શતરંગ / મરણોત્તર જાહેર થયેલો ખિતાબ અંતે જીવંત બહાદુર સૈનિકને પ્રદાન થયો
- યુધ્ધ ગાથા ઉમર ઓગણીસ વર્ષ: પંદર બુલેટ અને બે હાથગોળાના જખમો: ચામડીના આધા

- યુધ્ધ ગાથા
ઉમર ઓગણીસ વર્ષ: પંદર બુલેટ અને બે હાથગોળાના જખમો: ચામડીના આધારે લટકી રહેલો: એક હાથ
એ શૂરવીરના કસાયેલા શરીર પર શત્રુની ગોળીઓના પંદર ઘાવ થયેલા. બીજા બે લોહિયાળ ઘાવ હૅન્ડ ગ્રેનેડની કરચોએ (Shrapnel) કર્યા. દુશ્મનની મશીનગનમાંથી છૂટેલી વેધક ગોળીઓએ સૂબેદાર મેજર યોગેન્દ્રસિંહ કરણસિંહ યાદવના એક હાથને વીંધી નાખ્યો. હવે તે હાથ કેવળ ખભાથી હાથને જોડતી ચામડીના આધારે લટકતો હતો. દરેક ઘાવમાંથી લોહી વહેતું હતું. ઘવાયેલો હાથ હલનચલન કરવા શક્તિમાન ન હતો. સૂબેદાર મેજર યોગેન્દ્રસિંહ યાદવે ઘવાયેલો હાથ જાતે કાપીને શરીરથી અલગ કરવાની નિષ્ફળ કોશિશ પણ કરી. અંતે, ઘાયલ હાથને પીઠના ભાગે બેલ્ટમાં ભરાવીને દુશ્મન સામે બાથ ભીડવા જોમ સાથે તૈયાર થઈ ગયા.
યોગેન્દ્રસિંહ કરણસિંહ યાદવનો જન્મ તારીખ 10મી મે 1980ના દિવસે ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના ઔરંગાબાદ અહિર મુકામે થયો હતો. વીરત્વ જાણે યાદવ કુટુંબના લોહીમાં વહેતું હતું. યોગેન્દ્રસિંહ યાદવના પિતા શ્રી કરણસિંહ યાદવ ભારતીય સૈન્યની કુમાઉ રેજિમેંટમાં સેવારત હતા. ભારત-પાકિસ્તાનનાં સાલ 1965 અને 1971ના યુધ્ધોમાં ભાગ લઈ ચુકયા હતા. મોટા ભાઈ જીતેન્દ્ર સિંહ યાદવ આર્ટિલરી રેજિમેંટમાં ફરજ બજાવતા હતા. યોગેન્દ્રસિંહ યાદવે માત્ર 16વર્ષની ઉમરે ગ્રેનેડિયર તરીકે ભારતીય સૈન્ય સાથે જોડાયા હતા. ઘરમાં પહલેથી જ બે વ્યક્તિઓ ફોજમા હતી. યોગેન્દ્રસિંહ યાદવના માતાએ માતા સહજ વાત્સલ્યના કરને તેમને સૈન્યમાં ભરતી થતાં પહેલા રોકવાનો પ્રયત્ન પણ કર્યો હતો. અંતે, યોગેન્દ્રસિંહ ધાર્યું કરીને રહ્યા. મિલિટરીમાં ભરતી થઈ ગયા.
