મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / એક નાનકડી વાર્તા: લિખિતંગ

- થ્રિલ માંગે મોર સાઇકોલોજીના વર્ગમાં શિક્ષિકાએ પૂછ્યું, ‘પોતાની સ્થિતિ કે દર્દ પ્રત્યે તો આપણે લાગણીશીલ હોઈએ જ, પણ ક

શતરંગ / એક નાનકડી વાર્તા: લિખિતંગ

- થ્રિલ માંગે મોર

સાઇકોલોજીના વર્ગમાં શિક્ષિકાએ પૂછ્યું, ‘પોતાની સ્થિતિ કે દર્દ પ્રત્યે તો આપણે લાગણીશીલ હોઈએ જ, પણ કોઈ બીજાના દુઃખ પ્રત્યે એટલી જ સંવેદના આપણા હૃદયમાં જન્મે ખરી? બોલો કોણ બોલશે આ વિશે?’

બારમા ધોરણમાં નવું એડમિશન લઈને આવેલી પ્રાચીએ હાથ ઊંચો કર્યો અને બોલવાનું શરૂ કર્યું, ‘મેમ, સૌ કહે કે બીજાના દુઃખ પ્રત્યે સહાનુભૂતિ માટે જે-તે વ્યક્તિની જગ્યાએ પોતાને રાખીને જોવી જોઈએ. જેમ કે લગ્નની વિદાય વખતે આસપાસ રડતી મોટાભાગની સ્ત્રીઓ નવવધૂ માટે નહીં, પણ પોતાના લગ્નની વિદાય યાદ કરીને રડતી હોય છે. પણ જેમના લગ્ન નથી થયા તેમનું શું? એટલે મને એમ લાગે છે કે વ્યક્તિના બદલે જો આપણે ઘટનાને જ કેન્દ્રમાં રાખીએ તો અમુક નહીં, દરેક દુઃખદ ઘટનામાં બીજા પ્રત્યે વધુ સંવેદના જન્મે.’

શિક્ષિકાએ આ સાંભળીને કહ્યું, ‘છે તો નવો દ્રષ્ટિકોણ. પણ તેને આધાર વગર રજૂ ન કરી શકાય, પ્રાચી. કોઈ ઉદાહરણ?’

પ્રાચીએ બે ક્ષણ થોભીને પાછું બોલવાનું શરૂ કર્યું, ‘હા, મેમ. ખૂબ જ પર્સનલ ઉદાહરણ છે, પણ સાઇકોલોજી પણ તો એ જ ચીજ છે એટલે હું શેર કરીશ. મારી દીદી સ્કૂલમાં એક છોકરાને પ્રેમ કરતી હતી. તે છોકરો પણ તેમને પ્રેમ કરતો હતો. પણ કોઈ બીજા છોકરાઓએ સ્કૂલમાં એમના વિશે ગંદી વાતો ફેલાવી જે દીદી સહન ન કરી શકી અને તેમણે સ્કૂલ બદલવી પડી. આ ઘટનામાં હું દીદીની જગ્યાએ ખુદને રાખવાના બદલે જે ખરાબ થયું એ ઘટના વિશે વિચારું તો મને વધુ દુઃખ થાય!’

શિક્ષિકાએ પ્રાચીની ફિલસૂફીના વખાણ કર્યા. બીજા વિદ્યાર્થીઓએ પણ ચર્ચામાં ભાગ લીધો અને વર્ગ પૂરો થયો. બધા બહાર નીકળ્યા એટલે વર્ગની સૌથી પાછલી બેન્ચ પર અત્યાર સુધી પ્રાચીને એકીટશે જોઈ રહેલા અનંતે ઊભા થતા મિત્ર નલિનને પાછો બેસાડતા કહ્યું, ‘છે ને તારી ભાભી બ્યુટી વિથ બ્રેન!’

નલિને ખુશ થતા કહ્યું, ‘બસ આ જ વાત પર લખ્યું છે આજે, વાંચ.’

