મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / પ્રેમ એટલે કે.....

- કાગળ પરનાં પંખી ટહુક્યાં “ના... ના... કોઈ હિસાબે નહિ....કોઈ પણ હિંસક વર્તન, બિભત્સ ભાષા, અપમાજનક પ્રવૃતિઓ ક્યારેયક્યારેય પ્ર

શતરંગ / પ્રેમ એટલે કે.....

- કાગળ પરનાં પંખી ટહુક્યાં

“ના... ના... કોઈ હિસાબે નહિ....કોઈ પણ હિંસક વર્તન, બિભત્સ ભાષા, અપમાજનક પ્રવૃતિઓ ક્યારેય
ક્યારેય પ્રેમ ન જ હોઈ શકે”

     થોડા સમય પહેલા નેટફ્લિક્સ પર ‘Darlings’ નામની ફિલ્મ જોઈ, જેમાં નાયક નાયિકાને મારે, ઝૂડે, ગંદી ગાળો બોલે, જાહેરમાં એનું અપમાન કરે અને દર વખતે માત્ર એટલું કહીને છૂટી જાય કે “એ તો હું તને પ્રેમ કરું છું એટલે તને મારૂં છું, ગાળો બોલું છું, તારા પર શંકા કરું છું.” પણ મને ક્યારેય એ સમજાયું નથી કે જેને પ્રેમ કરતાં હોઈએ એને દુઃખ પહોંચાડી શકીયે? આ કયો પ્રેમ છે? આવી જ એક બીજી મલયાલમ ફિલ્મ ‘UYARE’ જેમાં પ્રેમીને એની પ્રેમિકા કહ્યા વગર એક ડીનર પર જાય છે અને એના ગુસ્સામાં પ્રેમી પ્રેમિકા પર એસીડ ફેંકી દે છે. આવી તો અનેક ફિલ્મોના ઉદાહરણ
અહીં આપી શકાય એમ છે. જેમાં અન્ય બે મલયાલમ ફિલ્મોનો અહીં ઉલ્લેખ કરવા માંગીશ એક છે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કિચન’ અને બીજી છે ‘જયા જયા જયા જયા હે’. ‘જયા જયા જયા જય હે’ ફિલ્મમાં દીકરી પિતાને અને માતાને કહે છે કે મને મારો પતિ મને વાતવાતમાં મારે છે અને માતા પિતા કહે છે કે હવે એ તારું ઘર છે અને એ પતિ છે એટલે મારે તો શું થઇ ગયું? એ તો પ્રેમ કરનાર વ્યક્તિઓમાં આવું ચાલે” અને હિરોઈનને એની સાસુ કહે છે કે “તું તો નસીબદાર છે કે તને તો મારો દીકરો આટલું જ મારે છે. મને તો એના પપ્પા એટલું મારતા કે હું મહિનાઓ સુધી પથારીમાંથી ઉભી નહોતી થઇ શકતી”. માંને દીકરાનું વહુને મારવું એ એટલું જ સામાન્ય લાગે છે કે જેટલું શ્વાસ લેવું, ઊંઘ આવવું અને ભૂખ લાગવું.

     એ તને પ્રેમ કરે છે એટલે એ તારી પાસે ગમે તે માંગણી કરી શકે, એ તને પ્રેમ કરે છે એટલે તારા દરેક પાસવર્ડ એને ખબર હોવા જોઈએ, એ તને પ્રેમ કરે એટલે તું શું કરીશ અને શું નહિ કરે એ બધું એ નક્કી કરશે, એ તને પ્રેમ કરે એટલે હવે એની પસંદ એ તારી પસંદ અને એની ના પસંદ એ તારી નાપસંદ..ધારો કે કોઈ શાકાહારી માણસને માંસાહાર કરતા કોઈ સાથે પ્રેમ થઇ જાય તો જો એ માંસાહાર ના કરે તો એનો પ્રેમ ખોટો થઇ જાય? અને પ્રેમ કર્યો એટલે એને એનું પસંદનું ભોજન પણ બદલી નાખવાનું? ધારો કે એ બાય ચોઈસ હોય તો ઠીક છે પણ બાય ફોર્સ એ કેટલું ઠીક છે? અને ધારો કે ના બદલ્યું તો પ્રેમ ખોટો એમ જ ને? આ સાચા પ્રેમને માપવા માટે કોઈ માપદંડ કે મશીન ખરું? કે વર્ષોથી ચાલી આવતી આ અલગ અલગ પ્રેમની ફિલોસોફીઓ જ સાચી હશે?

