શતરંગ / આપણી પ્રશ્નો પૂછવાની પરંપરાનું સૌંદર્ય એટલે ભગવદ ગીતા
- ગીતા Talks નવી જનરેશનને ગમે એવી વાત છે કે આપણી તો આખી પરંપરા જ પ્રશ્ન અને સંવાદની છે. આપણા વ

- ગીતા Talks
નવી જનરેશનને ગમે એવી વાત છે કે આપણી તો આખી પરંપરા જ પ્રશ્ન અને સંવાદની છે. આપણા વેદો, ઉપનિષદો, ગીતા જેવું જ્ઞાન પ્રશ્ન અને સંવાદની દેન છે. ભાગવત પણ પરીક્ષિતના જવાબો રૂપે શુકદેવજીએ સંભળાવ્યું છે.
કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું છે. બાણશૈયા પર રહેલા ભીષ્મ ટૂંક સમયમાં પોતાનો દેહ ત્યાગી દેવાના છે ત્યારે કૃષ્ણ યુધિષ્ઠિરને પ્રેરે છે કે, 'આ યુગમાં સંસારમાં જીવિત લોકોમાં ગંગાપુત્ર ભીષ્મ જેવા જ્ઞાની અને તત્વદર્શી કદાચિત જ કોઈ હોય ત્યારે એમના અંત સાથે જ્ઞાનનો એક સૂર્ય આથમી જશે, પણ એ સૂર્ય આથમે એ પહેલાં સમ્રાટ યુધિષ્ઠિર તમારે પિતામહ ભીષ્મ પાસેથી જ્ઞાન મેળવી લેવું જોઈએ.'
પછી શાંતિપર્વમાં ભીષ્મને યુધિષ્ઠિર અનેકવિધ પ્રકારનાં પ્રશ્નો પૂછે છે અને ભીષ્મના જવાબો એટલા જ અદભુત છે (બ્રહ્મચારી દાદાને પૌત્ર યુધિષ્ઠિર કેટલાક બોલ્ડ પ્રશ્નો પણ પૂછે છે. જે આજે પણ આપણે વડીલોને નથી પૂછી શકતા.)
મહાભારતનું આ સૌથી મોટું પર્વ આ પ્રશ્ન અને સંવાદનું જ પર્વ છે. પણ મૂળમાં જોઈએ તો કૃષ્ણએ આ સંવાદ અને પ્રશ્નો માટે યુધિષ્ઠિરને પ્રેર્યાં...કૃષ્ણ પ્રશ્નોને પ્રેરે છે, કૃષ્ણ જવાબ પણ આપે છે.
એટલે જ કૃષ્ણ ગીતાના ચોથા અધ્યાયના 34માં શ્લોકમાં કહી શકે કે,
तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ||4.34||
ભારતિય પ્રશ્ન પરંપરાને વધાવતા કૃષ્ણ કહે છે કે, “અર્જૂન, તું તત્વદર્શી અને જ્ઞાની પાસે જઈને પ્રણીપાતેનપૂર્વક એટલે કે દંડવત પ્રણામ કરીને (અથવા ખૂબ સરળતા પૂર્વક-નમ્રતા પૂર્વક) એ જ્ઞાનીને પરિપ્રશ્ન કર, એમ કરવાની એ જ્ઞાની તને યોગ્ય જ્ઞાનનું દર્શન કરાવશે.”
આપણે આ શ્લોકને ગઈ વખતે ગીતા talks માં વિચાર્યો હતો આજે જરા આગળ મંથન કરીએ. આ શ્લોકનો પ્રાણ શબ્દ છે :'પરિપ્રશ્ન’ અર્થાત્ પ્રશ્નમાંથી પ્રશ્ન કરતું જવું.
નવી જનરેશનને ગમે એવી વાત છે કે આપણી તો આખી પરંપરા જ પ્રશ્ન અને સંવાદની છે. આપણા વેદો અને ઉપનિષદોમાં પ્રશ્નો અને સંવાદ જ છે. ગીતા એ પણ પ્રશ્ન અને સંવાદ છે. ભાગવત પણ પરીક્ષિતના જવાબો રૂપે શુકદેવજીએ સંભળાવ્યું છે. આપણે આગળ બાળકૃષ્ણનાં પ્રશ્નોનો ઉલ્લેખ કર્યો. એવા જ એક બાળક નચીકેતાને કેમ ભૂલી શકાય ! ‘કઠોપનિષદ’માં નચીકેતાની વાત છે. બાળ નચીકેતાના પિતા યજ્ઞ કરાવે અને દક્ષિણામાં નબળી અને બીમાર ગાયો પધરાવી દે છે ત્યારે નચિકેતા પહેલા તો આવી દક્ષિણા આપવા બાબતે પિતાને પ્રશ્ન કરે છે ને વળી પિતાને પૂછે કે, 'તો તમે મને કોને દાનમાં આપશો?' પિતા રોષમાં આવીને કહે કે,'તને યમને દાનમાં આપું છું.'
