શતરંગ / રાગ-દ્વેષ-અહંકારનો કોશેટો છૂટે પછી પ્રસન્નતાની પાંખો ફૂટે છે
- ગીતા Talks ઇન્દ્રિયોને આપણે ત્યાં ઘોડાનું પ્રતિક કહેવાય છ

- ગીતા Talks
ઇન્દ્રિયોને આપણે ત્યાં ઘોડાનું પ્રતિક કહેવાય છે. આપણું જીવન એ રથ છે, મન-હૃદય એ લગામ છે. બસ એના સારથિ પ્રસન્ન પ્રજ્ઞાપુરુષ એવા કૃષ્ણ હોય.
હું હમણાં યુટ્યુબ પર એક વિડીયો જોતી હતી કે ઇયળમાંથી પતંગિયુ બને છે કઈ રીતે...? કુદરતની એ કેવી કરામત છે! પાંદડા કોતરતી ઇયળ એક લાંબા સમય સુધી ઇયળનું જીવન જીવીને એક સમયે પોતાની ઉપરનો કોશેટો છોડી છે. અને ફરી એક જાણે એક પિંડ બની જાય છે. પછી અમુક સમય બાદ જ્યારે એ પિંડમાંથી ફરી બહાર આવે છે ત્યારે એને રંગબેરંગી પાંખો ફૂટેલી હોય છે. થોડા સમય પહેલા જે ઇયળ રહીને રુપિયાનું દોઢ એમ એમ સરકતી હતી, એ હવે પતંગિયુ બનીને મુક્ત હવામાં ઊડે છે. જે ઇયળ પાંદડા કોરી ખાતી હતી એ હવે પતંગિયુ બનીને ફૂલોનો અર્ક માણે છે. તો આ કુદરત છે, જે પોતાના રાગ દ્વેષ અહંકારનો કોશેટો છોડીને સહજ સાધના કરે છે, એને પ્રસન્નતાની પાંખો ફૂટે છે. પછી એ ઇંદ્રિયોના વિષયોનો ઉત્તમ અર્ક પામે છે.
આપણે ‘ગીતા talks’માં ગયા આર્ટીકલમાં બીજા અધ્યાયના ૬૪માં શ્લોક પર વાત વિચારવાની શરુ કરી હતી એમાં કૃષ્ણ કુદરતની આ સુંદરતા વર્ણવે છે. આજે એ વાતને જરા વધુ વિચારીએ. ફરી એકવાર એ શ્લોક યાદ કરી લઈએ...શ્લોક છે:
रागद्वेषवियुक्तै: तु विषयान् ईन्द्रियै: चरन् |
आत्मवश्यै: विधेयात्मा प्रसादम् अधिगच्छति || 2. 64||
આપણે અગાઉ શ્લોકનું શબ્દશ: ભાષાંતર સમજ્યા હતા, આજે બસ સરળ ભાવનુવાદ જોઈએ તો અહીં કૃષ્ણ કહે છે કે, “જે માણસ આત્મસંયમી છે, જેની ઇન્દ્રિયો રાગ અને દ્વેષથી મૂક્ત છે એવો મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોને ભોગવતા પ્રસાદ એટલે શાંતિ અને પ્રસન્નતા પામે છે.”
ઇન્દ્રિયોને આપણે ત્યાં ઘોડાનું પ્રતિક કહેવાય છે. આપણું જીવન એ રથ છે, મન-હૃદય એ લગામ છે. બસ એના સારથિ પ્રસન્ન પ્રજ્ઞાપુરુષ એવા કૃષ્ણ હોય. ગીતા joyfullness-પ્રસન્નતાનો મહિમા ગાય છે. કેમ કે ગીતા ગાનારના મુખ પર હમેશા એક સુંદર સ્મિત રહેતું જ ને. એ યોગેશ્વર કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા ય કરે, એ માખણ ય ચોરે છે, એ હળવોફૂલ ગોકુળનો ગોવાળ પણ સ્થિતપ્રજ્ઞ પણ છે.
