મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / પ્રવાસના સંસ્મરણોનું કાળજીપૂર્વક જતન કરવું જોઈએ

- ચલ કહીં દૂર... ભારતીય ઉપખંડમાં બે હજાર વર્ષમાં અસંખ્ય પ્રવાસીઓ આવ્યા હશે પણ ઇતિહાસમાં પાંચ સા

શતરંગ / પ્રવાસના સંસ્મરણોનું કાળજીપૂર્વક જતન કરવું જોઈએ

- ચલ કહીં દૂર...

ભારતીય ઉપખંડમાં બે હજાર વર્ષમાં અસંખ્ય પ્રવાસીઓ આવ્યા હશે પણ ઇતિહાસમાં પાંચ સાત પ્રવાસીઓના નામ કાયમી કોતરાઈ ગયા છે.

     વેકેશનનો સમય છે, ભારતીયો દેશ વિદેશ ફરવા જાય છે પણ આપણે મહદઅંશે મોબાઈલ ફોટોગ્રાફ સિવાય ખાસ નોંધ રાખતા નથી. મ્યુઝિયમ પેલેસ અથવા કિલ્લા જેવા ઐતિહાસિક સ્થળની વિગતો તથા જે તે વિસ્તારનું સમાજ જીવન અંગે માહિતી યોગ્ય પ્લેટફોર્મ મુકવામાં આળસુ છીએ. આમ છતાં એટલું સારું છે કે મોબાઈલ આવ્યા પછી ફોટાઓનો સંગ્રહ થવા લાગ્યો પણ તસ્વીરો માટે યોગ્ય ફોલ્ડર બનાવવામાં ઢીલ કરીએ છીએ. યોગ્ય જાળવણીના અભાવે સુખદ સ્મૃતિઓની સાચવણી થતી નથી. આ વાત એટલા માટે યાદ આવી કે પૌરાણિક ઇતિહાસ શોધવા માટે રેફરન્સ લેવો હોય તો વિદેશીઓની નોંધ શોધવી પડે છે. ભારતીય વેપારીઓ દેશ અને દુનિયામાં વ્યવસાય કરવા જતાં હતાં પણ વિદેશના લોકજીવન વિશે માહિતી લગભગ અપ્રાપ્ય છે.          અંગ્રેજ ભારતમાં આવ્યા પછી નોંધપાત્ર રીતે ડોક્યુમેન્ટેશનમાં કામ થવા લાગ્યું હતું. ગાંધીજી સહિત આખી પેઢી નોંધ સાચવવામાં તેજસ્વી હતી. ઘણા વડીલો પાસે મિલકત કે સર્વિસના ડોક્યુમેન્ટની તથા પરિવાર સંબંધી માહિતીની જાળવણી સારી રીતે સચવાયેલી હોય છે.           ભારતમાં જે વિદેશી પ્રવાસીઓ આવ્યા હતાં અથવા ભારત માટે જે નોંધ લખી હતી તેના આધારે અભ્યાસ કરીએ તો આપણને સમૃદ્ધ સમાજ વિશે માહિતી મળે છે. વેકેશન સમયમાં પ્રવાસીઓને યાદ કરીએ. સૌથી પહેલાં યાદ કરીએ ચીનના પ્રવાસી ફાહિયાનને. ભારતની સમૃદ્ધિની અંગે માહિતી જાણવા માટે ચીની પ્રવાસી ફાહિયાનને યાદ કરવો પડે. સમૃદ્ધ ભારતમાં બૌદ્ધ ધર્મની વાતો સાંભળીને ચીની પ્રવાસી ફાહિયાન પાંચમી સદીના પ્રારંભમાં ભારત આવ્યો હતો. એ સમયે ભારતમાં સનાતન સાથે બૌદ્ધ ધર્મ પ્રચલિત હતો.            