મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / નાનકડી વાર્તા: રાજીનામું

- થ્રીલ માંગે મોર ‘તને ખબર છે મન્ડેમાં ‘આર’નો મતલબ રિલેક્સ થાય?’ આઇટી કંપનીમાં કામ કરતી અંકિતાએ પોતાની ડેસ

શતરંગ / નાનકડી વાર્તા: રાજીનામું

- થ્રીલ માંગે મોર

‘તને ખબર છે મન્ડેમાં ‘આર’નો મતલબ રિલેક્સ થાય?’ આઇટી કંપનીમાં કામ કરતી અંકિતાએ પોતાની ડેસ્ક પરથી જ ક્રોસ ડેસ્ક પર રહેલા વૈભવને પૂછ્યું.

વૈભવ સહીત આજુબાજુના બધા ટીમ મેમ્બર્સ આ સાંભળીને ચોંક્યા.

‘પણ મન્ડેમાં ક્યાં ‘આર’ આવે જ છે?’ વૈભવ જવાબ આપે એ પહેલાં શિવાની બોલી ઊઠી.

અંકિતાએ હસીને કહ્યું, ‘એક્ઝેક્ટ્લી.’

સમીર બોલ્યો, ‘ઓહ! સ્માર્ટ હા!’

પણ રોહિણીએ નિસાસો નાખતાં કહ્યું, ‘હા, યાર. આજકાલ તો વર્કલોડ એટલો છે કે બધા જ દિવસ મન્ડે લાગે છે.’

ત્યાં જ વૈભવના મોનિટર પર આઈપી મેસેન્જરમાં એક નોટિફિકેશન આવી. એ જોઈને તે બોલ્યો, ‘ને એ વર્કલોડ હજુ વધવાનો જ છે. અમોલે સૌને બોલાવ્યા છે, ચાલો.’

પાંચેય તેમના ક્યુબીકલમાંથી ઊભા થઈને કોન્ફરન્સ રૂમ તરફ ચાલવા લાગ્યા. પ્રોજેક્ટ મેનેજર અમોલ તેમને બહાર જ મળી ગયો. સૌ અંદર દાખલ થયા.

અમોલે મિટિંગની શરૂઆત કરી, ‘એક ગુડ ન્યુઝ છે. નવો પ્રોજેક્ટ આવ્યો છે. એક-બે દિવસમાં જ આપણને કમ્પ્લીટ બ્રિફિંગ મળી જશે. પણ આ પ્રોજેક્ટ અલગ છે. બહુ જ ઈમ્પોર્ટન્ટ ગવર્મેન્ટ પ્રોજેક્ટ છે. અને લાસ્ટ પ્રોજેક્ટની જેમ જ આપણે રાત-દિવસ કામ કરીને આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો છે. બટ આઈ નો યુ ઓલ આર વિથ મી. તો પ્રોજેક્ટને લીડ કરવા તમારામાંથી જ એક ટીમ લીડર પણ મને જોઈશે. બોલો કોણ રેડી છે?’

બધાએ પોતાનો હાથ ઊંચો કર્યો.

અમોલે હસીને કહ્યું, ‘ગ્રેટ, ધેટ્સ ધ સ્પિરિટ. પણ તમારું પરફોર્મન્સ ઇવેલ્યુટ થશે પછી જ નક્કી થશે. અને હા, એક બીજી વાત. આ પ્રોજેક્ટ આર્મી રિલેટેડ છે. એટલે બહુ જ કોન્ફીડેન્શીયલ છે. એની કશી જ માહિતી લીક થવી જોઈએ નહીં. અપર મેનેજમેન્ટમાંથી પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોને જ આ માહિતી મળવાની છે, સૌને નહીં. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. સો લેટ્સ હેવ અનધર મિટિંગ ઈન ટુ ડેય્ઝ ઓર સો ફોર બ્રિફિંગ.’

સૌ ઊભા થયા. અમોલ સૌને થેન્ક યુ કહીને રૂમની બહાર નીકળ્યો. પણ વૈભવે પાછા બેસતા કહ્યું, ‘ફ્રેન્ડ્ઝ, યાર આપણે શું કરી રહ્યા છીએ?’

