શતરંગ / નાનકડી વાર્તા: શણગાર
- થ્રિલ માંગે મોર ‘ચાલ ચાલ, હવે કેટલી વાર?’ જગતે ટેરેસ પરથી દાદરે ધીમે-ધીમે ચાલીને આવતી રોશનીને

- થ્રિલ માંગે મોર
‘ચાલ ચાલ, હવે કેટલી વાર?’ જગતે ટેરેસ પરથી દાદરે ધીમે-ધીમે ચાલીને આવતી રોશનીને કહ્યું.
‘અરે! આવી ગઈ.’ રોશનીએ સ્લીટ ગાઉનનો એક છેડો પકડીને ધ્યાનથી દાદરો ચડતા કહ્યું.
‘ક્યારનો બધું રેડી કરીને બેઠો છું ને તે કેટલી વાર લગાડી.’
‘એ તો લાગે હો.’
‘એમાં આ ડ્રેસનો જ વાંક છે. આપણે કંઈ કેન્ડલ લાઈટ ડિનર માટે મળ્યા છીએ કે તું આમ સાડા સત્તર શણગાર સજીને આવી છે.’ જગતે રોશનીને છેલ્લું પગથિયું ચડવા હાથ આપતા કહ્યું.
‘સાડા સત્તર? સોળ શણગાર આવે.’ રોશનીએ 12મા માળ ઉપર આવેલા ટેરેસ પરથી શહેરની રાતની ખૂબસૂરતી તરફ નજર કરતાં કહ્યું.
‘તું દોઢ ડાહી રહી ને. એ દોઢ પણ તો ઉમેરવા પડે ને.’ જગતે હસતાં હસતાં કહ્યું.
રોશનીએ બનાવટી ગુસ્સો કર્યા પછી જગતે ગોઠવેલા ટેબલ નજીક જતા કહ્યું, ‘મને બીક લાગે છે હો.’
જગત રોશની માટે ખુરશી ખેંચી તેને બેસાડતા બોલ્યો, ‘અરે ટેંશન લેવાની કોઈ વાત નથી યાર. સોસાયટી આખી આમ તો વિસર્જનમાં ગઈ છે. વોચમેન આપણી સાઈડ જ છે. અહીં એમ પણ કોઈને આવવાની છૂટ નથી, એટલે કોઈને આપણે અહીં બેઠા છીએ એ વાતની ખબર પણ નહીં પડે. આજે તો બસ તું, હું અને આ શરાબ!’
‘એ સાચું પણ મને તોય બીક લાગે યાર!’
‘કેમ?’ જગતે સામેની ખુરશીમાં બેસતા કહ્યું.
‘તને ખબર તો છે બધી. લાસ્ટ ટાઈમ અહીં જે થયું એ પછી છેક આજે આવી છું હું. રીના મારી પણ ખાસ ફ્રેન્ડ હતી. ઈન ફેક્ટ તે એક જ તો ફ્રેન્ડ હતી મારી એ પાર્ટીમાં.’ રોશની વાતોને ગંભીર દિશામાં વાળી.
‘હું સમજી શકું તારી ફીલિંગ્સ. પણ જો પાર્ટી મારે ત્યાં જ તો હતી, મને પણ કંઈ ભુલાયું નથી. પણ બહુ નહીં વિચારવાનું ભૂતકાળ વિશે.’ જગતે સોડા નાખીને વોડકાના બે પેગ બનાવી એમાંથી એક રોશની સામે ધરતા કહ્યું.
‘આ બધું પેલી મેડમ જ કહેતી લાગે છે. હે ને?’ રોશનીએ પહેલો ઘૂંટડો ગળામાં ઉતારતા કહ્યું.
‘બસ હવે બે જ સેશન્સ બચ્યા છે. પછી થેરપી પૂરી.’
