શતરંગ / સુપ્રીમ કોર્ટે તો બાબા રામદેવની આંખો ખોલી નાંખી!
આ દેશની સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવની બાબતમાં એવો મજબૂત દાખલો પૂરો પાડ્યો છે કે તમારી પાછળ ભલે કરોડો ચાહકો

આ દેશની સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવની બાબતમાં એવો મજબૂત દાખલો પૂરો પાડ્યો છે કે તમારી પાછળ ભલે કરોડો ચાહકો ઘેલા હોય, તમે ગમે એવા શકિતશાળી હો કે તમારું બેકિંગ જબરદસ્ત હોય...પણ એકવાર કોર્ટે નક્કી કરી લીધું તો એ તમને આ દેશના બંધારણનો રસ્તો બતાવી જ દેશે.
જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનુલ્લાહની બેચ એ સ્પષ્ટ કહી દીધું છે કે- અમે આંધળા નથી, તમે ત્રણ વખત અમારા આદેશોનું ઉલ્લંઘન કર્યું છે. ઉપરાંત એમણે સરકારને પણ જરાક ચૂંટલો ભર્યો છે. એટલે જ અત્યારે બાબા રામદેવ બાબતે સદંતર મૌન પાળવાનું નક્કી કર્યું હશે? અને આ જરૂરી હતું. કેમ કે, બાબા રામદેવ હોય કે બીજા પાવરફુલ લોકોને વહેમ હોય છે કે અમારી પાછળ તો મોટામાથાઓનો હાથ છે. આ દેશનું બંધારણ, દેશની સુપ્રીમ કોર્ટ અમારા ઈશારે જ ચાલશે. એટલે જ ઓવરકોન્ફિડન્સમાં ફાલતુ કાગળ પર બાબાએ માંગેલી માફીનું પડીકું વળી ગયું ત્યારે ભાન થયું!
નો ડાઉટ, જમાનો માર્કેટિંગનો છે. તમે તમારી પ્રોડક્ટને પ્રમોટ કરો. પણ જનતાને ગુમરાહ કરવાનો તમને કોઈ હક નથી. એ પણ દવાઓની બાબતમાં કે જે માણસની હેલ્થ, માણસની જિંદગી સાથે સીધી જોડાયેલી છે. જગતભરની કોઈ દવાઓની કંપની એવો ક્લેઇમ નથી કરતી કે, અમારી દવાઓ ખાવાથી તમે સદંતર રોગમુક્ત થઈ જ જશો.
પણ તમે તો "કોરોનિલ" દવાનું મોટાપાયે માર્કેટિંગ કર્યું, એ પણ કોરોના જેવા ગંભીર રોગ માટે. જ્યાં માણસના જીવન મરણનો સવાલ હતો. ઉલટું, સર્વોચ્ચ અદાલતના આદેશ પછી પણ બીજી અમુક એવી જ પ્રોડલ્ટનું માર્કેટિંગ શરુ જ રહ્યું.
બેય જજોની બેન્ચે તો ઉત્તરાખંડના એક ઉચ્ચ અધિકારીને પણ તીખાં મરચા લગાડતા કહ્યું કે- તમે કહ્યું કે અમે દોષિતોને ચેતવણી આપી દીધી છે. ચેતવણીનો મતલબ શું? આ ચેતવણી છે કે મિલીભગત? તમારે તો પ્રોડક્ટ બેન કરવાની કે લાયસન્સ કેન્સલ કરવાની વાત કરવાની હોય. તમે આયુર્વેદનો ઠેકો લઈને બેઠા છો? આયુર્વેદ તો તમારા જન્મ પહેલાં પણ આ દેશમાં હતું જ. આ દેશમા અસંખ્ય નિષ્ણાંત વૈધો બેઠા છે. એ લોકો આવી કોઈ જાહેરાત નથી કરતા અને તમે આવી ભરમાવનારી જાહેરાતોનો બચાવ કરો છો?
એક આડવાત એ કે, બાબા રામદેવ આ દેશના સન્માનનીય નાગરિકોમાનાં એક છે. યોગની બાબતમાં એમણે ખરેખર કાબિલ-એ-દાદ જાગૃતિ ફેલાવી છે, અને રામદેવ બાબાની યોગ કુશળતા બાબતે કોઈ પણ શંકાને સ્થાન નથી. પણ હવે કદાચ એવું ના બને તો સારું કે પાપડી ભેગી ઈયળ બફાય એમ, હજારો લોકો એમની પ્રેરણા થકી યોગ કરતા થયા છે, આ દેશમાં અને અમુક અંશે વિદેશમાં પણ. અને, એ લોકોની નજરમાં પણ બાબાનું યોગનું સાચું કૌશલ્ય ભરોસાહિન થઈ જાય!
આયુર્વેદના નામે તમે નુડલ્સ વેચી, અને આયુર્વેદનો બિઝનેસ કરો પાછો રાષ્ટ્રવાદના નામે, તો એમાં તમારી ઇમેજનું શું? વચ્ચે કંઈક 'પતંજલી' ક્રેડિટ કાર્ડનું ઉપાડેલું, કહે છે કે પતંજલિના જીન્સ પણ મળે છે. અને અમુક નિષ્ણાંતોના મતે શુદ્ધ મધના નામે બાબા જેટલું મધ વેચે તો એટલું તો આ દેશમાં મધનું ઉત્પાદન પણ હશે કે કેમ એ પણ સવાલ છે!
ખૈર, અત્યારે તો સુપ્રીમ કોર્ટ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને માફ કરવાના બિલકુલ મૂડમાં નથી. જોઈએ હવે, આગે આગે હોતા હૈ કયા? સુપ્રીમ કોર્ટ, જે અત્યારે બાબાને માથે રાહુ બનીને બેઠી છે, એનો કેટલો પ્રકોપ બાબા અને આચાર્યએ સહન કરવો પડશે!