ગુણવંત શાહ સાહેબ એક સરસ વાત લખે છે કે, "અંદરની પ્રસન્નતાના છોડવે સ્મિતનું પુષ્પ ઊગે તો જાણવું કે સાધના સાચી દીશામાં છે. સાધુ અને પ્રસન્નતા વચ્ચે અણબનાવ હોય જ ના શકે." અહી આપણે સાધુ કે સાધનાની વાત કરીયે ત્યારે એનો અર્થ કોઈ ખાસ કપડાં પહેરીને ઘર છોડીને નીકળી જવું એવો નથી. કૃષ્ણ કહે છે એવા સાધુત્વ અને કપડાને કોઈ લેવાદેવા નથી. કૃષ્ણ કહે છે કે એવો સાધુ તો જીન્સ-ટીશર્ટમાં હોય શકે અને સલવાર કમીઝમાં પણ હોય શકે. કૃષ્ણ પોતે જ જુવો ને કેવું સુંદર પીતાંબર, મુકુટ, મોરપીંછ ધારણ કરે છે. ઇવન આજે ભક્તો એને કેવા સરસ વાઘા પહેરાવે છે, કેવા સુંદર શણગાર કરે છે. કેવા અદભૂત થાળ ધરે, કેવા સુગંધિત ધૂપ દીપ કરે છે. તો આમાં સોગિયા મોઢા થાય એવા દમન તો કોઈ કન્સેપ્ટ જ નથી.
સદગુરુ જગ્ગી વસુદેવને લખેલી 'ઇનર એંજિનયરિંગ પુસ્તકની શરૂઆત એક જોકથી થાય છે. કોઈપણ ફિલોસોફી વચ્ચે ક્યાંક ક્યાંક હાસ્યની હળવાશ હોવી જ જોઈએ, જેમ ઓશો મુલ્લા નસિરુદ્દીનના પાત્રને લઈને એ હળવાશ જાળવતા, એમ સદગુરૂનું એવું સાઉથઇન્ડીયન પાત્ર છે શંકરનપિલ્લઇ...
એકવાર શંકરન પિલ્લઇની દવાની દુકાનની બહાર એક માણસ લાઈટના થાંભલાને એકદમ પકડીને ઉભેલો છે. એના મોઢાના હાવભાવ એકદમ વિચિત્ર છે. બીજો ગ્રાહક શંકરન પિલ્લઈને પૂછે કે, “પેલા ભાઈ કોણ છે? તેને શું થયું છે?”
શંકરન પિલ્લઈ જવાબ આપે છે કે : એ તો મારો ગ્રાહક છે, એને ઉધરસ થઇ છે. તો મેં એને દવામાં જુલાબનો એક ડબ્બો આપ્યો હતો.”
પેલો ગ્રાહક કહે કે : “ઉધરસ માટે જુલાબ? તમે એને આવું શું કામ આપ્યું?” પિલ્લઈ કહે છે કે, “અરે તમે એને જોયો ને.. તમને લાગે છે કે એ હવે ઉધરસ ખાવાની હિમ્મત કરશે?”
આ જોક મૂકીને પછી સદગુરુ લખે છે કે આજે આપણા ઘણા પ્રોબ્લમ્સ માટે ગુરુઓ જે ઉપાયો બતાવેછે એ આ શંકરનપિલ્લાઈની દવા જેવા છે. આવા જુલાબ જેવા ઉપાયોમાં પ્રસન્નતા કેવી રીતે ખીલે?
ગીતા વિચાર:
આપણે પરાણે મીઠું કે ગળ્યું છોડવાનો સંકલ્પ લઈએ જુદી વાત છે, અને આપણે પોતાની મસ્તીમાં હોઈએ અને જમવામાં મીઠું ના હોય એનો ખ્યાલ ના રહે એ જુદી વાત છે. કોઈ અત્યંત ભાવતી વસ્તુ આપણી સામે આવી જાય તો એ વસ્તુના સ્વાદ સામે આપણે લાચાર થઈએ છીએ કે આપણો પોતાનો પર કંટ્રોલ રહે છે એ મહત્વનુ છે.
- મિલી મેર