ફાહિયાને કાબુલથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ગાન્ધાર, તક્ષશિલા અને પેશાવર થઈ પૂર્વ તરફ પ્રવાસ કર્યો હતો. પ્રવાસ દરમિયાન બૌદ્ધ ધર્મના અસંખ્ય મઠની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ફાહિયાન સિંધુ નદી પસાર કરીને મથુરા આવ્યો. મથુરા રહ્યા પછી મધ્ય ભારતનું ભ્રમણ કર્યું. મધ્ય ભારતમાં ફરતાં તેણે લખ્યું કે અહીં બરફ પડતો નથી અને આબોહવા ગરમ છે. રાજાઓને ખેતીમાંથી થોડો ભાગ આપવા સિવાય કોઈ જાતનો ટેક્સ ન હોવાથી મધ્ય ભારતમાં  પ્રજા એકંદરે સમૃદ્ધ હતી. ફાહિયાને લખ્યું છે કે ગુનાની તિવ્રતા મુજબ હળવાથી અતિભારે દંડ કરવામાં આવતો. રાષ્ટ્રદ્રોહ જેવી ઘટનામાં ડાબો હાથ કાપવાની સજા થતી. ફાહિયાન મધ્ય ભારતના સાંચીથી ફરતો ફરતો કપિલવસ્તુ સુધી ગયો. એક સમયના ઐતિહાસિક અને આર્થિક સમૃદ્ધિ ધરાવતા શહેરો અંગે માહિતી આપી. આજથી પંદરસો વર્ષ પહેલાં પણ રોજગારના અભાવે નગરો ખાલી થતાં. ભગવાન બુદ્ધના જન્મસ્થળ કપિલવસ્તુ વિશે નોંધ કરી છે કે અહીં રાજા અને પ્રજાનું ખાસ અસ્તિત્વ નથી. ભગવાન બુદ્ધનું જન્મસ્થળ હોવા છતાં માંડ દશેક પરિવાર વસે છે. લગભગ એ જ હાલત કુશીનગરની હતી. આ પ્રકારની માહિતીનો અભ્યાસ આપણને ભારતની આર્થિક બાબતોને જાણવા ઘણી મદદ કરે છે.         ફાહિયાન મગધની રાજધાની પટણા ગયો અને ત્યાંની સમૃદ્ધિ વિશે લખ્યું. પટણાથી ફરતો ફરતો બનારસ પહોંચ્યો. બનારસ પછી તામ્રપલ્લીમાં બે વર્ષ રહીને બૌદ્ધ સાહિત્યનું પોતાની ભાષામાં ભાવાનુવાદ કર્યો.          લાંબી ભારતયાત્રાના અંતે ચૌદ દિવસની જહાજમાં મુસાફરી કરીને શ્રીલંકા ગયો. શ્રીલંકાના હવામાનના ખૂબ વખાણ કર્યા છે. શ્રીલંકામાં એક વેપારીએ બુદ્ધની રત્નજડિત પ્રતિમા સાથે ચીનનો પંખો ભેટમાં આપ્યો. પોતાના દેશની ભેટ જોઇને વતન યાદ આવ્યું અને ફાહિયાન રડી પડ્યો.        બે વર્ષ શ્રીલંકામાં રહીને ગ્રંથોનો પોતાની ભાષામાં અનુવાદ કર્યા પછી વતન તરફ જવા નીકળ્યો. જે જહાજમાં પરત જવા નીકળ્યો એમાં બસો કરતાં વધારે મુસાફરો હતાં. માર્ગમાં તેર દિવસ સુધી વાવાઝોડું આવતા એક નાના ટાપુ પર જહાજને રોકવામાં આવ્યું અને મરામત કરવામાં આવી. દરેક મુસાફરોને સુચના આપવામાં આવી કે વધારાનો સામાન ત્યજી દેવો. ફાહિયાને કિમતી સામાન છોડવો પડ્યો અને જેમતેમ કરીને ફાહિયાન જાવા પહોંચ્યો.          