મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / સાહિત્યજગતના સપ્તરંગી આકાશ: ટાગોર

- શબ્દ ઝણકાર 7મી મે, એટલે ‘ગુરુદેવ’ દિવસ. અર્થાત રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ. કલકત્તા રહેવાસી ટા

શતરંગ / સાહિત્યજગતના સપ્તરંગી આકાશ: ટાગોર

- શબ્દ ઝણકાર

7મી મે, એટલે ‘ગુરુદેવ’ દિવસ. અર્થાત રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ. કલકત્તા રહેવાસી ટાગોર એક કવિ, નવલકથાકાર, નાટ્યકાર, સંગીતકાર, દાર્શનિક, સમાજ સુધારક, ચિત્રકાર, ફિલોસોફર હતા. સાહિત્યજગતની તમામ કળાઓથી માં સરસ્વતીના વરદાનથી વરેલા હતા. રવીન્દ્રનાથ ટાગોર એશિયામાંથી “ગીતાંજલિ” માટે નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા.

રવિન્દ્ર સંગીતના પ્રવર્તક કહો, કે “ગીતાંજલિ” માટે પુરસ્કૃત ‘નોબેલ વિજેતા’. ટાગોર કોઈ પણ કલા કે સાહિત્યના વિષય વૈવિધ્યથી વંચિત રહ્યાં નથી. ભારતના સર્વશ્રેષ્ઠ બંગાળી કવિથી લઈને ખ્યાતનામ નવલકથા ક્ષેત્રે, નાટ્ય ક્ષેત્રે, ચિત્રકલા કે પછી દાર્શનિક અને સમાજ સુધારણાના પાસાઓથી ભારતને મબલખ પ્રમાણમાં સર્વોત્તમ એવું સાહિત્ય, સંગીત અને કલા વારસો આપ્યો છે.

‘કડિ ઓ કોમલ’થી બંગાળી કવિતામાં નવી ધારાનો પ્રારંભ કરે છે. તેમાંની “પ્રાણ” નામની કવિતાની આ પંક્તિમાં ટાગોરનું જાણે સમગ્ર જીવન દર્શન થાય છે:

મરિતે ચાહિ ના આમિ સુન્દર ભુવને,
માનવેર માઝે આમિ બાંચીબારે ચાઇ.

અર્થાત, “આ સુંદર વિશ્વમાં મને મારવાની ઈચ્છા નથી થતી, મનુષ્યની વચ્ચે હું જીવવા ચાહું છું.”

તો, કવિ પ્રત્યેનો પ્રેમ ‘આરોગ્ય’ની પહેલી કવિતામાં વ્યક્ત કરતા કવિ કહે છે:

'એ દ્યુલોક મધુમય, મધુમય પૃથિવીર ધૃતિ.’

અર્થાત, “આ જગત મધુમય છે, મધુમય છે આ ધરતીની ધૂળ. આ ધરતીનો છેલ્લો સ્પર્શ લઈને જ્યારે જઈશ ત્યારે કહેતો જઈશ કે ધરતી, તારી ધૂળનું તિલક મારે કપાળે ચોડેલું છે.”

વાર્તાઓનાં વિષયમાં જેમ વિવિધતા જોવા મળે છે, તેમ ચરિત્રોમાં પણ સભર અને સંપૂર્ણ રહ્યાં છે. ‘કાબુલીવાલા’ની મીની હોય, કે પછી ‘પોસ્ટમાસ્તર’ની રતન, કે ‘અતિથિ’ના તારાપદને કોઈ ભૂલ્યું ખરું? આ તમામ વાર્તાઓનો પ્રધાન સુર “ટ્રેજીક” છે.

તો નવલકથાઓમાં પણ 12 જેટલી નાની મોટી કથાઓ લખી છે. બંગાળનાં બંકિમચંદ્ર પછી રવીન્દ્રનાથે આ સ્વરૂપને ઉચ્ચ શિખરે પહોંચાડ્યું છે.  એમાંની ‘ઘરે બાહિરે’ એની ટેક્નિક અને ભાષાશૈલીનાં ઓવારણાં લેવા જેવાં છે. આ કથાને કાકાસાહેબે ‘રાષ્ટ્રદ્ધારક’ કહી છે. જોકે હવે તો નેટફ્લિક્સ અને એપિક ચેનલમાં ટાગોરની વાર્તાઓનું પ્રસારણ પણ કરવામાં આવે છે જે “સ્ટોરીઝ બાય રવીન્દ્રનાથ ટાગોર”થી ખુબ વખણાયેલી છે. જેમાં નીચે મુજબની વાર્તાઓ સિરીઝ રૂપે દેખાડવામાં આવી છે:

ઢાઈ અક્ષર પ્રેમકા, માનભંજન, મોનીહરા, પનિશમેન્ટ, ચોખેરબાલી, ત્યાગ, આ મુસ્લિમ ગર્લ, બ્રોકન નેસ્ટ, અતિથિ, સમાપ્તિ, મૃણાલ કી ચિઠ્ઠી, અપરિચિત, કાબુલીવાલા વગેરે.

