કેવા હોય છે સાસરામાંથી ધન પ્રાપ્તિના યોગ?
મારા દાદા એક વાર્તા કરતા. કહેતા કે જમાઈ સાસરે જાય તો ચાર દિવસ જ સારો લાગે. એક જમાઈ સાસરે લહેર કરતો હ

મારા દાદા એક વાર્તા કરતા. કહેતા કે જમાઈ સાસરે જાય તો ચાર દિવસ જ સારો લાગે. એક જમાઈ સાસરે લહેર કરતો હતો. આ દરમિયાન તેને કવિતા સૂઝી તો દીવાલ પર લખી, સાસરા સુખ વાસરા. બીજે દિવસે જમાઈ રાજ આઘા પાછા હતા ત્યારે સાસુમાએ પાદપૂર્તિ કરી, ચાર દિન કા આસરા. બીજે દિવસે જમાઈએ તે વાંચ્યું એટલે વળી, એક પંક્તિ ઉમેરી, મૂરખ હો તો લિખિએ. વળી જમાઈ જેવા આઘા પાછા થયા એટલે સાસુમા લખી ગયા, ગધા હો તો રિજિયે. આ વાંચીને જમાઈ રાજે તરત જ સાસરેથી વિદાય લીધી.
પરંતુ કેટલાક જમાઈ એવા બડભાગી હોય છે કે સાસરા પક્ષથી આર્થિક લાભ મેળવે છે. તેમની કુંડળીમાં કેવા ગ્રહયોગ હોય છે? જોઈએ. નેમીચંદના પુસ્તક ભારતીય જ્યોતિષમાં લખ્યું છે કે,
1) સપ્તમ સ્થાન પત્નીનું છે, બીજું સ્થાન ધનનું. સપ્તમેષ અને ધનેષની યુતિ થતી હોય અને તેના પર શુક્રની દૃષ્ટિ હોય તો સાસરા પક્ષ તરફથી આર્થિક લાભ મળે છે.
2) ચતુર્થેશ સપ્તમમાં હોય અને શુક્ર ચતુર્થ સ્થાનમાં હોય તથા બંને વચ્ચે મિત્રતા હોય તેવા જાતકો સસરાના પૈસા જલસા કરે છે.
3) સપ્તમેષ અને ભાગ્યેશ વચ્ચે સંબંધ હોય અને તેમાં શુક્ર પણ જોડાતો હોય તો સસરા તરફથી આર્થિક ફાયદો થાય છે.
ત્રણે યોગમાં શુક્રને જોડવામાં આવ્યો છે કારણ કે શુક્ર એટલે પત્ની. એ પણ નોંધી રાખો કે આ બધા યોગ પુરુષની કુંડળીમાં જ લાગુ પડશે.
વળી માત્ર સાસરામાં રહેતા પુરુષોને નહીં પત્નીના પૈસા ભોગવતા પુરુષોને પણ લાગુ પડે છે. જ્યોતિષાચાર્ય યશોધર મહેતાએ કરેલી નોંધ પ્રમાણે સપ્તમેષ પંચમમાં હોય તેવા જાતકોને પત્નીથી કે સાસરિયા તરફથી આર્થિક લાભ મળે છે.