જાવાથી બીજા જહાજમાં મુસાફરી કરીને વતન ચીનના દરિયા કિનારે પહોંચવાનું હતું. જહાજમાં પચાસ દિવસનું ભોજન અને બસો મુસાફરો હતાં. કમનસીબે આ જહાજ પણ વાવાઝોડામાં ફસાતા મુસાફરોને ફાહિયાનનું નસીબ જવાબદાર લાગ્યું. સાથી પ્રવાસીઓએ ફાહિયાનને જ સમુદ્રમાં ફેંકી દેવાની માંગણી કરી. મુસાફરો માનતા હતાં કે ફાહિયાનને લીધે જ વાવાઝોડા આવે છે. ફાહિયાનનો સેવક શક્તિશાળી હોવાથી ફાહિયાન બચી ગયો. બ્યાંસી દિવસની યાત્રાને અંતે ફાહિયાન ભારતીય ઉપખંડની અસંખ્ય સ્મૃતિઓ સાથે વતન ચીન પહોંચ્યો. ફાહિયાને ભારતમાં ભોજન, સમાજ વ્યવસ્થા, અર્થતંત્ર સહિત અનેક બાબતો પર નોંધ લખી હતી જેનો ઉપયોગ ઇતિહાસમાં રેફરન્સ તરીકે લેવામાં આવે છે. ફરી એકવાર યાદ કરાવું છું કે તમે જે નાનામોટા પ્રવાસ કરો એની નોંધ રાખો.           ફાહિયાન પછી હ્યુ એન સંગ ભારત આવ્યો. હ્યુ એન સંગ વર્ષ 629માં આવ્યો અને સોળ વર્ષ ભારતમાં ભ્રમણ કર્યા પછી છેક વર્ષ 645માં પરત ગયો. હ્યુ એન સંગે ભારતીય જીવનશૈલીનો અત્યંત બારીકાઈથી અભ્યાસ કર્યો હતો. ફાહિયાનની જેમ તેણે પણ કાબુલથી પ્રવાસનો પ્રારંભ કર્યો અને નોંધ કરતો ગયો. જે શહેરો વિશે ફાહિયાને લખ્યું હતું, એમાંથી ઘણા ગાયબ થઈ ગયા હતાં. ઘણા નવા વિસ્તારો વિકાસ પામ્યા હતાં. હ્યુ એન સંગ ઉંચા પહાડો પર દેવીઓના મંદિરથી પ્રભાવિત થયો અને ખાસ નોંધ મૂકી કે ઉંચાઇ પરના ધાર્મિક સ્થળો પર લોકો સમૂહમાં ભેગા મળીને પ્રાર્થના કરતાં હતાં. હ્યુ એન સંગ મુજબ પંજાબની ધરતી પર સમૃદ્ધિ હતી. તેને મથુરા આસપાસના વિસ્તારોમાં પણ સમૃદ્ધિ નજરે પડી હતી. હ્યુ એન સંગે કાશ્મીર સહિત હિમાલયની યાત્રા કરી હતી અને હિમાલયની ઉંચાઇ પર ઓક્સિજનની કમી હોવાનો ઉલ્લેખ લખ્યો હતો. ગંગા કિનારાથી નર્મદા કિનારા સુધી પ્રદેશો ફરતો રહ્યો. દરેક રાજ્યની સરહદો અને વિસ્તાર અંગે પણ માહિતી લખી હતી. હ્યુ એન સંગની વાતો પરથી માહિતી મળે છે કે તે સમયે ભારતમાં અસંખ્ય નાનામોટા રાજ્ય હતાં. પ્રયાગરાજમાં મોટા વૃક્ષના વખાણ કરતાં કરતાં બનારસ પહોંચ્યો અને બનારસની સમૃદ્ધિ પર હ્યુ એન સંગે ઘણું લખ્યું છે. બનારસમાં ભગવાન મહાદેવની પૂજા કરવા માટે સો કરતાં વધુ બ્રાહ્મણ હતાં તથા અસંખ્ય લોકો ભક્તિભાવપૂર્વક પૂજન કરતાં. બનારસમાં મુખ્ય મંદિર સાથે બીજા વીસેક મંદિર હતાં. બનારસથી નેપાળ તરફ ગયો પણ નેપાળી પ્રજાના વર્તનથી થી હ્યુ ખૂબ નારાજ હતો.        નારાજગી સાથે હ્યુ પાછો મગધ આવ્યો અને મગધમાં ભારત પ્રવાસ અંગે અનુભવોના બાર પુસ્તકો થાય એટલી નોંધ લખી. મગધ પાસે આવેલા નાલંદાની મુલાકાત લીધી. નાલંદામાં જ્ઞાન સાથે થતી મૌલિક ચર્ચાઓથી ખૂબ પ્રભાવિત થયો હતો.          