મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / 2007નો ક્રિકેટ વર્લ્ડ કપ જેને યાદ રાખવા માટે કોઈ કારણ નથી!

- Free Hit ક્રિકેટનો વર્લ્ડ કપ એટલે કે 50 ઓવરનો વર્લ્ડ કપ દર ચાર વર્ષે આવે છે. લોકો એની કાગડો

શતરંગ / 2007નો ક્રિકેટ વર્લ્ડ કપ જેને યાદ રાખવા માટે કોઈ કારણ નથી!

- Free Hit 

ક્રિકેટનો વર્લ્ડ કપ એટલે કે 50 ઓવરનો વર્લ્ડ કપ દર ચાર વર્ષે આવે છે. લોકો એની કાગડોળે રાહ જોતા હોય છે. જો કે આ કાગડોળે રાહ જોવાનું 1983ના વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ શરુ થયું હતું. પરંતુ 2007નો વર્લ્ડ કપ એક એવો વર્લ્ડ કપ હતો જે કદાચ ક્રિકેટ પ્રેમીઓ માટે વર્લ્ડ કપની રાહ જોવાનું જ બંધ કરી દે એવો હતો.

સામાન્ય રીતે આપણે વર્લ્ડ કપની ઘણીબધી બાબતો, ઘટનાઓ વગેરે યાદ રાખતાં હોઈએ છીએ. વર્ષો બાદ પણ જ્યારે ક્રિકેટ પ્રેમીઓ એક સાથે બેઠા હોય અને ચા-નાસ્તો ચાલી રહ્યો હોય ત્યારે જૂની મેચો અને એમાંય ખાસ કરીને વર્લ્ડ કપની યાદગાર મેચોની ચર્ચા કરતા હોય છે. પરંતુ 2007ના વર્લ્ડ કપને કોઈજ યાદ રાખવા નથી માંગતું તેની પાછળ ઘણાબધા કારણો છે.

મેચો રમાડવાનો સમય.

ક્રિકેટ જે સંખ્યામાં ભારત અને અન્ય એશિયન દેશોમાં જોવામાં આવે છે એ કદાચ અન્ય ખંડોના દેશોમાં નથી જોવામાં આવતું. એટલે એશિયન દેશોના દર્શકો વધુને વધુ જુએ એવી ICCની ઈચ્છા હોય છે અને એ પ્રમાણે જ ટેલીકાસ્ટ રાઈટ્સના ભાવ નક્કી કરાતા હોય છે. આમાં પણ ભારતને તો ખાસ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે.

પરંતુ વેસ્ટ ઇન્ડિઝ જે ભૌગોલિક રીતે ઉત્તર અમેરિકાની બાજુમાં આવેલા નાના નાના ટાપુઓનો સમૂહ છે અને તે ભારત જેવા દેશોથી લગભગ આઠથી નવ કલાક પાછળ છે તેને કારણે ભારતમાં જ્યારે આ વર્લ્ડ કપની મેચો ટેલીકાસ્ટ થતી ત્યારે સાંજ પડી જતી. સાચો સમય કહું તો આજે પણ વેસ્ટ ઇન્ડિઝની ટેસ્ટ અને પચાસ ઓવરની મેચો ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યે મેચ થાય છે અને રાત્રે ત્રણ-સાડાત્રણે મેચ પૂરી થાય છે.

શનિ-રવિની રજા સિવાય નોકરિયાત અને ધંધાર્થીઓ દરરોજ વર્લ્ડ કપની મેચ જોઇને કેવી રીતે રાતના ઉજાગરા સહન કરી શકે? વળી એ વખતે વેસ્ટ ઇન્ડિઝનાં એક પણ સ્ટેડિયમમાં ફ્લડલાઇટની વ્યવસ્થા ન હતી. આથી એ પણ શક્ય ન હતું કે અહીં મોડેથી મેચ શરુ થાય તો એશિયન દેશો વહેલી સવારથી એટલીસ્ટ બીજી ઇનિંગ પણ જોઈ શકે. આથી સમગ્ર વર્લ્ડ કપમાં મહત્વની મેચો સિવાય ટીવી પર મોટાભાગના દર્શકો આવ્યા જ નહીં.

ભારત અને પાકિસ્તાન પહેલા રાઉન્ડમાં જ બહાર

રાઉન્ડ રોબિનમાં ભારત અને પાકિસ્તાન અનુક્રમે બાંગ્લાદેશ અને આયરલેન્ડ સામે આઘાતજનક રીતે હારીને પહેલા રાઉન્ડમાંથી જ બહાર થઇ ગયા હતા. 1992ના વર્લ્ડ કપમાં પહેલીવાર આમને-સામને થયેલા ભારત અને પાકિસ્તાનની મેચોમાંથી અઢળક નાણાં કમાઈ શકાય છે તેની જાણ ICCને થઇ ગઈ હતી. આથી ત્યારબાદની દરેક ICC ટુર્નામેન્ટનું ટેબલ એ રીતે ગોઠવવામાં આવે છે કે એટલીસ્ટ એક વખત તો આ બંને ટીમો આમને-સામને આવે જ.

આ વર્લ્ડ કપમાં આવી ‘ગોઠવણ’ ‘Super 8’ સ્ટેજ પર ગોઠવવામાં આવી હતી, પણ ભારત અને પાકિસ્તાન પહેલા રાઉન્ડમાં જ બહાર થઇ જતાં ‘ICC કા સુંદર સપના તૂટ ગયા’ અને જે દિવસે Supr 8માં આ મુકાબલો અગાઉથી નક્કી કરવામાં આવ્યો હતો તે દિવસે બાંગ્લાદેશ અને આયરલેન્ડ આમને-સામને હતા. હવે આવી મેચ ટીવી પર ઉજાગરો કરીને કોણ જુએ?