સૌ વૈભવને બેસેલો જોઈને પાછા પોતાની સીટ પર બેસી ગયા.

અંકિતાએ પૂછ્યું, ‘શું થયું? કહેવા શું માંગે છે?’

ફરી પાછો વૈભવ જવાબ આપે એ પહેલાં શિવાની વચ્ચે બોલી ઊઠી, ‘યસ વૈભવ, મને પણ લાગે છે કે અમોલે કહ્યું કે રાત- દિવસ કામ કરવું પડશે મતલબ આ પ્રોજેક્ટની ડેડલાઈન પણ અનરિયાલિસ્ટિક જ હશે.’

‘હા, જાણે આ કંપની જ આપણી લાઈફ હોય એવું થઈ ગયું છે.’ રોહિણીએ પણ પોતાની હાજરી પૂરાવી.

‘તમને ખબર છે આ લાસ્ટ પ્રોજેક્ટમાં હું એટલી સૌથી ડિસ્કનેક્ટ થઈ ગઈ હતી કે મારી ભાણી મને વીડિયો કોલમાં ઓળખી જ ન શકી બોલ. અને મારા મમ્મી તો ક્યારેક મને એમ કહી દે છે કે બેટા ઓફિસે કરે છે તો ક્યારેક ઘરે પણ કચરા-પોતા કરતી હોય તો.’ અંકિતા હળવાશમાં બોલી.

આ બધા વચ્ચે સમીર કશું બોલી નહોતો રહ્યો. તે માત્ર સાંભળતો વિચાર કરતો બેઠો હતો.

વૈભવે ઊભા થઈને કહ્યું, થોડું ઘણું વર્ક પ્રેશર તો હેન્ડલ થાય, પણ આ કંઈક વધુ જ છે. હું મારી પર્સનલ લાઈફ જોબના કારણે બરબાદ ન કરી શકું. અને ટીમ લીડરની ગોળી પણ આપણને દર વખતે પાય છે. છેલ્લે એમ કહી દે છે કે અપર મેનેજમેન્ટ નવા ટીમ લીડરને હાયર કરવા ઈચ્છે છે. સો, આઈ એમ ડન નાઉ.’

‘મતલબ? કંઈ પ્લાન છે તારા માઈન્ડમાં?’ રોહિણીએ પૂછ્યું.

‘હા, હું રાજીનામું આપવાનું વિચારું છું.’ વૈભવે બિનધાસ્ત કહી દીધું.

‘એક્ચ્યુલી હું પણ કેટલાય સમયથી રિઝાઈન કરવાનું વિચારી જ રહી હતી. અહીં ગ્રોથ છે, પણ લાઈફ નથી.’ અંકિતાએ પણ પોતાના મનની વાત કહી.

‘હું પણ તમારી સાથે જ છું. મને લાગે છે કે આપણે એક કામ કરવું જોઈએ.’ રોહિણીએ પણ સાથ આપતાં કહ્યું.

‘માસ રેઝિગ્નેશન?’ શિવાની ફટાફટ બોલી ગઈ.

અંકિતાએ યોજના બનાવતા કહ્યું, ‘’યસ લેટ્સ ડુ ધીસ. બધા રાજીનામું આપીશું તો તેમના પર પ્રેશર આવશે. જો નેગોશીયેટ કરશે તો સેલરી અને ડેડલાઈન એક્સ્ટેંશનની વાત કરીશું. નહીં તો મને રિઝાઈનમાં કોઈ જ ઈશ્યુ નથી.’

વૈભવે સમીર સામે જોઈને કહ્યું, ‘ભાઈ તું તો કંઈ બોલ. તું ઈન છે ને આમાં?’

સમીરે તેમની વાતોમાં પરાણે જોડાવું પડતું હોય એ રીતે બોલ્યો, ‘અરે! હા હા. હું ઈન જ છું.’

તે આટલું કહીને વોશરૂમ જવાનો ઈશારો કરીને કોન્ફરન્સ રૂમમાંથી ઝડપથી બહાર નીકળી ગયો. બાકીના ચારેય પણ પોતપોતાની ડેસ્ક પર આવીને ગોઠવાયા.