નલિને પોતાની બૂકની પાછળનું પાનું ખોલીને એને અનંત સામે ધરી દીધી. તેમાં લખ્યું હતું-

તસવીર પર તારી લખું ને આરસી રિસાય,

ફિલસૂફી તારી કહું ને બોલ જો રિસાય,

જામી છે તારા અને તુજમાં જ આ સ્પર્ધા અજબ,

તું જ હવે બોલી દે હૈયું ક્યાં જઈ સમાય?

કવિ નલિન જોશી.

અનંતે કહ્યું, ‘‘યાર! તને તો ખબર છે કે મને આમાં બહુ રસ ન પડે. પણ દીપ્તિના વખાણ કર્યા હોય એવું લાગે છે."

‘અરે! છોકરીને પ્રેમથી આવું કહીએ ને તો એ રાજી રાજી થઈ જાય, ખબર છે?’

‘એમ? તારો પ્રેમ ખબર છે હો મને. હિંમત હોય તો દીપ્તિને જ શાયરી વંચાવ ને.’ અનંતે નલિનના પડકારજનક સવાલ

પૂછ્યો.

‘તું એ મૂક ને.’ નલિને આંખમાં હતાશા સાથે અનંતનો સવાલ ટાળી દીધો.

‘તું મૂક ને. આ શાયરી પ્રાચીની બેન્ચ પર મારું નામ લખીને. રાજી થઈ જાય તો કામ થઈ જાય. મને હમણાં હમણાંથી એ બહુ ગમવા માંડી છે યાર. દોસ્ત કવિ હોય તો આટલી મદદ તો કરે જ ને.’ અનંત અધીરાઈમાં હકથી બોલી ગયો.

નલિને હસીને હકારમાં માથું ધુણાવ્યું એટલે અનંતે ઉમેર્યું, ‘ચાલ તો પછી એક-બે મસ્ત દિલ દોર અને સારા અક્ષરમાં લખી કાઢ. ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષર અધૂરા પ્રેમની નિશાની છે. જલ્દી કરજે, રીસેસ પૂરી થાય એ પહેલાં બેન્ચ પર મૂકી દઈએ.’

નલિને અચરજમાં પૂછ્યું, ‘અત્યારે જ?’

‘હાસ્તો, સારા કામમાં મોડું શું!’ અનંતે બિનધાસ્ત સૂરમાં કહી દીધું.

નલિને એક ગુલાબી કાગળમાં શાયરી ઊતારી, ફટાફટ થોડી ડિઝાઇન બનાવી અને પોતે લખેલો અનંતનો પ્રેમપત્ર તેના હાથમાં મૂકી દીધો. અનંતે રીસેસ પૂરી થવાની બીકમાં પત્ર જોયા વિના જ પ્રાચીની બેન્ચમાં એ રીતે મૂકી દીધો કે કે તરત જ ત્યાં તેની નજર જાય. તે જયારે પત્ર મૂકી રહ્યો હતો ત્યારે દરવાજા પાસેથી કોઈ તેને જોતું હોય તેમ લાગ્યું એટલે ફટાફટ તેણે નલિનને ઈશારો કર્યો અને બંને વર્ગની બહાર નીકળી ગયા.

બંનેના ચહેરા પર રોમાંચના ભાવ હતા, પણ જેવા તેઓ સ્કૂલ કમ્પાઉન્ડમાં પહોંચ્યા કે અનંત અચાનક કશુંક યાદ આવ્યું હોય તેમ બોલી ઊઠ્યો, ‘ઓય, તે શાયરીની નીચે નામમાં શું લખ્યું?’

‘તારું જ નામ કેમ?’

‘પાક્કું? કેમ કે તું શાયરીમાં તારું નામ લખ્યા વગર રહેતો નથી. અરે! પ્રેમના બે-ત્રણ રફ શબ્દ લખ્યા હોય તો પણ નીચે નલિન જોશી લખેલું તો દેખાય જ.’ અનંતની ચિંતા વધી રહી હતી.

‘પ્રેમમાં લખાયેલ એકપણ શબ્દ રફ નથી હોતો.’

અનંત ખોટા સમયે નલિનના ફિલ્મી ડાયલોગથી ભડક્યો, ‘ઓ કવિ મહાશય. અહીં મારો પ્રેમપત્ર તેના સરનામે પહોંચી ગયો છે, પણ મોકલનારના નામના ઠેકાણા નથી ને તું બકવાસ કરે છે?’

