શતરંગ / મનના વમળોથી રચાતું અદ્રશ્ય વાદળ: અનિચ્છીય વિચારોની અસર
- જિજીવિષા ઘણી વાતો અને વિચારો મન પર સતત મારો કરતાં રહે છ

- જિજીવિષા
ઘણી વાતો અને વિચારો મન પર સતત મારો કરતાં રહે છે જેને આપણે 'વિચાર વાયુ' કહીયે છીએ. દરેક પરિસ્થિતિમાં મગજ વિચારવાનું બંધ કરતું નથી. કેમકે એજ એમનું કામ છે. પણ ક્યા વિચારોને આપણે વાગોળવા એ આપણાં હાથમાં છે. ક્યા વિચારો પર આપણે આત્મમંથન કરવુ એ જરૂરી વિષય છે.
'આને કેમ આમ કર્યું હશે, આ લોકોને કેટલું સારુ છે, કાશ, આપણી પાસે પણ આવું હોત તો 'વગેરે જેવા અગણિત વિચારો મન પર સતત હાવી થતા રહે છે. અને સંકુચિતતા અને નકારાત્મક વિચારોનું વાદળ બનીને આપણને પજવે રાખે છે.આવી પરિસ્થિતિમાં કેવી રીતે વિચારવું એ માનસિક શાંતિ માટે જરૂરી બની જાય છે. વિચારશૈલીની ચોક્કસ પદ્ધતિઓ હોય છે જેને આપણે હકારાત્મક અભિગમ કહીયે છીએ. જેના દ્વારા આપણે આપણાં વિચારો પર કાબુ મેળવી શકીયે છીએ.
*'મારા જીવનમાં કશુ ખાસ નથી', એવુ વિચારવાને બદલે આજનો દિવસ મને જીવવા માટે મળ્યો છે તે સૌથી મહત્વની વાત છે હું તેને કેવી રીતે ખાસ બનાવી શકું ' એ વિચાર તમારા મનને કશુ કરવાની પ્રેરણા આપશે.
*'મારો પાડોશી મારા કરતાં વધુ સફળ છે ' એના કરતાં મારી પાસે જે અમૂલ્ય છે, તે બીજા પાસે નથી, આપણાં સંજોગ, પરિસ્થિતિ અને ઉછેરમાં તફાવત હોય છે. દરેક વસ્તુ મળવા પાછળ નિયતિ, પરિસ્થિતિ જેવા ઘણા પરીમાણ જવાબદાર હોય છે.
*'મેં આટલુ સારુ કામ કર્યું તો પણ તેણે ના ગમ્યું',કોઈના વ્યક્તિગત અભિપ્રાયોથી આપણુ જીવન બદલાતું નથી, જીવનના મૂલ્યો, કોઈના જજમેન્ટથી વધુ કિંમતી હોય છે.
*'એમને મારી સાથે ખરાબ વ્યવહાર શા માટે કર્યો' કોઈની પરિસ્થિતિ અને વ્યવહાર આપણાં હાથમાં નથી હોતા.કોઈ વાતને ક્દાચ આપણને બીજા એન્ગલથી જોતા જ નથી એટલે આપણી જ માન્યતાઓ, આપણને દુઃખી કરે છે.
*'જો હું નિષ્ફળ જઈશ તો' ડિપ્રેસન જેવી બીમારીઓ ઘર કરવાના ઘણા કારણોમાંનું એક આ છે જ્યાં તમે સતત કોઈ વાતથી ડરો છો.જિંદગીની અંતે કોઈ પણ સફળ કે નિષ્ફળ માણસને કોઈ પ્રમાણપત્ર આપવામાં આવતું નથી કે તેઓ કેટલા સફળ રહ્યા. આ સૃષ્ટિમાં માત્ર માનવો જ પોતાની જિંદગીનો નિષ્કર્ષ, સફળતા અને નિષ્ફળતાથી કરે છે.
*'હું કેટલી મહેનત કરું છું પણ ધાર્યા પરિણામો મળતાં નથી 'મહેનત કરીને હતાશ થવું વ્યાજબી છે. પણ આપણી મહેનતનું એનાલિસિસ કરીને આપણી કયા ભૂલો થાય છે તેનો અભ્યાસ, આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકે છે.
આપણી સફળતા અને સુખનો આધાર આપણાં સકારાત્મક વિચારો પર ટકેલો હોય છે. દરેક પ્રત્યે જજમેન્ટલ બનવું માનસિક સ્વસ્થતા પર જોખમી સાબિત થઇ શકે છે. સિક્કાની બન્ને બાજુઓ એક જ જગ્યાએથી જોઈ શકાતી નથી. એના માટે દ્રષ્ટિકોણ બદલવો જરૂરી હોય છે.વ્યસ્તતા કે અર્થસભર કામોથી બિનજરૂરી વિચારોથી છૂટી શકાય છે. ઉપરાંત સારા પુસ્તકો, પોડકાસ્ટ કે હકારાત્મક મિત્રોની કંપની, વિચારોની નકારાત્મકતા દૂર કરી શકે છે.
- જીજ્ઞા જોગીયા