     પ્રેમ એક એવી અનુભૂતિ છે કે જગતમાં જેનાથી કોઈ પર નથી. મનુષ્ય હોય કે પ્રાણીઓ બધા બીજી કોઈ ભાષા સમજે કે ના સમજે પણ પ્રેમ ની ભાષા સૌ કોઈ સમજે છે. પણ અહીં ખાસ આપણે એ સમજવા જેવું છે કે ખરેખર આપણે જેને પ્રેમની ભાષા સમજીયે છીએ એ પ્રેમ જ છે કે બીજું કશું?

     હું એક માં છું, એટલે સ્વાભાવિક રીતે મારી દીકરીને પ્રેમ કરતી જ હોઉં. મને તો એને સહેજ વાગે છે તો પણ જાણે મારો જીવ નીકળી જતો હોય ઍમ થાય છે તો આ જે કથિત પ્રેમી પ્રેમિકાઓ કે પ્રેમ કરનાર પતિઓ હશે એમને એમની પ્રેમિકા કે પત્નીને હર્ટ કરીને દુઃખ નહિ થતું હોય?

     થોડા સમય પહેલા શેફાલી શાહનો એક સુંદર ઇન્ટરવ્યૂ જોયો હતો જેમાં એમને પૂછવામાં આવ્યું હતું કે કોઈ પણ રિલેશનશિપમાં ‘રેડ ફ્લેગ’ શું હોય છે? અને એમણે જવાબ આપ્યો હતો. ‘ડિસરિસ્પેક્ટ’. પણ ઘણી વાર આપણે અન્ય પર એટલા ઈમોશનલી ડીપેન્ડન્ટ બની જતાં હોઈએ છીએ એનાં દ્વારા આપણી સાથે થતાં દરેક ગેરવર્તનને આપણે પ્રેમ સમજીને માન્યતા આપી દઈએ છીએ. પછી એ મારઝૂડ હોય કે પછી અપમાન કે પછી બિભત્સ શબ્દો બોલવા, કે પછી બ્લેકમેઇલ કરવા. કેમ આપણે આપણા જીવનમાં ‘અગ્નિસાક્ષી’ના નાના પાટેકર, ‘દરાર’ના અરબાઝ ખાન કે પછી

     કબીર સિંઘની જરૂર છે? હું તને પ્રેમ કરું છુ એટલે તારા પર મારો હક છે ત્યાં સુધી તો સમજાય છે પણ હું તને પ્રેમ કરું છુ એટલે હું તારી સાથે ગમે તેવું વર્તન કરું આ વાત જરા સમજમાં આવે એમ નથી. બે માણસો પ્રેમ કરે એટલે જ ઝઘડે અથવા જ્યાં પ્રેમ હોય ત્યાં જ ઝઘડા હોય આવી ઘણી બધી ફિલોસોફી આપણે બધા એ સાંભળી જ છે પણ પ્રેમ હોય એટલે કોઈ તમારા પર હાથ ઉપાડે, પ્રેમ હોય એટલે ગુસ્સામાં તમને મારે, પ્રેમ હોય એટલે શંકામાં તમારા પર એસીડ ફેંકી દે, પ્રેમ હોય એટલે તમને ટેક્ન ફોર ગ્રાન્ટેડ લઈને તમારી ઈચ્છા અને મંજુરી વગર તમારો રેપ કરી દે. ‘સત્ય નારાયણ કી કથા’ નામની ફિલ્મમાં આવા જ એક સુંદર વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેને ‘ડેટ રેપ’ કહે છે. પણ જો કોઈ છોકરી મરજીથી પ્રેમ કરનાર સાથે બહાર જાય છે તો આપોઆપ જાણે સમાજે છોકરીને ચારીત્ર્યનું
પ્રમાણપત્ર અને છોકરાને ગમેં તેવું વર્તન કરવાનું પ્રમાણપત્ર આપી દીધું હોય છે. કોણ બદલશે આને?