‘પ્રેમમાં બોલાયેલ એકપણ શબ્દ બક…’

‘તારી તો કહું તને હમણાં…’

‘અરે! તારું જ નામ લખ્યું છે ભાઈ, ટેંશન ન લે.’ નલિને હસતાં હસતાં ખાતરી સાથે કહ્યું.

છતાં અનંતને વિશ્વાસ ન બેસતા તેણે નલિનને ફટાફટ પત્રમાં નામ તપાસી આવવા કહ્યું. નલિન તેની જીદ સામે હારીને જવા તૈયાર તો થયો, પણ ડરતાં ડરતાં તે માંડ વર્ગમાં પ્રાચીની બેન્ચ પાસે પહોંચ્યો. પણ તે પત્ર ઊઠાવીને જુએ એ પહેલાં જાણે તેની જ રાહ જોતી બહાર સંતાઈને ઊભી હોય તેમ પ્રાચી તેની બહેનપણીઓ સાથે આવી પહોંચી. ત્યાંથી ઝડપથી દૂર હટવાની કોશિશમાં નલિનનો હાથ પત્રને અડ્યો ને પ્રાચીની નજર સામે જ નીચે પડ્યો. નલિન બેન્ચ પાસે પૂતળાની જેમ ઊભો જ રહી ગયો. પ્રાચીએ પત્ર ઊઠાવ્યો અને નલિનની સામે જોયું. ત્યાં જ અધીરો અનંત પણ દરવાજે આવી પહોંચ્યો.

પ્રાચીએ નલિન સામે પ્રેમભરી નજરે જોયું અને પછી શરમાઈને બોલી, ‘આઈ લવ યુ ટુ, નલિન!’

અનંત આ જોઈને સીધો જ ગુસ્સામાં દરવાજાની બહાર નીકળી ગયો. એટલે નલિન પણ તરત જ તેની પાછળ દોડ્યો.

‘ભાઈ મેં કોઈ ભૂલ નથી કરી. મેં તારું જ નામ લખ્યું હતું.’ નલિને અનંતના ખભે જોરથી હાથ રાખીને તેને રોકતા કહ્યું.

‘ભૂલ તો મારી થઈ કે હું તને ઓળખી ન શક્યો, ભાઈ. બહુ મોટો આદર્શવાદી પ્રેમી કવિ તું તો. પોતાનો પ્રેમ કોઈ બીજું લઇ ગયું તો મારા પ્રેમમાં નજર નાખવાની?’ અનંત જોરથી બરાડી ઊઠ્યો.

આ સાંભળીને સ્કૂલના મોટાભાગના વિદ્યાર્થીઓ વર્ગમાં જવાના બદલે તમાશો જોવા ઊભા રહી ગયા. નલિને અનંતને ખૂબ મનાવવાની કોશિશ કરી પણ તે ન માન્યો. બંને ખૂબ જ ઝગડ્યા અને આખી સ્કૂલે બે જીગરજાન મિત્રોના જિંદગીભર એકબીજાનું મોં સુધ્ધાં નહીં જોવાના સોગંદનો તમાશો જોયો.

બપોરે વર્ગ છૂટ્યો ત્યારે અનંત અને નલિનને સૌએ અલગ-અલગ બેન્ચ પરથી ઊભા થતા જોયા. વર્ગમાંથી બહાર નીકળતા સૌની પાછળ ચાલતી પ્રાચીએ પોતાની બેગમાંથી ‘લિખિતંગ અનંત’ લખેલા ગુલાબી પ્રેમપત્રની બાજુમાં પડેલો ફોન કાઢ્યો. કોલ ડાયલ કરીને થોડીવારમાં તે બોલી, ‘હેલ્લો દીપ્તિ‘દી, તમે તો સાવ ખોટું ટેંશન લેતાં હતાં. મારે તો કંઈ કરવું જ ન પડ્યું. બંને શિકારીઓ સામેથી જ આવીને શિકાર બની ગયા!’

- દિવ્યકાંત પંડ્યા

આ સમાચાર શેર કરો