એક રીતે તો ભારતીય દર્શકોનો રસ ભારતના ટુર્નામેન્ટમાંથી બહાર થવાની સાથે જ જતો રહ્યો હતો આથી આમ પણ આ વર્લ્ડ કપના TRP ઘટી ગયા હતા.

પાકિસ્તાન ટીમના કોચનું શંકાસ્પદ મૃત્યુ

આ વર્લ્ડ કપમાં બોબ વુલ્મર જેઓ પાકિસ્તાની ટીમના કોચ હતા. કિંગ્સ્ટન જમૈકા ખાતે આયરલેન્ડ સામે પાકિસ્તાન હારી ગયું અને બીજે દિવસે સવારે વુલ્મરનો મૃતદેહ ટીમ હોટલના તેમના રૂમમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો. આ કુદરતી મોત હતું કે હત્યા કે પછી આત્મહત્યા એ અંગે જમૈકા પોલીસે લાંબા સમય સુધી તપાસ કરીને કેસ બંધ કરી દીધો હતો.

પરંતુ પાકિસ્તાની ક્રિકેટના કલંકિત ઈતિહાસને ધ્યાનમાં રાખીને આયરલેન્ડ સામેનો પરાજય પાકિસ્તાન અને ગલ્ફ દેશોમાં બેસેલા ઘણા બધા લોકોને ‘મોંઘો’ પડ્યો હોય અને વુલ્મરને પોતાની જિંદગી ખોવી પડી હોય એવી થિયરી એ સમયે ઘણી ચાલી હતી. વુલ્મરના મૃત્યુનું કારણ ગમે તે હોય પરંતુ વર્લ્ડ કપની વચ્ચે જ કોઈ ટીમ સાથે સંકળાયેલા મહત્વના વ્યક્તિનું આ રીતે મૃત્યુ થાય ત્યારે એ ટુર્નામેન્ટ બદનામ તો થઇ જ જતી હોય છે.

બાકી હતું તે ફાઈનલના ફિયાસ્કાએ પૂરું કરી દીધું

આ વર્લ્ડ કપની ફાઈનલ પણ 28 એપ્રિલ 2007ના દિવસે જમૈકામાં જ રમાઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ જીતની હેટ્રિક લગાવી હતી. પણ આ ફાઈનલમાં પણ જબરા લોસ્મોચા થયા હતા. એક તો વર્લ્ડ કપની ફાઈનલમાં જ વરસાદે વિઘ્ન નાખી દીધું અને ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગ કરતાં ફક્ત 38 ઓવર જ રમવી પડી.

જ્યારે શ્રીલંકાએ બેટિંગ કરી ત્યારે એકાદ પાર્ટનરશીપને બાદ કરતા એની વિકેટો સતત પડતી રહી. વચ્ચે વચ્ચે વરસાદનું વિઘ્ન આવતું રહ્યું, પણ મેચ ચાલતી રહી. પરંતુ કુદરત તો પોતાનું કામ કરે જ છે! એટલે નિશ્ચિત સમયે સૂર્યાસ્ત થવા લાગ્યો અને જેમ આપણે અગાઉ જાણ્યું હતું તેમ મેદાન પર ફ્લડલાઇટની કોઈ જ વ્યવસ્થા ન હતી આથી મેદાન પર અંધારું છવાવા લાગ્યું.

વરસાદના છેલ્લા વિઘ્ન બાદ બન્ને ટીમોના ખેલાડીઓ અને કપ્તાનોને લાગ્યું કે ડકવર્થ-લુઇસના એ સમયના નિયમ અનુસાર ઓછામાં ઓછી 20 ઓવર પતી ગઈ છે અને અંધારું પણ થવા લાગ્યું છે આથી હવે ઓસ્ટ્રેલિયાને થોડા જ સમયમાં વિજેતા જાહેર કરી દેવામાં આવશે.

પણ મેચ રેફરી જ્યોફ ક્રોએ નિયમને અલગ રીતે વાંચ્યો અને એમણે નક્કી કર્યું કે, ‘કારણકે ઓસ્ટ્રેલિયાએ 38 ઓવર રમી હતી અને શ્રીલંકા વરસાદના છેલ્લા વિઘ્ન સમયે 33 ઓવર રમી ચુક્યું છે એટલે મેચ પૂરી જાહેર કરવા માટે હજી બીજી પાંચ ઓવર રમાડો.’

બંને ટીમોના કેપ્ટનોને આ સાંભળીને આઘાત લાગી ગયો, પરંતુ અધિકારીઓનો નિયમ માથે ચડાવવો જરૂરી હતો. આથી મેચ ફરીથી ચાલુ થઇ અને એ પણ લગભગ અંધારામાં. છેવટે શ્રીલંકાની બેટિંગની 36મી ઓવર બાદ અંધારું એટલું બધું વધી ગયું કે અમ્પાયરોએ મેચ પૂર્ણ જાહેર કરી.

તો આ બધી ઘટનાઓને કારણે 2007નો વર્લ્ડ કપ આજે કોઇપણ ક્રિકેટ પ્રેમી યાદ કરવા માંગતો નથી. આ સમયે ICCની નિષ્ઠા પર પણ પ્રશ્નો ઉભા થયાં હતા. પરંતુ ભલું થજો T20ના ફોર્મેટનું કે આ ટુર્નામેન્ટ પત્યાના થોડા જ મહિનામાં સાઉથ આફ્રિકામાં T20નો પહેલો વર્લ્ડ કપ રમાયો જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સાથે ભારતના ક્રિકેટની પણ સિકલ બદલી નાખી!

એના વિશે ફરી ક્યારેક.

- સિધ્ધાર્થ છાયા

આ સમાચાર શેર કરો