હ્યુ એન સંગ બંગાળમાં મંદિર પ્રણાલીનો અભ્યાસ કરીને આસામ અને મણિપુર સુધી પહોંચ્યો. બંગાળમાં પરત આવ્યા પછી આસપાસ રખડ્યો. બંગાળથી રખડતો રખડતો આ સાહસિક પ્રવાસી ઓરિસ્સા આવ્યો. હ્યુ એન સંગે ઓરિસ્સાના ફૂડના વખાણ કર્યા છે. ઓરિસ્સામાં ઐતિહાસિક તથ્યો શોધ્યા પછી આંધ્રપ્રદેશના વિસ્તારોમાં પ્રવેશ કર્યો. આશરે પંદરસો વર્ષ પહેલાં હ્યુ એન સંગ સગવડ વગર આખું દક્ષિણ ભારત ફરીને કેરાલા થઇને કોંકણ પહોંચ્યો. આ પ્રવાસની સફળતાનો અર્થ તારવી શકાય કે ભારતીય પ્રજા માટે આતિથ્ય દેવપૂજા જેવું હતું. દક્ષિણ ભારતના પ્રવાસમાં માર્ગ અંગે પ્રજાએ ઘણી મદદ કરવા સાથે ભારતીય તત્વજ્ઞાન ઘણી માહિતીઓ આપવામાં આવી હશે. કોંકણમાં ફરતા ફરતા એ યુગના મહારાષ્ટ્રની રાજનીતિ પર નોંધ મળે છે અને રાજનીતિ પર પોતાના વિચારો લખ્યા છે.        ફાઇનલી હ્યુ એન સંગ મહારાષ્ટ્રથી ફરતા ફરતા ગુજરાતના ભરુચ પહોંચ્યો. વિચાર કરો કે પંજાબથી પ્રવાસ શરૂ કરીને લગભગ આખા ભારતનું ભ્રમણ કરતા કરતા છેક પશ્ચિમ છેડા પર સુખરૂપ પહોંચવામાં ભારતીય પ્રજા પાસે શ્રેષ્ઠ ભૌગોલિક જ્ઞાન હશે જેના થકી અજાણ્યા તથા જોખમી વિસ્તારમાં સરળતાથી પ્રવાસ કરી શક્યો હશે. ગુજરાતની એ સમયની આર્થિક રાજધાની ભરૂચમાં જમીન ખારોપાટ હોવા અંગે ઉલ્લેખ કર્યો હતો. ભરૂચથી ઉજ્જૈન ફરીને સૌરાષ્ટ્ર અને કચ્છ ગયો. પહેલીવાર ગુજરાતની ભૂમિ પર હ્યુ એન સંગે લખ્યું કે આ ધરતી પર અનેક કરોડપતિઓ જોવા મળ્યા. આજે આ વાંચીને આપણને ગૌરવ થાય છે કે વ્યાપાર અને વૈભવ ગુજરાતના લોહીમાં છે.          ગુજરાતથી સિન્ધ અને મુલતાન થઈ પરત ચીન ગયો. આ વાત એટલા માટે લખી છે કે એ જમાનામાં એકબીજા સાથે લડતા દેશી રાજ્યો, ડાકુ લૂટારાઓના ત્રાસ તથા કોઈ જાતના નકશા વિના એક અજાણ્યો વિદેશી રખડી શક્તો હતો. ભારતની સંસ્કૃતિ, ધર્મ, પ્રાર્થના, ગ્રામ્યજીવન, ભોજન, કપડાં સહિત અનેક બાબતો પર તેણે લખ્યું છે. બંનેના પ્રવાસો પરથી તે સમયના શહેરીકરણ તથા નવા નગરો અંગે ઘણો અભ્યાસ કરવામાં આવ્યો છે.          બંને પ્રવાસીઓ ચીનના હતાં જેમણે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો ચીનમાં પહોંચાડવામાં મદદ કરી હતી. ચીનના પ્રવાસીઓ પછી યુરોપના પ્રવાસીને યાદ કરીએ. મોંગલ લોકોએ ચીનમાં સત્તા મેળવી, પરદેશી વ્યાપાર વધારવા પરદેશી લોકોના પ્રવાસને ઉત્તેજન આપવામાં આવતું હતું. વિદેશ વેપારને મહત્વ આપતાં ચીનમાં વેનિસના બે વેપારી ભાઇઓ યોગાનુયોગ પહોંચ્યાની કથા ભારત માટે ઇન્ટરેસ્ટિંગ છે. બે ભાઇઓ પૈકી એકનું નામ નિકોલો પોલો