હવે એક એવું પાસું જેનાં વગર કદાચ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં અધૂરપ જણાય એમ હોત. હા, વાત કરવી છે રવિન્દ્ર સંગીતની. આ સંગીતનું નિર્માણ તેમણે પોતે કર્યું છે. મુખ્ય હેતુ ભાવોને જીવંત રાખવા માટે કરવામાં આવ્યું. ટાગોર પોતે મહાન કવિ હોવાથી તેમનાંથી એક પણ ભાવ વંચિત રહ્યો નથી. આ તમામ ભાવોને સંગીતમાં પરોવ્યા અને જીવંત કર્યા. આથી, રવિન્દ્ર સંગીત ભાવ અભિવ્યક્તિનું સંગીત છે. એમની તમામ રચનાઓ ‘ગીતવિધાન’માં સંકલિત થયેલ છે. એમણે પોતાના ગીતોને 6 પર્યાયોમાં વિભાજીત કર્યા છે:

પૂજા, સ્વદેશ, પ્રેમ, પ્રકૃતિ, વિચિત્ર, અનુષ્ઠાનિક. ભારતના તેઓ “ભાગ્ય વિધાતા” તો છે જ, પરંતુ તેમણે એક નહીં, 3 દેશોનાં રાષ્ટ્રગીત લખીને ત્રણેય દેશોને તાર્યાં છે. જી હા, સૌપ્રથમ ભારતનું “જન ગણ મન” જે મુખ્યરૂપથી “ભારતો ભાગ્યો બિધાતા” બંગાળીમાં લખાયેલું. બીજું, બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત “અમાર શોનાર બાંગ્લા” અને શ્રીલંકાનું “શ્રીલંકા મથા”. આમ, ટાગોરની કલમના લસરકે ત્રણ દેશો સમૃદ્ધ થયા છે એમ કહી શકાય.

રવીન્દ્રનાથ ટાગોર પાસેથી શીખવા માટે જીવન-પરિવર્તનશીલ પાઠ:

1: પગલાં લો. "તમે ફક્ત ઉભા રહીને અને પાણીને જોઈને સમુદ્ર પાર કરી શકતા નથી."

2: આશા ન ગુમાવો. "જો હું તેને એક દરવાજામાંથી ન બનાવી શકું, તો હું બીજા દરવાજામાંથી જઈશ- અથવા હું એક દરવાજો બનાવીશ. વર્તમાન ગમે તેટલો અંધકારમય હોય તો પણ કંઈક અદ્ભુત આવશે."

3: નિર્ભય બનો. "મને જોખમોથી આશ્રય મેળવવા પ્રાર્થના ન કરવા દો,
પરંતુ તેમનો સામનો કરવામાં નિર્ભય રહેવું.
મને મારી પીડા શાંત કરવા માટે ભીખ ન માંગવા દો, પરંતુ
હૃદય તેને જીતવા માટે."

4: તમારા વિચારોને ફ્લિપ કરો. "આપણે દુનિયાને ખોટું વાંચીએ છીએ અને કહીએ છીએ કે તે આપણને છેતરે છે."

5: દુ:ખને વળગી ન રહો. "જો તમે રડશો કારણ કે સૂર્ય તમારા જીવનમાંથી નીકળી ગયો છે, તો તમારા આંસુ તમને તારાઓ જોવાથી અટકાવશે."

આમ તો, ટાગોર પાસેથી શીખવા જેવું અખૂટ છે પણ તેમના જન્મજયંતિ વિશેષ આ લેખ સાથે એ જ સંદેશો આપીશ કે ટાગોરે ફક્ત ભારત જ નહિ, સમગ્ર દેશને પોતાની કવિતા, સંગીત અને પ્રકૃતિ પ્રેમથી અખંડ મોહકતા આપી છે જેને આપણે ચોક્કસપણે ઉજવીએ અને જીવનમાં તેમનાં મૂલ્યનિષ્ઠ વિચારોને અપનાવીએ.

- પાયલ અંતાણી

આ સમાચાર શેર કરો