નચિકેતા યમના દ્વારે યમરાજાને મળવા ત્રણ દિવસ સુધી ભૂખ્યો તરસ્યો બેસી રહે છે. ને યમ મળે ત્યારે નચિકેતા શું કરે છે? ત્યારે બાળ નચિકેતા પહેલા તો પોતાની નમ્રતાથી યમરાજને પ્રસન્ન કરી ને પછી 'પરિપ્રશ્ન' જ તો કરે છે અને જ્ઞાનના રહસ્યો પામે છે. ગીતાના આ શ્લોકના હાર્દનું અદભુત ઉદાહરણ નચિકેતા છે. પહેલા તો યમ પ્રશ્નોના જવાબ આપવાને બદલે નચીકેતાને હીરા,મોતી,માણેક અઢળક ધનની લાલચ આપે છે. પણ પછી એની અડગ જિજ્ઞાસાથી પ્રસન્ન થઈને એને જીવનના ગૂઢ રહસ્યો જણાવે છે.
આપણા તો એક ઉપનિષદનું નામ જ 'પ્રશ્નોપનિષદ' છે. જેમાં સ્વયં ઘણું જાણે છે એવા છ વિદ્વાન ઋષિઓ વધુ જાણવા માટે પીપલાદ ઋષિ પાસે જાય છે.પીપલાદ ઋષિ એમને કહે છે કે, “તમે સૌ અહીં એકવર્ષ સુધી રહો અને તમારી ઈચ્છા અનુસાર પ્રશ્નો પૂછજો અને પછી કહે છે: 'यदि विज्ञास्यामः सर्वं ह वो वक्ष्याम ईति –'અર્થાત્ જો હું જાણતો હોઈશ તો તે બધું આપને જણાવીશ.” આ ઋષિની કેવી સુંદર નમ્રતા છે. (બાય ધ વે આ પીપલાદ ઋષિ આપણા ગુજરાત ક્ષેત્રના હતા. ઇન્દ્રને વજ્ર બનાવવા માટે પોતાના અસ્થિઓનું દાન કરનાર દધિચી ઋષિના પુત્ર હતા.)
મેં 'તત્વમસી' વાંચ્યા બાદ લેખક ધૃવદાદાને એક કાગળ લખ્યો હતો. એનો વળતો જવાબ આવ્યો જેમાં એમણે લખેલું કે, "તમેં નિરાંતે વાંચો છો, અને તમને પ્રશ્નો થાય છે એ સારી બાબત છે, રહસ્યો જ જીવનને શણગારે છે. કેટલીક બાબતો એવી હોય છે જેના ઉત્તરો શોધ્યા જ કરવાના હોય છે, ક્યારેક મળે પણ ખરા…"
ધૃવ ભટ્ટને કોઈ પૂછે કે, “તમે કેમ આ જુદી તરેહના પુસ્તકો લખો છો?” ત્યારે એ જવાબ આપતા હોય છે કે, “આ પુસ્તકો એ મને મારા પ્રશ્નોના જે જવાબો મળ્યા છે એ છે.”
પણ એમણે મને લખેલી વાત કે 'રહસ્યો જ જીવનને શણગારે છે.' એ કેટલી સુંદર છે. કૃષ્ણ આ શ્લોકમાં જીવનનાં એ શણગાર સુધીનો માર્ગ બતાવે છે: પરિપ્રશ્ન…
ગીતાવિચાર:
અર્જુને પરિપ્રશ્નો કર્યાં એમ કોઈ સ્ત્રીએ કૃષ્ણને પ્રશ્નો પૂછ્યાં હોત તો કૃષ્ણએ મેન્સસ્ટ્રુઅલ સાયકલ જેવા વિષયો પર પણ
નિખાલસતાથી જવાબો આપ્યા હોત. કૃષ્ણ પરંપરાઓ સામે પ્રશ્નો કરે છે, પણ આપણી પ્રશ્ન પૂછવાની પરંપરાનું સન્માન કરે છે.
- મિલી મેર