અને બીજાનું નામ મૅફીયો પોલો હતું. મોંગલ રાજા  કુબલાઇખાને પોતાના પ્રતિનિધિઓને ઇરાન મોકલ્યા હતાં. આ ભાઇઓને ચીનના પ્રતિનિધિઓ ઇરાનમાં મળ્યા. બંને ભાઇઓએ પોતાની સાથે આવવા પેલા પ્રતિનિધિઓએ તૈયાર કર્યા. બંને ભાઇઓ પેજીંગ જઇને કુબલાઇખાનને મળ્યા. કુબલાઇખાને બંને વેપારી ભાઇઓએ ખ્રિસ્તી ધર્મ વિષે ચર્ચા કરી. કુબલાઇખાનને રસ પડતાં સો જેટલા યોગ્ય ખ્રિસ્તી ધર્મગુરુઓને ચીન લાવવાની વિનંતિ કરી. બંને પોલો ભાઇઓ વતન આવ્યા. યુરોપમાં એ સમય અંધકાર યુગનો હતો. યુરોપમાં નાના રાજ્યો એકબીજા સાથે નહિ જેવા કારણોસર લડતા અને આખું યુરોપ અંધશ્રદ્ધામાં બરબાદ થવા પર હતું.           પોલો ભાઇઓ બે વર્ષ પછી બે ધર્મગુરુ અને નિકોલોના પંદર વર્ષના પુત્ર માર્કો સાથે ચીન જવા નીકળ્યા.           યુરોપથી આ ત્રણેય જણા આખો એશિયા પસાર કરીને જમીન માર્ગે નીકળ્યા હતાં. આ માર્ગે આજે ચાલીને ચીન પહોંચવુ હોય તો ઓછામાં ઓછું એક વર્ષ થાય. બારમી સદીમાં આ ત્રણેયને ચીન પહોંચવા માટે સાડા ત્રણ વર્ષ થયાં હતાં.           ત્રણેય પ્રવાસીઓએ જે માર્ગ પસંદ કર્યો હતો એ માર્ગે ચીનથી યુરોપમાં સિલ્ક પહોંચતું હોવાથી સિલ્ક રુટ કહેવાતો. સિલ્ક રુટમાં અડધેથી દક્ષિણ તરફ પ્રવાસ કરીએ તો ભારત આવે.        એશિયા, આફ્રિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર સિલ્ક રુટ મારફતે થતો. ચીન, ભારત, ઇજીપ્ત, આરબ દેશોથી માંડી રોમ સુધી આ માર્ગે વ્યાપાર થતો. ભારતથી મસાલા, કિમતી પથ્થર અને કપડા જતાં, યુરોપથી સોનું, ચાંદી, કાચ અને શરાબ આવતો.           આખો માર્ગ પસાર કરીને વ્યાપાર કરવાવાળા જવલ્લે જ હતા. એક શહેરથી બીજા શહેર સુધી વ્યાપાર થતો, બિઝનેસ ટુકડા ટુકડામાં થતો. આ કારણે સમગ્ર માર્ગના શહેરો સમૃદ્ધ બન્યા અને માંગ મુજબ  આખી દુનિયામાં સલામત વ્યાપાર થતો.         આપણી મૂળ વાત, પેલા ત્રણ જણા સાડા ત્રણ વર્ષ મુસાફરી દરમિયાન અનેક ભાષા, સંસ્કૃતિ અને સમાજોના પરિચયમાં આવ્યા. માર્કોને ચીની ભાષા આવડી ગઇ, કુબલાઇખાનને આ વાત પસંદ પડી. માર્કો પોલો યુવાવયે કુબલાઇખાનનો વિશ્વાસુ સાથી બન્યો. માર્કોને ચીનમાં મહત્વની વહીવટી જવાબદારી મળી. પોતાનું કામ સત્તર વર્ષ સુધી કરતી વેળા વતનની યાદ સતાવતી. માર્કો અને તેના પિતાને સ્વદેશ પરત જવું હતું પણ તેઓ લગભગ ફસાઈ ગયા હતાં.           