પાકિસ્તાનનો સદૈવ બદ ઇરાદો રહ્યો છે કે, ભારતમાં અવ્યવસ્થા ફેલાવવી. મોકો મળ્યે ભારતની જમીન પર કબજો જમાવવા કાયમ અટકચાળા ચાલુ રાખવા. કશ્મીરનો કારગિલ વિસ્તાર પર્વતમાળાથી ઘેરાયેલો વિસ્તાર છે. ઊંચા પર્વત શિખરો પર ભારતની લશ્કરી ચોકીઓ હોય છે. તે ચોકીઓને કશ્મીરના હાડ થીજાવતા શિયાળા દરમિયાન ખાલી કરીને આપણાં સૈનિકો નીચે આવી જતાં હોય છે. આવા એક શિયાળા દરમિયાન પાકિસ્તાને ખાલી પડેલી ભારતીય ચોકીઓનો ગેરલાભ લીધો. પોતાના સૈનિકોને કશ્મીરી આતંકવાદીઓના વેશમાં મોકલીને ટાઈગર હિલ નામક ચોકી પર ઘુસણખોરી કરી. ભારતની જમીન પર ઘુસણખોરી કરીને પડકાર ફેંક્યો હતો. આ રીતે પાકિસ્તાને એક કરતા વધુ ઉત્તુંગ શિખરો પર કબ્જો જમાવ્યો હતો. શિયાળાના કારણે ચોકીઓ ખાલી હતી. ઘૂસણખોરીની માહિતી જ ભારતને ન હતી. એક ભારતીય ભરવાડે ઘુસણખોરી અંગે આપણાં સૈન્યને માહિતી આપી હતી.
પાકિસ્તાને કબજો જમાવેલા શિખરોમાં ટાઈગર હિલનો પણ સમાવેશ થતો હતો. 16,500 ફૂટની ઊંચાઈ પર ટાઈગર હિલનો કબજો ફરી મેળવવો તે ફરજ તો હતી જ, સાથે વ્યૂહાત્મક રીતે મહત્વનું હતું. તે મિશન ઇમ્પોસિબલ યોગેન્દ્રસિંહ યાદવની બટલિયન 18 ગ્રેનેડિયર્સને સોંપવામાં આવ્યું હતું. તેમની પ્લાતૂનને ‘ઘાતક’ નામ આપવામાં આવ્યું હતું. નામ તેવા ગુણ ધરાવતી ટીમના કેપ્ટન બળવાન સિંઘ હતા.
ટાઇગર હિલ પરથી શત્રુનો સફાયો કરવા જુલાઈ 1999ની ત્રીજી અને ચોથી તારીખે હુમલો કરવાની રણનીતિ તય કરવામાં આવી. ટાઇગર હિલ પર શત્રુઓએ રચેલા ત્રણ બંકરોનો ખાતમો બોલાવવાનું કામ યોગેંદ્ર સિંહની આગેવાની હેઠળ પૂરું કરવાનું હતું. દુશ્મન વ્યૂહાત્મક રીતે આપણાં કરતાં વધુ ઊંચાઈ પર સ્થિત હતા. ભારતીય જવાનોની હિલચાલ સરળતાથી જોઈ શકે તેમ હતા. ભારત માટે દુશ્મને કબજે લીધેલી ચોકીઓ સુધી પહોંચવું જરૂરી હતું. તેમ કરવા માટે નેવું અંશે ઊભેલી પર્વતીય દીવાલ પાર કરવી પડે તેમ હતી. જે એક જોખમી માર્ગ હતો. પૂર્વ દિશાને બાદ કરતાં ત્રણેય દિશામાં શત્રુનું આધિપત્ય હતું.
