શતરંગ / એ ભુલાઈ ગયેલી મેચ જેણે 1983ના વર્લ્ડ કપની ફાઈનલ મેચના વિજયનો પાયો નાખ્યો હતો
- ફ્રી હિટ 25મી જૂન 1983નો એ દિવસ જ્યારે ઐતિહાસિક લોર્ડ્

- ફ્રી હિટ
25મી જૂન 1983નો એ દિવસ જ્યારે ઐતિહાસિક લોર્ડ્સની ઐતિહાસિક બાલ્કનીમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન કપિલ દેવે પ્રુડેન્શિયલ વર્લ્ડ કપને બંને હાથે ઉપાડીને ઉંચો કર્યો તે ઘડી અને આજની ઘડી, ભારતીય ક્રિકેટ 360 ડિગ્રીએ ફરી ગયું છે. આ દિવસ વિષે ઘણું બધું લખાયું છે, અરે! એક આખી ફિલ્મ પણ બની ગઈ છે. ભારતના સર્વપ્રથમ વર્લ્ડ કપ વિજય વિશે ઢગલો ડોક્યુમેન્ટ્રીઝ અને આર્ટિકલ્સ પણ લખાયા છે.
એટલે આપણે એની એ વાતો રિપીટ નહીં કરીએ, પરંતુ ફાઈનલનો એ વિજય ભારતને કેવી રીતે મળ્યો અને તેની પાછળ એ કઈ અજાણી મેચ જવાબદાર હતી તેના વિશે રસપ્રદ માહિતી જરૂર મેળવીશું.
GenZ એટલેકે જેન ઝીમાંથી કદાચ જ કોઈને ખ્યાલ હશે કે એ સમયે વર્લ્ડ કપ 60-60 ઓવર્સનો રમાતો. આ ઉપરાંત બે ગ્રુપ પાડવામાં આવતા અને બંને ગ્રુપોમાં જે-જે ટીમો હોય તેમણે એકબીજા સામે બે-બે વખત રમવાનું આવતું. આ રીતે આ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ એક જ ટુર્નામેન્ટમાં ત્રણ વખત ટકરાયા હતા.
આ અગાઉ રાઉન્ડ રોબિન લીગમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બંનેએ એક-એક વખત એકબીજાને હરાવ્યા હતા. જો કે ભારત વેસ્ટ ઇન્ડિઝને હરાવે એ એ સમયે એટલું જ અકલ્પનીય હતું જેટલું આજે જો અફઘાનિસ્તાન ભારતને હરાવી દે. એ રાઉન્ડ મેચમાં જ્યારે ભારત જીત્યું તેની પાછળ ટીમનો આત્મવિશ્વાસ જવાબદાર હતો અને એ આત્મવિશ્વાસ ટીમને મળ્યો હતો એક અન્ય મેચમાંથી અને એ મેચ વિશે ભાગ્યેજ કોઈને જાણ છે.
બન્યું એવું કે આ વર્લ્ડ કપ અગાઉ ભારત પાંચ ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચો રમવા માટે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે હતું. ભારત માટે એ સમયે વેસ્ટ ઇન્ડિઝને ગમે ત્યાં અને કોઇપણ ફોર્મેટમાં હરાવવું એ અશક્ય હતું. એટલે વેસ્ટ ઇન્ડિઝને તેના જ ઘરમાં જ હરાવવું એ સ્વપ્ન સિવાય બીજું કશું જ ન હતું.
તે સમયે પાંચ ટેસ્ટની સિરીઝ હોય તો વચ્ચે વનડે સિરીઝ રમી નાખતા. પરંતુ આ ટૂરનું પ્લાનિંગ તો સાવ વિચિત્ર હતું. એક ટેસ્ટ પછી એક વનડે એવી રીતે પાંચ ટેસ્ટ અને ત્રણ વનડે આ સિરીઝમાં રમાઈ હતી. એમાંથી પહેલી મેચ જે ટ્રીનીદાદ અને ટોબેગોમાં આવેલા પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી તેમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને આરામથી 52 રને હરાવી દીધું હતું.
પછી આવી આપણી આજની મેચ જે ગુયાનાના બર્બાઈસ વિસ્તારમાં આવેલા અલ્બીયોન સ્ટેડિયમમાં રમાડવામાં આવી હતી. આ અલ્બીયોન સ્ટેડિયમમાં બહુ ઓછી મેચો રમાઈ છે એમાંય 1985 પછી તો અહીં એક પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ નથી રમાઈ. એનીવેઝ વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલી બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
સુનીલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રીએ ટીમને સુંદર શરૂઆત આપી અને બાદમાં ગાવસ્કરને યશપાલ શર્માએ સાથ આપ્યો. જોકે ગાવસ્કર બાદમાં 90 રને રનઆઉટ થઇ ગયા અને કપિલ દેવ સ્ટ્રાઈક પર આવ્યા. આપણને કપિલ દેવની ઝિમ્બાબ્વે સામેની ઇનિંગ યાદ છે પરંતુ બર્બાઈસની આ ઇનિંગ વિશે બહુ ઓછી માહિતી છે.
