મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / કહેતા હૈ જોકર સારા જમાના, આધી હકીકત આધા ફસાના...

- છલકા યે જામ... મુંબઈમાં હોઈએ ત્યારે કાલાઘોડાની ‘વે સાઈડ ઇન’ નામની રેસ્ટોરાંમાં જમવા

શતરંગ / કહેતા હૈ જોકર સારા જમાના, આધી હકીકત આધા ફસાના...

- છલકા યે જામ...

મુંબઈમાં હોઈએ ત્યારે કાલાઘોડાની ‘વે સાઈડ ઇન’ નામની રેસ્ટોરાંમાં જમવા જતા. એ હંમેશા વચ્ચેના ટેબલ પર જ બેસતા, અને બધા જ કૂકસ બહાર આવીને એમને મળી જતા. એ બધા જ રાજસા’બની પીઠ પર ધબ્બો મારીને પૂછતા, ‘રાજ, કૈસા હૈ ? બહોત ટાઈમ કે બાદ આયા.’ એમની વચ્ચેની આ કેમિસ્ટ્રી જોઈને મને નવાઈ લાગતી. પછી મને ખબર પડી કે રાજસા’બ નાનપણથી ત્યાં આવતા અને એ વખતે પણ આ જ સ્ટાફ ત્યાં હતો. રેસ્ટોરાંનું મેનુ ટિપિકલી બ્રિટિશ હતું. મેં એમને એ રેસ્ટોરાં પસંદ કરવાનું કારણ પૂછયું. એમણે કહ્યું, “હું અહીં આવું છું અને આ જ ટેબલ પર બેસું છું એનું એક ખાસ કારણ છે. ડૉ. આંબેડકરે આ જ ટેબલ પર બેસીને ભારતનું બંધારણ લખેલું. મને મારા કામ માટે પ્રેરણા મળે એ માટે હું અહીં બેસું છું.”

*****

    મેરા નામ જોકર બૉક્સ ઓફીસ પર સફળ ન થઈ ત્યારે એમણે કહ્યું, ‘એક ડિરેકટર માટે એની ફિલ્મો એના સંતાન જેવી હોય છે. મા પોતાના બાળકને જન્મ આપે છે અને એમને ઉછેરવા માટે ઉત્સાહપૂર્વક, પોતાનાથી બને એ બધા પ્રયાસ કરે છે. એની એ જ મહેચ્છા હોય છે કે પોતાનાં બાળકો જીવનમાં સફળ થાય. એને એમ લાગે કે એક બાળક બીજાં જેટલું કાબેલ નથી અને જીવનની સફરમાં પાછળ રહી ગયું છે તો એ કઈ એને તરછોડી દેતી નથી. નબળા બાળકને એ ઉલટો વધુ પ્રેમ કરે છે. ‘મેરા નામ જોકર’ મારે માટે એ નબળા બાળક જેવી છે. મેં એને પુરી ઈમાનદારીથી બનાવી હતી પણ એ ફિલ્મ પ્રેક્ષકો સાથે નાતો જોડી ન શકી. એ હંમેશા મારા દિલની કરીબ રહેશે; કદાચ બીજી ફિલ્મોથી પણ વધારે કરીબ. એની નિષ્ફળતાની રાખમાંથી મારે પેલા ફિનિક્સ પક્ષીની જેમ બેઠા થવાનું છે, અને દુનિયા જીતવાની છે !’

*****

 રાજસા’બે નવી ફિલ્મ બોબી બનાવવાનું નક્કી કરી લીધું હતું અને યુનિટને આ ફિલ્મનો આઈડિયા કહ્યો એ સાંભળીને આર.કે.ના ફાઇનેન્સ કન્ટ્રોલર રમણસા’બ ઉછળી પડ્યા અને આ આઈડિયાનો વિરોધ કર્યો, “ કંડમ, કંડમ ! નોનસેન્સ. વેરી બેડ. વાર્તા સારી છે પણ એમાં ખૂબ ખર્ચો થશે. ચીંટૂ અને હિરોઇન બન્ને નવા હશે તો એ માટે પૈસા કોણ આપશે ? ચીંટૂ માટે બીજી ઓછા ખર્ચાવાળી ફિલ્મનું પછી વિચારીશું. પણ હમણાં તો ‘મેરા નામ જોકર’ની ખોટ ભરપાઈ કરવા માટે સોલિડ સ્ટાર-કાસ્ટ જોઈશે. તો જ ડિસ્ટ્રીબ્યુટર્સ આપણને પૈસા આપશે અને દેવું ચૂકતે થશે. લવર્સના રોલ માટે તમે ધરમ અને હેમાનો વિચાર કેમ નથી કરતા ?”

