શતરંગ / ટ્રાફિક નિયમો, હપ્તા વસુલી, સલામતી કી ઐસી કી તૈસી!
- સ્લાઈઝ ઑફ લાઈફ भूख से डगमगा रहे हैं पाँव... और बाज़ार से गुज़रना है...&

- સ્લાઈઝ ઑફ લાઈફ
भूख से डगमगा रहे हैं पाँव... और बाज़ार से गुज़रना है... -फ़हमी बदायूनी થોડા વર્ષો પહેલા આવેલી સુપર હિટ બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ 'ભારત આને નેનું' (હું ભારત) નું એક દ્રશ્ય છે: વિધાનસભામાં નવા મુખ્યમંત્રી તરીકે વરણી પામેલા ભારત નવા ટ્રાફિક નિયમો વિષે જાણકારી આપે છે અને આખા રાજ્યમાં હોબાળો થઇ જાય છે! હેલ્મેટ વગર, સીટબેલ્ટ વગર, ઓવરસ્પીડ માટે 1000 થી 25000 નો દંડ લાગુ પડે છે! દલીલ એવી હોય છે કે આટલા આકરા દંડ સામાન્ય જનતા કેવી રીતે ભરી શકશે? આજે સપ્ટેમ્બર 2019 માં આ જ ફિલ્મ એ સત્ય ઘટના સાબિત થઇ છે, એ જ દંડ અને આકરા નિયમોથી જનતા ખળભળી ગઈ છે! લોકો નિયમ પાળવાનાં બદલે એને ટ્રોલ કરી રહ્યા છે! વેલકમ ટુ ઇન્ડિયા માય ફ્રેન્ડ! મોટર વેહિકલ એક્ટમાં સુધારા વધારાને રાષ્ટ્રપતિની મહોર લાગી ગઈ અને હેલ્મેટ ન પહેરવા માટે 1000નો દંડ, ઓવરસ્પીડ અને ડ્રિંક કરીને ડ્રાઈવિંગ માટે છ મહિનાની સજા સાથે 10000નો દંડ, લાઇસન્સ વગર ગાડી ચલાવવા બદલ 5000 નો દંડ! હવે એ સ્વાભાવિક છે કે આટલા મોટા દંડ ક્યારેય લાગુ નથી થયા, હોબાળો તો થવાનો જ હતો! સામાન્ય જનતાની દલીલ એવી છે કે પહેલા વાહન ચલાવવા માટે સારા રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ્સ, ગટરનાં ઢાંકણાનું પ્રોપર ફિટિંગ અને સેફટી તો પુરી પાડો, પછી આવા દંડ લાગુ કરજો! જરા વિચારો, તમે એક્સપ્રેસ હાઇવે પર 300 રૂપિયાનો ટૉલ ટેક્સ ભરો છો,તમે સહકુટુંબ કારમાં જઈ રહ્યા છો અને અચાનક કાર ઉબડખાબડ ખાડાઓ પર થી પસાર થતાં તમે બધા જ હચમચી જાવ છો! તો સરકારની પણ આમાં શું જવાબદેહી બને છે? અમદાવાદ હોય કે રાજકોટ, ચોમાસામાં થોડા જ વરસાદમાં રસ્તાઓ પરથી કોન્ક્રીટ અલગ અને ડામર અલગ!રસ્તાઓ ચંદ્ર પરની સપાટી જેવા થઇ જાય છે! બેંગ્લોરનાં એક ટીચરે તો બાકાયદા સ્પેસ શુટ પહેરીને આવો વિડીયો પણ બનાવ્યો છે! પણ સત્તા સામે બધું જ શાણપણ નકામું, કોઈ તમારી વાતો એમનાં બહેરા કાને નથી અથડાતી કે સંભળાતી! તમે એક વાહન ચાલક તરીકે શું વિચારો છો? તમે ખરેખર સલામતીને ક્યારેય ગંભીરતાથી લીધી છે? તમે હેલ્મેટનાં દંડ થી બચવા માટે લારી પરથી 50 રૂપિયાનું તરબૂચ જેવું હેલ્મેટ ખરીદી લો છો! સૌરાષ્ટ્રમાં તો કોઈ હેલ્મેટ પહેરવું જરૂરી સમજતું જ નથી! એમને એ બંધન લાગે છે, કોઈને વાળ ખરાબ થવાની પડી છે તો કોઈને મોબાઈલમાં વાત ન થાય એની! છોકરીઓ દુપટ્ટો ઢાંકી, બુકાની બનાવીને સ્કુટર ચલાવે છે! હવે જો એ પડશે અને હેમરેજ થઇ જાય તો કોણ જવાબદાર? સ્ટાઇલ મેટર કરે છે કે સલામતી? ઘરે કોઈ રાહ જુએ છે એ તમને ખબર છે, છતાં તમે તમારી જિંદગીને કેટલી સસ્તી બનાવી દીધી છે કે તમે હેલ્મેટ પહેરનાર લોકોની પણ મજાક ઉડાવો છો! નિયમ ન પાળવામાં આપણને બહાદુરીનો અહેસાસ થાય છે! કેમ? તમે ટ્રાફિકનાં નિયમો પાળી શકવાનાં નથી, રાધર પાળવા નથી એટલે વિરોધ કરો છો! ગ્રીન લાઈટની રાહ જોયા વગર સિગ્નલ તોડવું, ડાબી બાજુ વાહન રાખી રસ્તો બ્લોક કરી દેવો, મોબાઈલમાં ચાલુ વાહને વાત કે મેસેજ કરવા, અને ગમે ત્યારે કારનો દરવાજો ખોલી રસ્તા પર થૂંકવું! આ જ બધું આપણા સંસ્કાર અને આદતો બની ગયા છે! જયારે વાત પૈસાની આવે,પાકીટ પર બોજ આવે ત્યારે જ આપણને બધું ભાન થાય છે અને વિચારવાનો સમય મળે છે! તમને રસ્તાની ડાબી બાજુ ટર્ન લેવા ન દે અને આખો રસ્તો રોકી રાખે, લેફ્ટ સાઈડ માટે મુકાયેલા સેપરેટર પૉલ ઉખાડી દેતા કે તોડી નાંખતા ધીટ લોકો પર ગુસ્સો નથી આવતો? રોન્ગ સાઈડ રાજુ થવામાં શેની થ્રિલ આવે છે? કારનો દરવાજો ખોલી થૂંકતા લબાળો માટે નર્કમાં અલગ તાવડો છે? હેલ્મેટમાં મોબાઈલ ઘુસાડીને ચલાવવા ક્યા સ્પેશિયલ સ્કિલ્સ જોઈએ? ઉત્તરાખંડનાં જંગલની આગ, મે મહિનાની ધોમધખતી બપોરે ઝાડ વગર છાંયો શોધતા વલખા મારતા સ્કૂટર ચાલકો જોઈને તમને વધુ અસર કરે છે કે તમારું હેલ્મેટ પહેર્યા વગર બાઈક ચલાવવું? - ભાવિન અધ્યારુ