ચીનનો શાસક કુબલાઇખાનનો સંબંધી એવા ઇરાનના રાજાની પત્ની ગુજરી ગઇ અને તેમને નવી સ્ત્રી સાથે લગ્ન કરવા માટે કુબલાઇખાને વ્યવસ્થા કરી. ચીનથી સુંદર સ્ત્રીને ઇરાન પહોંચાડવા વિશ્વાસુ માણસોની જરૂર હતી. આ તકનો લાભ પોલો બંધુઓને લીધો. ઇરાનમાં સ્ત્રીને સન્માનપૂર્વક પહોંચાડીને વતન તરફ પ્રવાસ કરવાનો હતો. કમનસીબે માર્ગમાં ખબર આવી કે ઇરાનના રાજા મૃત્યુ પામ્યા છે તો તેના પુત્ર સાથે પેલી સ્ત્રીને પરણાવીને પોલો બંધુઓ વતન તરફ મુસાફરી શરૂ કરી. એક અભ્યાસ એવું માને છે કે માર્કો પોલો એ ભારતનો પ્રવાસ કર્યો હતો અને તે ભારતની સમૃદ્ધિથી પ્રભાવિત હતો. ચીનની કન્યાનું લગ્ન કરાવી પોલો બંધુઓ ચોવીસ વર્ષ પછી વતન પહોંચ્યા. પોલો બંધુઓ માટે વતન બદલાઈ ચુક્યું હતું.         હજી વતનમાં સેટ થાય એ પહેલાં વેનિસ પર જીનેવાએ હુમલો કર્યો. વેનિસની હાર થઈ અને પેલો માર્કો પોલો જેલમાં ગયો. જેલમાં બેઠા બેઠા એક પ્રવાસ અંગે માહિતી આપતું પુસ્તક લખ્યું જેનું નામ હતું ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો.          આ પુસ્તકની વિગતો આખા યુરોપમાં ફેલાવા લાગ્યું. નાની નાની વાતોમાં લડાઇઓ કરતાં યુરોપમાં ચર્ચા થવા લાગી કે ધન વૈભવ તો એશિયામાં છે. માર્કો પોલોના પુસ્તકે યુરોપમાં એશિયા વિષે પ્રવર્તતી ખોટી માન્યતાઓ ખતમ કરી. કૂતરાનું શરીર હોય અને માનવીનો ચહેરો ધરાવતા લોકો એશિયામાં રહે છે, એવી પણ માન્યતા હતી. માર્કો પોલોએ ભારતના ખૂબ વખાણ લખ્યા હતા. એશિયામાં બસો પાંચસો લોકોને સમાવી શકે એવા જહાજો છે. ભારત ધનની ધરતી છે. કુબલાઇખાનનું મોંગલ સામ્રાજ્ય તુટી પડતા જમીનમાર્ગ જોખમી બન્યો. યુરોપના સાહસિકોને એશિયા જવું હતું અને સમુદ્ર માર્ગ શોધવા તૈયાર થયા.            યુરોપના સાહસિકોની નજરમાં ભારત આવ્યું, એક સાહસિક કોલંબસ માર્કો પોલોના પુસ્તકમાંથી પ્રેરણા લઇને ભારત આવવા નીકળ્યો અને અમેરિકા શોધી નાખ્યું. ધનદોલત શોધતી એ યુરોપિયન પ્રજા ત્રણસો વર્ષમાં ચીન, જાપાન સહિત ભારત સુધી પહોંચી ગઇ. બાકી ઇતિહાસ જગજાહેર છે. એક પ્રવાસનું પુસ્તક દુનિયાના નકશા બદલવાની તાકાત ધરાવે છે. ફાઇનલી ફરીથી એ જ મેસેજ કે પ્રવાસ કરો ત્યારે નાની મોટી નોંધ કરવાનું ભૂલશો નહીં.   બીજાને અન્ન આપતો નથી અને ફક્ત પોતાના માટે જ ઉપયોગ કરે એ પાપનું ભોજન કરે છે. જરૂર કરતાં વધુ સંપત્તિ હોય તો વધારાની અન્યને આપે છે એ ગૌરવ વધારે છે, સંપત્તિ એક સ્થળે ટકતી નથી. (રૂગ્વેદ)   - દેવલ શાસ્ત્રી

આ સમાચાર શેર કરો