મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

ચાલુ ભવમાં વેર પત્યું નથી ને આવતા ભવની ચિંતામાં જીવતા માણસની અકળ માનસિકતા

ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ બે વ્યક્તિ વચ્ચે મોટો વિ

ચાલુ ભવમાં વેર પત્યું નથી ને આવતા ભવની ચિંતામાં જીવતા માણસની અકળ માનસિકતા
આ સમાચાર સાંભળો

ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

બે વ્યક્તિ વચ્ચે મોટો વિવાદ જાગ્યો. બંને એકબીજાને અધમ ઠેરવવા પ્રયાસ કરતા હતા. એકે કહ્યું, 'તારો આવતો જન્મ ભયાનક હશે, તું નક્કી કોઈ પ્રાણી રૂપે જન્મીશ. માણસ તરીકે પુનર્જન્મ પામવાને તું યોગ્ય નથી.'

બીજાએ કહ્યું, 'અરે ! તારાં કર્મોનો વિચાર કર. કેવાં અધમ કર્મો ક્યાં છે તેં ? આવાં કર્મોવાળો માનવી આવતા ભવમાં પ્રાણી તો થાય, પણ એવું પ્રાણી થાય કે જે જગતને દુ:ખદાયી બને.'
આમ બન્ને વચ્ચે આ ભવના વેરને કારણે આવતા ભવ અંગે વિવાદ જાગ્યો. આખરે આવતો ભવ કેવો હશે એ જાણવાનું બન્નેએ નક્કી કર્યું. ભારતવર્ષ પર એમણે નજર ફેરવી તો જણાયું કે ભગવાન બુદ્ધ જેવા જ્ઞાની જ આનો ઉત્તર આપી શકે, આથી બંને ભગવાન બુદ્ધ પાસે ગયા. ભગવાન બુદ્ધને કહ્યું, 'અમારા બન્ને વચ્ચે આવતા ભવ વિશે વિવાદ જાગ્યો છે. આપ એનો ઉકેલ આપો.'

ભગવાન બુદ્ધે પૂછ્યું, 'કહો, શો વિવાદ છે તમારો.'
પહેલી વ્યક્તિએ કહ્યું, 'ભગવન્ ! આ મારી સાથે આવેલા માનવીએ કૂતરા જેવાં કર્મો કર્યાં છે. એ પોતાના જાતભાઈઓ સાથે લડયો છે. એણે અન્યની સામે વિરોધમાં સતત ભસ્યા કર્યું છે, વળી જેમ એ ભસી શકે છે તેમ જરૂર પડે પોતાનો લાભ દેખાતા કૂતરાની માફક પૂંછડી પણ પટપટાવી શકે છે. આથી હું માનું છું કે આવતા જન્મમાં નક્કી કૂતરા તરીકે જ જન્મશે.'

આ સાંભળતાં જ બીજાએ કહ્યું, 'ભગવન્ ! આ તો ચિત્તા જેવો છે. ચિત્તો જેમ છુપાઇને તરાપ મારે એમ એને સારા માણસો પર તરાપ મારવાની ટેવ છે. પ્રાણીઓમાં સૌથી લુચ્ચું પ્રાણી ચિત્તો ગણાય છે. એ જ રીતે માનવીઓમાં સૌથી લુચ્ચો માનવ આ છે. આપ જ કહો, એની આવતા ભવે કઇ ગતિ થશે ?'

ભગવાન બુધ્ધે કહ્યું, 'જે બીજાને કૂતરો કહે છે તે સ્વયં કૂતરો થશે, જે બીજાને ચિત્તો કહે છે તે સ્વયં ચિત્તો થશે.'

આ સાંભળતાં જ બંને અકળાઈ ઊઠયા. એમણે પૂછ્યું, ''આવું કેમ ? શું અમારી આવી ગતિ થશે?'' ભગવાન બુધ્ધે કહ્યું, 'જેવા તમારા સંસ્કાર હશે એવું ફળ મળશે. જેવી ભાવના રાખશો તેવા તમે બનશો.'

માણસની સાચી કિંમત એના વિચાર અને એની ભાવના પર છે. એના મનમાં શુભ ભાવ જાગતા હશે તો તેને આ જન્મમાં અને પછીના જન્મમાં શુભ ગતિ પ્રાપ્ત થાય છે. જે દુર્ભાવ સેવે છે એ અંતે દુ:ખી ગતિ પામે છે. બીજાને પીડા આપનારો સ્વયં પીડિત બને છે અને બીજાને યાતના આપનારો ખુદ યાતના પામે છે. જેવી ભાવના તેવી સિદ્ધિ.

આ સમાચાર શેર કરો