જ્યારે કપિલ દેવ બેટિંગમાં આવ્યા ત્યારે ભારતે 2 વિકેટે 152 રન્સ બનાવ્યા હતા. ત્યારબાદ કપિલ દેવે 189.47ની સ્ટ્રાઈક રેટથી ફક્ત 38 બોલ્સમાં 72 રન્સ ઠોકી દીધા. કપિલે 7 ફોર્સ અને 3 સિક્સર મારી હતી. સામે બોલર્સ કોણ હતા ખબર છે? માઈકલ હોલ્ડીંગ, એન્ડી રોબર્ટ્સ, વિન્સ્ટન ડેવિસ અને માલ્કમ માર્શલ.
કપિલ દેવને યશપાલ શર્મા, દિલીપ વેંગસરકરે યોગ્ય સાથ આપ્યો અને ભારતે 47 ઓવર્સમાં 282/5નો સ્કોર ઉભો કર્યો જે તે સમયમાં ઓહોહોહો જેવો સ્કોર હતો. ઇંગ્લેન્ડમાં આટલો સ્કોર અમુક ટીમો 60 ઓવર્સમાં કરતી જ્યારે ભારતે આ સ્કોર ફક્ત 47 ઓવર્સમાં એટલેકે પૂરી 50 ઓવર્સ પણ ન રમીને બનાવ્યો હતો.
જવાબમાં વેસ્ટ ઇન્ડિઝના મહાન ઓપનર્સ ગોર્ડન ગ્રીનીજ અને ડેસમંડ હેઇન્સ 1983ની ફાઈનલની જેમજ સસ્તામાં આઉટ થઇ ગયા. કાયમની જેમ સર વિવ રિચર્ડ્સે ભારતીય બોલર્સને ધોયા તેમને ફાઉદ બાક્ક્સ અને વિકેટકીપર જેફ્રી ડુજોંએ સાથ આપ્યો પણ વેસ્ટ ઇન્ડિઝ છેવટે 27 રને હારી ગયું.
આજના સમયમાં 27 રન્સનો ડિફરન્સ ભલે ઓછો લાગે પણ એ સમયમાં જે રીતે વેસ્ટ ઇન્ડિઝનો દબદબો હતો તેમની સામે એક રન કે એક વિકેટે જીતવું એ પણ બહુ મોટી વાત હતી અને વળી આ જીત તો તેમના ઘરમાં મળી હતી. હા, તે સમયની ઓસ્ટ્રેલિયા કે પછી ઇંગ્લેન્ડની ટીમો વેસ્ટ ઇન્ડિઝ આ પ્રકારની જીત મેળવવાનું કદાચ વિચારી શકતી હતી પણ ટીમ ઇન્ડિયા માટે આમ થવું અકલ્પનીય હતું.
સુનીલ ગાવસ્કરે પોતાની આત્મકથા ‘સન્ની ડેયઝ’માં લખ્યું છે કે આ વિજયે અમને આનંદ સાથે એ આત્મવિશ્વાસ આપ્યો કે, હા વેસ્ટ ઇન્ડિઝને હરાવી શકાય છે. ગાવસ્કર 1983ના વર્લ્ડ કપ વિજયનો પાયો આ જ મેચમાં નખાયો હતો તેમ સ્વીકાર કરે છે. ખાસ કરીને વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી રાઉન્ડ મેચ જેમાં ભારતે વિજય મેળવ્યો તેણે વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ભારત સામે તેમને આગામી મેચોમાં જીત મળશે કે કેમ એ અંગે જરૂર શંકા ઉભી કરી હોવી જોઈએ.
અને એટલે જ ભારતે એ શંકાનો લાભ પોતાના ફાયદા માટે ઉઠાવ્યો અને ફાઈનલમાં એક સમયે નાના સ્કોરનો પીછો કરતાં સર વિવ રિચર્ડ્સ ટીમના બોલર્સની ધોલાઈ કરી રહ્યા હતા તોપણ જીતી જઈશું એવો વિશ્વાસ જાળવી રાખ્યો હતો અને અંતે આ વર્લ્ડ કપ જીતી લીધો હતો.
ભારતના એ મહાન વિજયનો પાયો બર્બાઈસની એ મેચમાં નખાયો હતો એ વાત હવે આપણે કોઈએ ન ભૂલવી જોઈએ, બરાબરને?
- સિદ્ધાર્થ છાયા