ભારતીય યુધ્ધનીતિકારોએ પૂર્વ બાજુથી જ હલ્લો બોલાવવો તેમ ઠેરવ્યું. તારીખ 4 જુલાઈ 1999ના રાત્રે આઠ વાગ્યે યોગેન્દ્ર સિંહ અને તેમની ‘ઘાતક’ પ્લાતૂનના બીજા બે શૂરવીરોએ કામનો આરંભ કર્યો. ચઢાણ કપરું હતું. દુશ્મનોએ કબજે કરેલા બંકરો એક હજાર ફિટની ઊંચાઈ પર હતા. ત્યાં સુધી પહોંચવાના માર્ગ પર બરફ છવાયેલો હતો. યોગેંદ્ર સિંહે રોક ક્લાઈમ્બિંગના ખાસ દોરડા વડે ઉપર ચઢવાનું ચાલુ કર્યું. આશરે નવસો પચાસ ફિટ ચઢ્યા બાદ પાકિસ્તાનીઓએ યોગેંદ્ર સિંહની ચહલ-પહલ માપીને મશીનગન અને રોકેટનો હુમલો કર્યો. દુશ્મનના હુમલામાં યોગેન્દ્ર સિંહે પોતાની પ્લાતૂનના કમાન્ડર અને અન્ય બે જાંબાઝ સાથીઓ ગુમાવવા પડ્યા. યોગેન્દ્ર સિંહને પણ પાકિસ્તાની બુલેટે ઝખમી કર્યા હતા. ઝખમી હાલતમાં યોગેન્દ્ર સિંહ હીમત ન હાર્યા. હાડ થીજાવતી ઠંડીમાં બાકીનું અંતર કાપીને શિખર સુધી પહોંચી ગયા. કોણીઓથી ઢસડાતાં આગળ વધીને દુશ્મનના એક બંકરમાં ગ્રેનેડનો વાર કરવામાં સફળ થયા. બંકરમાં ગ્રેનેડનો વિસ્ફોટ થતાં જ ચાર પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. શત્રુઓ તરફથી થતી ગોળીઓની વર્ષા બંધ થતાં જ પલટનના બીજા સભ્યોને શિખર સુધી આવવાનો મોકો મળી ગયો. બંને પક્ષે ઘમાસાણ ચાલુ થઈ ગયું. ભારતીય સૈનિકોએ પાકિસ્તાની સૈનિકોને વીણી વીણીને હણ્યા. હવે ભારત માટે ટાઈગર હિલ પર કબજો પ્રસ્થાપિત કરવો હાથવેંતમાં હતો.
ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવની વાત કરીએ. યાદવ ચઢાઈ દરમિયાન જ ઘાયલ થયેલા. ભીષણ સંગ્રામ દરમિયાન યાદવ ફરી ગોળીઓનો ભોગ બન્યા. ભારતના પક્ષે હવે કેવળ સાત સૈનિકો બચ્યા હતા. દુશ્મનની ચાલ સમજવા સાતેય સૈનિકો શિલાની ઓથે વીસ પચીસ મિનિટો માટે નિષ્ક્રિય રહ્યા. ભારત તરફથી નિષ્ક્રિયતાના લીધે દુશ્મનોએ ધાર્યું કે સૈનિકો માર્યા ગયા છે. તેમનો દારૂગોળો ખતમ થઈ ગયો છે. જાત તપાસ કરવા દસ પાકિસ્તાની સૈનિકો આવ્યા. તેમના આવતા જ સાતેય સૈનિકોએ મશીનગનથી હુમલો કર્યો. પાકિસ્તાનનાં દસ પૈકી આઠ સૈનિકો માર્યા ગયા. બચેલા બે સૈનિકો ભાગી છૂટવામાં સફળ થયા. યાદવ ઘાયલ હાલતમાં એક શીલાની ઓથે બેઠા હતા. તેવામાં જ તેમનું ઘ્યાન ગયું કે ઉપરના ભાગે પાકિસ્તાનનાં સાત સૈનિકો હતા. પાકિસ્તાની સૈનિકોએ યાદવ તરફ હાથગોળો ફેંક્યો. હાથગોળાની કરચ તેમના નાકના હાડકાને વીંધતી જમણી તરફના ગાલ ફાડતી પસાર થઈ ગઈ. યાદવનો ચેહરો શૂન થઈ ગયો. આંખોથી દેખાતું બંધ થઈ ગયું. એક ક્ષણ માટે તો યાદવ માની બેઠા કે આંખોનું તેજ ગયું. થોડીવાર પછી આંખો ખોલી તો જોયું કે નાકમાંથી લોહી વહેવું ચાલુ હતું. મોકો સાધીને યાદવ એક બીજા સૈનિક પાસે ગયા. વિનંતી કરી કે જરા ફર્સ્ટએઇડ કરી આપો. સાથી મિત્ર ફર્સ્ટએઇડનું પોલીથીન દાંત વડે તોડીને રૂ વગેરે કાઢે તે પહેલા જ એક બુલેટ આવીને સાથીનું લમણું વીંધતી ગઈ.
