મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ફાઈવ ટ્રિલિયન ડોલરનો ફુગ્ગો ફૂટી ગયો છે

- અર્થ અને તંત્ર નરેન્દ્ર મોદીએ તા.15-08-2019ના રોજ લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે ભારતના અર્થતં

શતરંગ / ફાઈવ ટ્રિલિયન ડોલરનો ફુગ્ગો ફૂટી ગયો છે

- અર્થ અને તંત્ર

નરેન્દ્ર મોદીએ તા.15-08-2019ના રોજ લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે ભારતના અર્થતંત્રને પાંચ વર્ષમાં પાંચ ટ્રિલિયન ડોલરનું એટલે કે રૂ. 500 લાખ કરોડનું બનાવવા માટેના લક્ષ્યાંકની જાહેરાત કરી હતી. એ પછી સતત આ મુદ્દે સરકારી વાજિંત્રો અને મોટે ભાગે દરબારી અર્થશાસ્ત્રીઓ બોલતાં-લખતાં અને ગીતો ગાતાં થઈ ગયાં હતાં. જાણે કે ભારતનું અર્થતંત્ર પાંચ વર્ષમાં રૂ. 500 લાખ કરોડનું બની જ જવાનું હોય! તેના જાતજતના અને ભાતભાતના રસ્તા પણ તેમણે સૂચવી દીધા હતા. કોરોના મહામારીએ આ ફુગ્ગામાંથી હવા કાઢી નાખી છે એમ કહેવાને બદલે ખરેખર તો અર્થતંત્રના અણઘડ સંચાલને દેશની દશા બગાડી છે એમ કહેવાય. અત્યારે હવે ૨૦૨૪ સુધીમાં નહિ પણ ૨૦૨૭ સુધીમાં 500 લાખ કરોડ રૂ.નું અર્થતંત્ર બનાવવાની વાતો કરવામાં આવી રહી છે. એનો અર્થ માત્ર એટલો જ છે કે દેશની જીડીપી એટલી થાય એટલે કે દેશના લોકોની કુલ આવક એટલી થાય. નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્રને રૂ. 500 લાખ કરોડનું બનાવવાની જે વાત કરી હતી તે મૂળભૂત રીતે કેટલી તરકટી હતી અને મોંમાં ચગળાવવાનું ગમે તેવી લોલીપોપ કેવી રીતે હતી તે શુદ્ધ બુદ્ધિથી સમજીએ: 

(1) 2020-21નો જીડીપીનો વૃદ્ધિ દર 7.૩ ટકા નકારાત્મક આવ્યો હતો. પછી તેનો સુધારેલો આંકડો ૬.૬ ટકાનો આવ્યો. એટલે કે જીડીપી વધવાને બદલે ઘટી હતી. છેલ્લાં 40 વર્ષમાં તે સૌથી નીચો હતો. દુનિયાના બહુ જ ઓછા દેશોમાં આટલો મોટો ઘટાડો નોંધાયો હતો એ એક હકીકત છે.

(2) 2019માં રૂ. 500 લાખ કરોડનો ભાષણખોર લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો તે જ તદ્દન અવાસ્તવિક હતો. કારણ કે જ્યારે આમ કહેવામાં આવ્યું ત્યારે ભારતની જીડીપી રૂ. 203.40 લાખ કરોડ હતી. જો તે પાંચ વર્ષમાં રૂ. 500 લાખ કરોડની કરવી હોય તો દર વર્ષે લગભગ 18 ટકાના દરે જીડીપી વધવી જોઈએ. આ શક્ય જ નહોતું. જર્મની કે જાપાનનો વૃદ્ધિ દર પણ બીજા વિશ્વ યુદ્ધ પછી આટલો બધો રહ્યો નહોતો. એટલે કે મોદીએ એ ગપ્પું જ માર્યું હતું. 

(3) 2015માં એટલે કે નરેન્દ્ર મોદીના શાસન દરમ્યાન National Statistical Commission ભારતની જીડીપીના વૃદ્ધિ દરના જે નવા આંકડા 2011-12ને આધાર વર્ષ ગણીને આપવામાં આવ્યા તેમાં એમ કહેવામાં આવ્યું કે ભારતમાં જીડીપીનો વૃદ્ધિ દર 10 ટકાથી વધુ રહ્યો હોય તેવાં બે જ વર્ષ ગયાં છે. એક વખત રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે 1988-89 દરમ્યાન તે 10.2 ટકા હતો અને મનમોહનસિંહ વડા પ્રધાન હતા ત્યારે 2006-07માં તે 10.08 ટકા જેટલો સૌથી વધુ હતો. એટલે 18 ટકાથી વધુ દરે વિકાસ કરવાનો મુદ્દો તો શેખચલ્લીના કિલ્લા જેવી વાત જ હતી! નરેન્દ્ર મોદી 10 ટકાનો વૃદ્ધિ દર પણ સિદ્ધ કરી બતાવે તો ઘણું સારું!

