શતરંગ / ઓળી ઝોળી પીપળ પાન, ફુઆએ બગાડ્યું તારું નામ!
- વટથી, હકથી ને હુકમથી... આપણે ત્યાં નામ પાડવાનો રિવાજ છે ને નામ બગાડવાની પ્રથા, ચાલ

- વટથી, હકથી ને હુકમથી...
આપણે ત્યાં નામ પાડવાનો રિવાજ છે ને નામ બગાડવાની પ્રથા, ચાલો માંડીએ ત્યારે આજે એની કથા!! આમ તો કથા સાંભળ્યા પછી પ્રસાદ મળે પણ અહીં પ્રતિસાદ મળશે એવી આશા!! ફોઈ નામ પાડે તો પછી બગાડે કોણ? ફુઆ જ ને તે. અરે ના ના, મોઢા જ ન બગાડે એ ખાલી, નામ પણ બગાડે. એટલે આજથી તમારું કે કોઈનું પણ કંઈપણ બગડે તો એ બગાડનારને આપણે ફુઆ તરીકે ઓળખીશું. વટથી, હકથી ને હુકમથી.. બાળક જન્મે એ પહેલા માબાપ નામાવલી લઈને બેસે. એના અર્થ, ચોઈસ, આજથી વીસ વર્ષ પછી એ નામનું મહત્વ કેવું રહેશે, કોઈ બગાડે તો કેવું'ક બગડી શકે એ આશંકાઓ, સ્કૂલમાં દાખલો કઢાવતી વખતે છાંકો પડવો જોઈએ જેવી બાબતો આજના માબાપ ધ્યાને લે છે. એમને ખબર જ હોય કે કિશન નામ પાડીએ એટલે આપણા મામાના દીકરા એને કિસ્લો જ કહેશે! નામ પાડવા કરતાં બગાડવાની કળા છે જે હવે ઘણા અંશે લુપ્ત થતી જાય છે. હું તો કહું છું ભલે કોઈ આપણને ફુઆ કહે પણ કોઈના નામની પથારી ફેરવવામાં આપણી પારંગત હોય તો જિંદગી બે ગણી વધારે રંગીન લાગી શકે. હું નામ બગાડવાની જરાય વિરોધી નથી. American General, Douglas MacArthur એ એવું કહ્યું હતું કે નિયમો તૂટવા માટે જ બન્યા હોય છે. આપણે તો એવો અર્થ કાઢી લીધો કે નિયમો તોડવા માટે બન્યા હોય છે!! એવી જ રીતે નામ પણ બગડવા માટે જ પડ્યા હોય છે. મને તો એ હદના વિચારો આવે કે જેમ નામ પાડવાના રિવાજ હોય, સેરેમની હોય એમ નામ બગાડવાની સેરેમની પણ હોવી જોઈએ. શું કહો છો મિત્રો? એટલે નામ પાડતી વખતે લોકો એટલી મહેનત કરે, આર્ટિસ્ટિક નામ શોધે કે એને બગાડે એને પણ મહેનત લાગે!! મારી એક સ્કૂલ ફ્રેન્ડ. એના પાડોશીને ત્યાં દીકરો જન્મ્યો. એ લોકોએ હરખથી આને કીધું કે તું જ આનું નામ પાડજે. મારી ફ્રેન્ડ તો હરખઘેલી ને ખખડાવી એ લોકોની ડેલી. ઓળી ઝોળી પીપળ પાન, ફોઈએ પાડ્યું "પ્રિન્સ" નામ. રાજકુમાર, રાજકુંવર કે રાજાના દરબારમાં ઉગમણે અજવાળું થયું ને એક દીકરો જન્મ્યો જેવા શાહી વિચારો સાથે એણે આવું નામ આપ્યું. એ પ્રિન્સ હવે આસપાસમાં "પિન્યો" તરીકે ઓળખાય છે! ત્યારથી મારી મિત્ર દ્વારા ખુદના બાળકોના પણ નામ પણ હવે પોતે નહિ રાખે તેવી પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે! શેક્સપિયર એવું કહી ગયા કે નામ મેં ક્યા રખા હૈ?! બરાબર જ કહી ગયા. કેમકે નામ તો બગડના હી હૈ, બગાડના હી હૈ. મને એ પણ ખબર છે કે આ વાંચીને તમારા મનમાં કેટલાંય લોકોના નામની યાદી ફરી ગઈ હશે અને સૌથી પહેલા તો તમે મારું નામ જ બગાડવાના ખ્યાલોમાં હશો. જૂના જમાનામાં આ પદ્ધતિ એટલે કે નામ બગાડો પદ્ધતિ નહોતી. ત્યાં બીજું એક નામ આપી દેવાની પદ્ધતિ હતી. ચિન્ટુ, પિન્ટુ , કાનો, લાલો, મંગુ, ચકુ વગેરે વગેરે. કેમકે નામ હોય નરોત્તમદાસ હવે એને બગાડવા માટે ય સમય જોઈએ ને એ બગડેલા નામનો ઉચ્ચાર કરવા માટે પણ. આટલો સમય લઈએ ત્યાં તો આખો નરોત્તમદાસ બગડી ગયો હોય એના કરતા એની સળી જ ન કરાય! પછી માબાપ સજાગ પણ થયા. બે અક્ષરોના નામ રાખવાનું શરૂ કર્યું જેથી બહુ ગંદુ ન કરે લોકો. સોહમ નામ હોય તો સોહમિયા કરીને લોકો પજવે પણ સાર્થ નામ હોય તો કદાચ કોઈ ન બગાડે નામ એવો એમને વહેમ. પણ અમે એને ય સાર્થીયો કે પાર્થને પાર્થીયો કહીને અમારી કામ તો કરી જ લઈએ. લિ. ફુઆ. ઉપર કહ્યા મુજબ આજે આપણે નામ બગાડો પ્રથાની કથા માંડી છે ને કથા એમ એક, બે, પાંચ ફકરામાં કે એક એપિસોડમાં કે એક લેખમાં પતે નહિ. તો મળીએ ને આવતા બુધવારે ફરી આ જ કથાને આગળ ધપાવવા. કીધું ને મળીએ એટલે મળીએ; વટથી, હકથી ને હુકમથી... - સ્નેહલ તન્ના



