજીત કરશે. ગાંધીજી વિશે આટઆટલું કહેવા છતાં પણ ગાંધીજી પ્રત્યેનો તેમના આદર અને ભક્તિ અંધ ન હતા. તેમની પોતાની પ્રતિભા અને બૌદ્ધિકતા સ્વતંત્ર હતી. તેથી જ્યારે જયારે અને જ્યાં જ્યાં ગાંધીજીના વિચારોની આલોચના કરવી તેમને જરૂરી લાગી ત્યારે અને ત્યાં ત્યાં તેમણે આલોચના પણ કરી હતી. ટૂંકમાં, માર્ક્સ અને ગાંધીજીના પ્રભાવ નીચે ડૉ. લોહિયા આવ્યા હોવા છતાં પણ તેમણે આ બે વિશ્વવિભૂતિઓને પોતાની આગવી રીતે અંગીકારી, પુરસ્કારી અને ઈન્કારી પણ હતી.

રામમનોહર લોહિયા ભારત આવ્યા તે સમયમાં જ ભારતમાં સમાજવાદી પક્ષની સ્થાપના થઈ હતી. જેમાં પુરુષોત્તમદાસ વિક્રમદાસ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, મીનુ મસાણી અને યુસુફ મહેરઅલીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેનું પ્રથમ સંમેલન આચાર્ય નરેન્દ્રદેવના પ્રમુખપદે ભરાયું હતું. તેમાં ડૉ. લોહિયાએ હાજરી આપી હતી અને તેના સાપ્તાહિક મુખપત્રના સંપાદનનું કાર્ય પણ તેઓએ કર્યુ હતું. જયપ્રકાશ નારાયણ આ પક્ષના મહામંત્રી હતા. પરંતુ એ સમયે તેઓ માર્ક્સવાદના રંગે એટલા બધા રંગાયેલા હતા કે તેઓ લગભગ સામ્યવાદીની છાપ ધરાવતા થઈ ગયા હતા. જ્યારે ડૉ. લોહિયાનું સમાજવાદી ચિંતન એકદમ સ્પષ્ટ અને દેશ તથા પરિસ્થિતિઓને અનુકૂળ બની ચુક્યું હતું. તેથી પક્ષની બેઠકોમાં ડો. લોહિયા એકલા અને અલગ પડી જતા હતા. આમ છતાં પૂર્ણ નિષ્ઠાથી તેમણે પોતાની ફરજ બજાવી હતી. તેમનો આશય જ સમાજવાદ થકી દેશની ઉન્નતિમાં યોગદાન આપવાનો હતો.

1936માં લખનૌ ખાતે પંડિત જવાહરલાલ નહેરુનાં અધ્યક્ષપદે કોંગ્રેસ અધિવેશન ભરાયું હતું. જેમાં પંડિત  નહેરુએ પક્ષમાં વિદેશ વિભાગ શરૂ કર્યો અને ડૉ. લોહિયાને તેના મંત્રી બનાવ્યા. આ કામગીરી બહુ જ મહત્ત્વની હતી કારણ કે ભારતની વિદેશનીતિના શ્રીગણેશ આ વિભાગ દ્વારા થવાના હતા. આ સમયે લોહિયા માત્ર ૨૬ વર્ષના હતા અને તેમણે પૂરી ગંભીરતા સાથે આ જવાબદારી ઉપાડી હતી. આ વાત તો ડૉ. રામમનોહર લોહિયાનું આઝાદી પહેલા ભારતની રાજનીતિમાં જે યોગદાન હતું એની થઈ. આઝાદી પછી કેમ રામમનોહર લોહિયા ભારતના સૌથી મહત્વપૂર્ણ નેતા બની ગયા એની વાત પછીના પ્રકરણમાં.

- રક્ષા ત્રાપસિયા

આ સમાચાર શેર કરો