એક તરફ ઘાયલ શરીર હતું , લોહી સતત વહેતું હતું તેવામાં જ પાકિસ્તાની સૈનિકો ફરી આવી ચઢ્યા. ભારતીય મૃત સૈનિકો પર ફરી ગોળીઓ વરસાવવા લાગ્યા. યાદવના હાથ, સાથળ અને પગમાં એક એક બુલેટ મારી. પાકિસ્તાની સૈનિકો પરત થઈ રહ્યા હતા. તેવામાં જ એક સૈનિકે પાછું ફરીને યાદવની છાતી પર એક બુલેટ છોડી. ફિલ્મી લાગે પરંતુ હકીકતમાં યાદવના ખિસ્સામાં રહેલા પાંચ રૂપિયાના સિક્કાઓએ તેમનો જીવ બચાવ્યો. યાદવે ગંભીર હાલતમાં પણ એક હેન્ડગ્રેનેડ પાછા ફરી રહેલા સૈનિકો તરફ ફેંક્યો. તે ગ્રેનેડ પાકિસ્તાની સૈનિકની ગરમ વસ્ત્રોની હૂડમાં પડ્યો. તે સૈનિક પાછળ જોઈને કઈ સમજે, તે પહેલા તો ગ્રેનેડ ફાટયો અને પાકિસ્તાની સૈનિકનું માથું ઉડીને યાદવ તરફ દડી આવ્યું. સંગ્રામ દરમિયાન યાદવે દુશ્મનોની ભારેખમ તૈયારીઓના ચિહ્નો જોયા હતા. તે નીચે કંટ્રોલ રૂમમાં જણાવવું જરૂરી હતું. યાદવે નીચે તરફ જવા એક સાંકડી પગદંડી જેવા રસ્તે નીચેનો પ્રવાસ કરવાનું વિચાર્યું. તેમનો ડાબો હાથ લગભગ નિર્જીવ હાલતમાં હતો. હલન-ચલન થતું ન હતું. યાદવે પોતાનો હાથ કાપીને શરીરથી અલગ કરવાની કોશિશ કરી. અંતે, જમણા હાથ વડે ડાબો હાથ પીઠ તરફ ફેંકીને બેલ્ટમાં બાંધી દીધો. 17 બુલેટ, બે ગ્રેનેડના ઘાવ અને લટકતા હાથ સાથે યાદવ થોડું નીચે ઉતર્યા તેવામાં અન્ય ભારતીય સૈનિકોએ યાદવને જોયા અને ઊંચકીને હોસ્પિટલ પહોંચાડ્યા.
યોગેન્દ્ર યાદવના નામે મરણોત્તર પરમવીર ચક્રની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મરણ શરણ થનારા યોગેન્દ્ર યાદવ નામના જ બીજાં એક સૈનિક હતા. અંતે સરકારે યોગેન્દ્રસિંહ કારણસિંહ યાદવને પરમવીર ચક્રથી સન્માનીત કર્યા. તે સાથે જ યોગેન્દ્રસિંહ યાદવને ભારતમાં સહુથી યુવાવયે ‘પરમવીરચક્ર”(PVC) પ્રાપ્ત કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું. શ્રી યોગેન્દ્રસિંહ કારણસિંહ યાદવ સન 2021માં માનદ કેપ્ટન તરીકે ભારતીય સૈન્યમાંથી વયમર્યાદાના કારણે નિવૃત થયા. યાદવની વીરતા અને સાહસને થોડા કલ્પનાના રંગ સાથે બિરદાવતી બે ફિલ્મો પણ બની. રિતિક રોશન અભિનીત ‘લક્ષ્ય’ અને મનોજ બાજપેયી વાળી ‘એલ ઓલ સી કારગિલ’.
- ફાલ્ગુન મોદી