     રાજસા’બે ગુસ્સામાં જવાબ આપ્યો, “ધરમ અને હેમા ટીનેજરનો રોલ કરશે ? રમણસા’બ, ‘મેરા નામ જોકર’ નિષ્ફળ ગઈ એમાં નુકશાન મારુ થયું છે, છતાં મારુ દિમાગ ઠેકાણે છે. પણ તમારું દિમાગ ખરાબ થઈ ગયું લાગે છે. હું એક ફિલ્મસર્જક છું અને એને લીધે જ મને ઈજ્જત, માન અને આ સ્ટુડિયો બનાવવા પૈસા મળ્યા છે. એક સાચા ફિલ્મસર્જક માટે પૈસો ગૌણ વસ્તુ છે. હું જયારે  ફિલ્મ બનાવતો હોઉં છું ત્યારે ખાતા, પીતા, શ્વાસ લેતા એના જ વિચારો કરતો હોઉં છું. અત્યારે હું આ ટીનએજ લવસ્ટોરી માટે જ જીવી રહ્યો છું. એ માટે હું મારી એક એક પાઈ દાવ પર લગાડી દઈશ. મારી પાસે જે કંઈ છે એ ગિરવી મૂકી દઈશ અને એટલું પૂરતું નહીં હોય તો હું ભીખ માંગીશ, ઉછીના લઈશ, અરે ચોરી પણ કરીશ, પણ આ ફિલ્મ હું બનાવીને જ રહીશ. તમે લખી રાખો કે એક ફિલ્મ નિષ્ફળ જવાથી મારી ટેલેન્ટ ખતમ નથી થઈ ગઈ. આ ફિલ્મ હું પુરી ઈમાનદારીથી બનાવીશ. એ પણ પીટાઈ જશે તો ફરી પૈસા લાવીશ અને ફરી ફિલ્મ બનાવીશ. એટલે આજ પછી આ રૂમમાં કોઈ પૈસાનું નામ પણ નહીં ઉચ્ચારે.”

*****

     રાજકપૂર ધ ગ્રેટ શોમેન કઈ અમસ્તા નહોતા બની ગયા,એ ખરેખરા સર્જક હતા જેમનામાં એક વિઝન અને એક પાગલપન હતું ફિલ્મો વિશે. આવા સર્જકોની કમી જ આજના બૉલીવુડને પછાડ આપે છે.

“સિનેમા એક ધર્મ જેવું છે. એ તમને શાંતિ અને સંતોષ આપે છે, શરત એટલી જ છે કે તમારામાં સમર્પણની ભાવના હોવી જોઈએ. કોઈએ કોઈની ભક્તિના માર્ગમાં અડચણ પેદા ન કરવી જોઈએ. હું મારી ફિલ્મો દ્વારા પણ પ્રેક્ષકોને આલ્હાદનો અનુભવ થાય એવા પ્રયત્ન કરું છું. એમને જ્યારે સાંત્વન જોઈતું હોય ત્યારે એ લોકો સિનેમા તરફ એટલે જ ખેંચાઈ આવે છે.”

*****

 ‘બોબી’ ફિલ્મનું કાશ્મીરનું શૂટિંગ શેડ્યુલ પુરુ થયું એટલે રાજકપૂર અને એમના પત્ની ક્રિષ્નાજી વૈષ્ણદેવીના દર્શન કરવા ગયા કારણકે ક્રિષ્નાજીનો આગ્રહ હતો. અગાઉની ફિલ્મ ‘મેરા નામ જોકર’ ફ્લોપ થઈ ગયેલી અને દેવામાં ડૂબી ગયેલા રાજકપુરની નવી ફિલ્મ ‘બોબી’ હિટ થાય  એ માટે માતાજી ના દર્શન કરવાનું ક્રિષ્નાજી એ આયોજન કરેલું. રાજકપુરે કહ્યું છે કે, ‘હું બહુ ધાર્મિક પ્રકૃતિનો માણસ નથી તો પણ હું કોઈ ભેદભાવ વગર બધા જ ધાર્મિક સ્થળો એ જતો હોઉં છું.’

     ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતાં ને કારણે  એમના જુના ડિસ્ટ્રીબ્યુટર્સ  એમનાથી ભાગતા હતા અને ‘બોબી’ ફિલ્મ માટે રાજકપુરે એક ટેરેટરીના બાર લાખ રૂપિયાનો ભાવ કાઢેલો ! પણ બીજા નવા લોકો રાજકપૂરની શરતોએ હક્કો ખરીદી ગયા અને તમામ ટેરેટરી વેચાઈ ગઈ એ વાત ક્રિષ્નાજીને ખબર પડી એટલે તેઓ બહુ રાજી થઈ ગયા અને આ બાબતનું તમામ શ્રેય એમણે વૈષ્ણોદેવીની કૃપાને આપ્યું ! આ બાબત જ્યારે રાજકપૂરને પૂછવામાં આવ્યું ત્યારે રાજસા’બે હસીને કહ્યું, “આ એની શ્રધ્ધા છે. અને એનાથી કેટલાય લોકોમાં આશાનો સંચાર થાય છે. હું લોકોની શ્રદ્ધાનો હમેશાં આદર કરું છું. પણ જે ધર્મ મારી અંદર શ્રદ્ધાનો સંચાર કરે છે એ છે ‘સિનેમા’”

     હિન્દી ફિલ્મજગતના મહાન એકટર દિલીપકુમારને જ્યારે એક વખત એમની એકટર તરીકેની મહાનતા માટે જાહેરમાં પ્રશંસાના ફૂલો ચડતા હતા ત્યારે ખુદ દિલીપકુમારે જાહેરમાં કહેલું કે, હિન્દી ફિલ્મજગતમાં મહાન કહેવા હોય તો એ ઉમદા સર્જક રાજકપૂર છે ! અને એ જ મહાન સર્જક રાજકપૂર જ્યારે દિલીપકુમાર અને અમિતાભની ‘શક્તિ’ ફિલ્મ જોઈ આવ્યા અને તરત દિલીપકુમારને ફોન કરીને એક અદભૂત વાક્ય કહ્યું કે, ‘ લાલે, બાદશાહ આખિર તક બાદશાહ રહેતા હૈ ! ‘

     અહીંયા લખેલી મોટાભાગની વિગતો રાહુલ રવૈલના રાજકપૂર વિશેના પુસ્તકમાં છે અને અમુક જુદી જગ્યાએ વાંચેલી યાદદાસ્ત આધારે લખી છે પણ શબ્દ રૂપાંતરણ મારુ છે.

- હકીમ રંગવાલા

આ સમાચાર શેર કરો