‘તને શું લાગે છે? તારે થેરપીની જરૂર હતી? આઈ એમ સોરી બટ…’
જગતે ઘડીભર તેની સામે જોયું. પછી એક મોટો ઘૂંટ ગળે ઉતારીને બોલવાનું શરૂ કર્યું, ‘જો તને ખબર જ છે કે ઘરની પરિસ્થિતિ, બચપણમાં મમ્મી-પપ્પાના ઝગડાઓ આ બધું જ હંમેશાં મારા મનમાં રહ્યું છે. એ ટ્રોમા દૂર કરવાનો મેં કદી પ્રયાસ જ નહોતો કર્યો. મને તો નહોતું જ લાગતું કે હું શોર્ટ ટેમ્પર છું, પણ અમુક સંબંધો ખરાબ થયા પછી સૌએ કહ્યું ત્યારે થયું કે ટ્રાય કરીએ.’
‘મતલબ તને તો નહોતું જ લાગતું ને કે જરૂર છે?’
‘મને બસ એટલી ખબર છે કે હવે હું ખુદમાં ઘણો ફેરફાર જોઈ શકું છું. મને સારું ફીલ થાય છે.’ જગતે બંનેના ગ્લાસમાં વોડકા રેડતા એકદમ શાંતિથી જવાબ આપ્યો.
‘આઈ એમ રિયલી હેપ્પી કે તારા જેવા સમજદાર છોકરા સાથે રીનાએ મને મળાવી. આપણા પ્રેમનું કારણ રીના જ ને!’ રોશનીએ સિગરેટ સળગાવતા કહ્યું.
‘આઈ એમ અલ્સો થેન્કફૂલ ટુ રીના.’
‘પણ અફસોસ કે આપણી ફર્સ્ટ મિટિંગનો દિવસ જ રીનાનો આખરી દિવસ…’ આટલું બોલીને રોશની ભાવુક બનીને અટકી ગઈ. સિગરેટનો કશ ખેંચીને તેણે એ જગત સામે લંબાવી. જગતે પણ સિગરેટને હોઠ વચ્ચે રાખીને એક કશ લીધો અને પછી ગ્લાસ મોંએ લગાવ્યો.
થોડી સ્વસ્થ થવાની કોશિશ પછી રોશની આગળ બોલી, ‘તને ખબર છે એ દિવસે હું આવવાની જ નહોતી. પણ રીનાએ મને ફોર્સ કર્યો કે જગતના ઘરે હાઉસ વોર્મિંગ હોય અને હું ન જાઉં એમ બને જ નહીં. અને એ એવો ફ્રેન્ડ છે કે એને ત્યાં હું તને તો સાથે લઇ જ શકું. મેં મારો બીજો પ્લાન કેન્સલ કરીને તેની જીદ સામે હા પાડી હતી. જો તેને કોઈ રીતે અહીં ન આવવા મનાવી લીધી હોત ને તો તે દિવસે જે બન્યું એ ન બન્યું હોત.’
‘બિલકુલ ખરું. પણ શું બન્યું, કેવી રીતે બન્યું એ કશી જ ખબર નથી. હું પણ ક્યારેક એ ઘટના વિશે વિચારતા ખુદને રોકી નથી શકતો. રીના વોઝ સો ક્લોઝ ટુ માય હાર્ટ. કેવી રીતે તેનો પગ લપસ્યો અને…’ જગતે પોતાના ગ્લાસમાં સોડા ઉમેરતા કહ્યું.
રોશનીએ ગ્લાસમાંથી એક મોટો ઘૂંટડો ભર્યો અને આવેશમાં બોલી ‘નો, યુ આર રોન્ગ. તેનો પગ લપસ્યો નથી. પાક્કું કોઈએ…અને સાલા આ પોલીસવાળાઓ આટલા સમયે પણ ખૂનીને પકડી નથી શક્યા. મેં તો તારા સર્કલમાં એવું પણ સાંભળ્યું છે કે તે કોઈના પ્રેમમાં હતી. અને તેના એ અજ્ઞાત પ્રેમીએ જ તેને એ દિવસે ખૂબ બધો દારૂ પીવડાવ્યો અને…મને એ પાળ જોઈને…‘ રોશની આટલું બોલતા તો રડી પડી.