(4) 2020-21માં જીડીપી આગલા વર્ષ કરતાં ઘટી અને રૂ. 195.86 લાખ કરોડ થઈ. હવે જો 2023-24 સુધીમાં દેશનું અર્થતંત્ર રૂ. 500 લાખ કરોડનું કરવું હોય તો બાકીનાં ત્રણ વર્ષમાં 36 ટકાના દરે વિકાસ કરવો પડે તેમ હતો. શું આ શક્ય હતું ખરું?  

(5) મહત્ત્વનું એ છે કે જ્યારે નરેન્દ્ર મોદીએ આ સપનું દેશને દેખાડ્યું ત્યારે તે જ વર્ષે એટલે કે 2019-20માં જીડીપીનો વૃદ્ધિ દર 4.0 ટકા જેટલો નીચો જતો રહ્યો હતો. 2021-22માં જે ૯.૧ ટકાનો વધારો દર્શાવવામાં આવે છે તે પણ આ ઘટેલા વૃદ્ધિ દરને આધારે છે. એટલે વાસ્તવમાં જીડીપીનો વૃદ્ધિ દર ઘણો ઘટ્યો કહેવાય. 

(6) ૨૦23-૨૪માં જીડીપીનો વૃદ્ધિ દર જુદી જુદી સંસ્થાઓએ 10 ટકાની આસપાસ અંદાજ્યો હતો. જેમ કે, મૂડીઝ 9.3 ટકા, કેર રેટિન્ગ્સ 10.2 ટકા, ક્રેડિટ સુસી 8.5થી 9.0 ટકા, IMF 12.5 ટકા, વિશ્વ બેંક 10.1 ટકા અને RBI 10.5 ટકા અંદાજ્યો હતો. પણ તે ખરેખર રહ્યો ૮.૨ ટકા. આ પણ કામચલાઉ આંકડો છે. તે વધી પણ શકે અને ઘટી પણ શકે. આ આંકડા મુજબ દેશની જીડીપી ૨૦૨૩-૨૪માં ૩94 લાખ કરોડ રૂ. છે. હવે તે ત્રણ વર્ષમાં ૫૦૦ લાખ કરોડ રૂ. કરવી હોય તો એનો અર્થ એવો થાય કે દર વર્ષે ૯ ટકાના દરે જીડીપી વધવી જોઈએ. શું આ શક્ય છે? 

(૭) ૨૦૨૪-૨૫નો જીડીપીનો વૃદ્ધિ દર ૭.૨ ટકા જ અંદાજવામાં આવ્યો છે. તેવા સંજોગોમાં ભારત રૂ. ૫૦૦ લાખ કરોડનું અર્થતંત્ર ૨૦૨૭માં બને એવી કોઈ શક્યતા જ નથી રહેતી. વાસ્તવમાં, ૭.૨ ટકાનો વૃદ્ધિ  દર પણ જળવાય તો પણ ઘણી મોટી વાત કહેવાય.  

નિર્ધારિત લક્ષ્યાંક મુજબ જીડીપી રૂ. ૫૦૦ લાખ કરોડની નહિ થાય તો નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનો; તેમ જ ભાજપ તથા દરબારી અર્થશાસ્ત્રીઓ ઘટેલા જીડીપી માટે માત્ર કોરોના વાયરસને જવાબદાર ગણાવશે એ પણ નક્કી છે. ઠીકરું ક્યાંક તો ફોડવું જ પડે ને! દુનિયાભરના નિષ્ણાતો એમ કહે છે કે સરકારે આવા સંજોગોમાં રાજકોષીય ખાધ વધારવી પડે અને સરકારે વધારે ખર્ચ કરવું પડે. પણ 2019-20માં બજેટ કરતાં ખર્ચ રૂ. 4.68 લાખ કરોડનું જ વધ્યું કે જ્યારે પેકેજ આશરે રૂ. 23 લાખ કરોડનાં જાહેર કરવામાં આવ્યાં હતાં! 

વાસ્તવમાં તો જીડીપી વધે છે અથવા કેટલા દરે વધે છે તેના કરતાં તે વધેલી જીડીપી એટલે કે દેશની વધેલી આવક કોના ખિસ્સામાં જાય છે તે વધારે મહત્ત્વનું છે. પણ તેને માટે વડા પ્રધાન કશું ત્યારે પણ બોલ્યા નહોતા અને આજે પણ બોલ્યા નથી. વધેલી જીડીપી જો મોટે ભાગે ધનવાનોના ખિસ્સામાં જ જતી હોય તો અસમાનતા વધે. ભારતમાં મોટે ભાગે ધનવાનોના ખિસ્સામાં જ જીડીપીનો મોટો ભાગ જાય છે અને આશરે 80 કરોડ ગરીબોની હાલતમાં કોઈ નોંધપાત્ર સુધારો થતો નથી.

- હેમન્તકુમાર શાહ

આ સમાચાર શેર કરો