     ક્યાંથી આવી છે આ વિચારધારા કે “પ્યાર મેં સબ ચલતા હૈ?" પ્રેમ એ માનવ માત્ર માટે આવશ્યક બાબત છે, પણ માન, સન્માન, ઈજ્જત, શારીરિક અને માનસિક યાતનાઓના ભોગે? કદાપિ નહિ... આ આર્ટીકલ વાંચીને કોઈ વિરોધમાં ના આવી જાય.. આ બધા પુરુષો માટે નથી માત્ર એનાં માટે જ છે જેમનામાં darlings નો ‘હમઝા’ છુપાયેલો છે. આની સાથે સાથે છોકરીઓ અને સ્ત્રીઓએ ખાસ સમજવા જેવું એ પણ છે કે એવો કોઈ પણ વ્યક્તિ કે જે તમને એનાં જીવનમાં રહેવા દબાણ કરે છે એ પણ એટલો જ હિંસક અને ઘાતક છે. કોઈ પણ સંબંધ બે પક્ષીય હોય જેમ બાંધવાનો અધિકાર વ્યક્તિગત હોય છે ઍમ તોડવાનો પણ અધિકાર વ્યક્તિગત જ હોય છે. પણ જૉ ભૂતકાળના સંબંધોને કારણે કોઈ આપણને સંબંધમાં રહેવા મજબુર કરે અથવા બ્લેકમેઇલ કરે અથવા ધમકી આપે તો એ સ્ત્રી/ છોકરી એ એની સામે હાર નથી માનવાની. કોઈ પણ વ્યક્તિ સંબંધમાં હતો ત્યારે હતો અને અત્યારે નથી તો નથી. એનાં માટે થઈને એને
આજીવન જજ કર્યા કરવું અથવા એને ધાક ધમકીથી બાંધી રાખવું કે પછી સારા સંબંધોની યાદોં પૈકી ના મેસેજ કે ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપવી કે વાયરલ કરવા એ કાયદેસર ગુનો છે. જેની આકરી સજા થવાપાત્ર છે.

     પ્રેમ એ એક સુંદર અનુભૂતિ છે, એ માણસને માણસ બનાવે છે પણ પ્રેમ એ આપણને આપણા અસ્તિત્વની ઓળખ કરાવે છે નહિ કે આપણા અસ્તિત્વનો નાશ કરે છે. એવા કોઈ પણ પ્રેમ જે તમારી હયાતી પર પ્રશ્ન ઉભો કરી દે, જે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે જોખમકારક હોય ફોર સ્યોર, એ પ્રેમ નથી. એ આપણે સમજવું પડશે અને સાથે એ પણ સમજવું પડશે કે એવા ક્રિમીનલ માઈન્ડ ધરાવતા વ્યક્તિઓ અંતે ગમે તે હદ સુધી જઈ શકે છે. એ આપણે વિચારવાનુ કે હવે આપણે દિલ્હીની શ્રદ્ધા જેવી બીજી શ્રદ્ધા બનવું કે નહિ?

અને અંતે એટલું જ કે જે પુરુષ સ્ત્રીઓને માન આપે છે, સન્માન આપે છે, એમના પર હાથ નથી ઉપાડતા કે ગાળો નથી બોલતા કે કોઈ વ્યસન નથી કરતાં કે પછી સ્ત્રીઓની સફળતા પાછળનું કારણ બને છે એ બધા નમાલા નથી હોતા. કારણ કે જૉ સ્ત્રીનું અપમાન કરવું, એના પર હાથ ઉપાડવો , એને ગાળો બોલવી, એના પર શંકા કરવી , એને બ્લેકમેલ કરવી, આ બધા જ પુરુષ હોવાના માપદંડ છે તો પૃથ્વી પર આવો એક પણ પુરુષ ન હોવો જોઈએ. કારણ કે ‘પ્રેમજી’ ફિલ્મના એક ડાયલોગ પ્રમાણે "મર્દ હોવા મૂછોની જરૂર ના હોય એનાં માટે તો જીગર જોઈએ" જીગર સ્ત્રીઓને સન્માન આપવાનું, જીગર સ્ત્રીઓને માત્ર એક શરીર ના સમજવાનું, જીગર સ્ત્રીઓને માણસ ગણવાનું, જીગર સ્ત્રીઓના અસ્તિત્વને સ્વીકારવાનું, જીગર સ્ત્રીઓને ઉડવા માટે પાંખો આપવાનું. બાકી માત્ર શિશ્ન હોવાથી કોઈ પુરુષ નથી બની જતું.

માસ્ટર સ્ટ્રોક: રમેશ અને સુરેશ બંને ઓટલા પર બેઠા હતાં. સામેના ઘરમાંથી કોઈને મારવાના અને માર ખાવાની બહુ બધી ચીસો સંભળાતી હતી. રમેશે સુરેશને પૂછ્યું આ પેલા જ ભાઈનું ઘર ને જે હમણાં કાર્યક્રમમાં 'સ્ત્રી સશક્તિકરણ' પર ભાષણ આપીને ગયા? સુરેશ બિચારો ‘હા’ પણ ના પાડી શક્યો....

- અર્ચના તેજસિંહ ચૌહાણ

આ સમાચાર શેર કરો