જગતે બંનેના ગ્લાસમાં વોડકા અને સોડા ઉમેરીને ઊભા થતા કહ્યું, ‘આમ મનમાં આટલું બધું દબાવી ન રાખ, રોશની. કોઈ પણ ચીજનો ઉકેલ લાવવા તેનો સામનો કરવો જરૂરી છે. ચાલ ગ્લાસ લઈ લે અને આપણે એ પાળ પાસે જ જઈને વાત કરીએ.’
‘ત્યાં જવાની શું જરૂર છે?’ રોશનીએ રડતાં સ્વરે કહ્યું.
જગતે રોશનીનો હાથ પકડ્યો અને તેને ઊભી કરતાં કહ્યું, ‘તું ચાલ તો ખરી તને સારું લાગશે.’
રોશની અને જગત ગ્લાસ હાથમાં લઈને જ ટેરેસની પાળ પાસે પહોંચ્યા. જગતની આંખો દારૂના કારણે લાલ થઈ ચૂકી હતી. રોશની જગતના હાથમાંથી પોતાનો હાથ છોડાવતી વખતે તેની સામે જોઈને ડરી ગઈ. જગતે પાળ પાસે પહોંચીને તરત જ તેને નીચે જોવા કહ્યું જ્યાં પેલી રાતે રીના લોહીલુહાણ પડી હતી.
‘હવે ઉપર જોઈને ચાલ રીનાને યાદ કરીએ…’ એમ કહીને જગતે રોશનીના ખભે પીઠ પાછળથી હાથ મૂક્યો કે રોશની જોરથી ચીસ પાડી ઊઠી.
એ સાથે જ ત્યાં જાણે રાહ જોઈને બેઠા હોય તેમ ટેરેસના દરવાજેથી ત્રણ પોલીસમેન, એક લેડી કોન્સ્ટેબલ, બે સોસાયટીના માણસો અને વોચમેન દોડતા આવી પહોંચ્યા. તરત જ જગતને રોશનીથી અલગ કરીને તેના હાથમાંથી ગ્લાસ છીનવીને બે પોલીસમેને તેને હથકડી પહેરાવી દીધી. જગત કંઈ સમજી ન શક્યો કે આ બધું અચાનક શું થઈ ગયું. તેને ફક્ત એક હવાલદારના મોઢે એટલું સંભળાયું કે ‘એકને મારીને બીજીને મારવા નીકળ્યો હતો સાલો મગજનો અસ્થિર. આજે તો પરાક્રમ કરતા પહેલા ઝડપી લીધો.’
હેબતાઈ ગયેલી રોશની દૂર ખસી ગઈ. તે તેનાથી દૂર જતા જગતને એમ કહેતા સાંભળી રહી, ‘રોશની આ લોકોને કહે કે આપણે તો એકબીજાને પ્રેમ કરીએ છીએ…રોશની…’
એક મહિલા હવાલદારે રોશનીને પૂછ્યું, ‘તમે ઠીક છો ને?’
રોશની માંડ શાંત થતાં બોલી, ‘હા, હું ઠીક છું. તમે પ્લાન મુજબ આવી ગયા એ સારું કર્યું, નહીં તો કોણ જાણે…’
થોડીવાર પછી ટેરેસ પરથી નીચે ઊતરતા સૌની પાછળ ચાલતી રોશની ધીમા અવાજે ફોનમાં વાત કરતા બોલી, ‘કામ થઈ ગયું. આપણી વિરુદ્ધ સબૂત મળવાના જ હતા ગમે ત્યારે. પણ રીનાના મામલામાં આ ચંપકને ફિટ કરવાનો પ્લાન એકદમ પરફેક્ટ!’
- દિવ્યકાંત પંડ્યા