આખી ટીમે આ આયોજનમાં જ આખો દિવસ કાઢ્યો. સાંજ પડવા આવી એટલે કાલે રેઝિગ્નેશન ઇમેઇલ કરીશું એવું નક્કી કરીને જેવા સૌ ઓફિસમાંથી નીકળવા માટે ઊભા થયા કે અમોલે તેમને દૂરથી જ કોન્ફરન્સ રૂમમાં આવવા માટે ઈશારો કર્યો.

સૌ આપસમાં ગુસપુસ કરતા કોન્ફરન્સ રૂમમાં દાખલ થયા કે અમોલે સીધું જ કહી દીધું, ‘મને તમારા પ્લાનની ખબર પડી ચૂકી છે.’

સૌનું ધ્યાન એકસાથે સમીર તરફ ગયું, કેમ કે તે એક જ હતો કે જે આ આયોજન સાથે પૂરેપૂરો સહમત નહોતો.

અમોલ આગળ બોલ્યો, ‘બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ સે એનીથિંગ અબાઉટ ઈટ. મારે ફક્ત સમીરને કશુંક કહેવું છે.’

સમીરે કહ્યું, ‘યસ!’

‘યુ આર ફાયર્ડ.’

રૂમમાં હાજર સૌને આ સાંભળીને આશ્ચર્ય થયું. સમીર પણ બોલી ઊઠ્યો, ‘ઓહ! કેમ?’

અમોલે અતિશય ગંભીરતાથી થોડા મોટા અવાજે કહ્યું, ‘તું તારા ફ્રેન્ડ્સની આવી મહત્વની વાત ન સાચવી શક્યો, તો કંપનીના પ્રોજેક્ટની સિક્રેટ ઇન્ફર્મેશન શું સાચવવાનો હતો! અગાઉ પણ તારા વિશે હું ઘણું સાંભળી ચૂક્યો છું. આઈ કાન્ટ હેવ યુ ઈન ધીસ પ્રોજેક્ટ ઓર ધ કંપની.’

‘બટ, સર…’

‘યુ કેન લીવ રાઈટ નાઉ. કાલથી આવવાની જરૂર નથી.’

‘કાલથી જ? નોટિસ પિરિયડ?’  સમીરે આજીજીના સ્વરમાં કહ્યું.

‘નો નોટિસ પિરિયડ. હું અત્યારે જ એચઆરને બોલાવીને તારી સેલરી અને ફાઇનલ સેટલમેન્ટ પેમેન્ટનું પણ પતાવી દઉં છું. ધેર શૂટ નોટ બી એની કનેક્શન ફ્રોમ ધીસ કંપની વિથ યુ.’ અમોલનો ગુસ્સો વધતો જતો હતો.

સમીર આ સાંભળીને ગુસ્સામાં પોતાની બેગ લઈને હંમેશ માટે ઓફિસની બહાર નીકળી ગયો. બાકીના સૌ એ વિચારમાં પડી ગયા કે સમીર અને અમોલમાંથી યોગ્ય કોણ!

અમોલે આગળ ઉમેર્યું, ‘થેન્ક યુ વૈભવ એન્ડ ટીમ, મારા કહેવા પર આ રેઝિગ્નેશનનું નાટક કરવા માટે. મને હતું જ કે સમીર વિશ્વાસપાત્ર વ્યક્તિ નથી.’

ત્યાં જ ખુશીથી વૈભવ બોલ્યો, ‘વૈભવ એન્ડ ટીમ? યુ મીન…’

અમોલના જવાબ પહેલાં શિવાની બોલી ઊઠી, ‘સોરી, એક્ચ્યુલી અપર મેનેજમેન્ટ નવા ટીમ લીડરને હાયર કરવા ઈચ્છે છે, રાઈટ?’

અમોલે હકારમાં માથું હલાવ્યું એટલે વૈભવ સહીત સૌ નિરાશ થઈ ગયા.

* * *

રાતે અગિયાર વાગે અમોલે ટેરેસ પર બીયરનો ગ્લાસ ઊઠાવીને સામે બેસેલા સમીર સાથે ચિયર્સ કર્યું તો સમીરથી પણ બોલ્યા વિના ન રહેવાયું, ‘થેન્ક યુ યાર અમોલ આ આખો ડ્રામા કરવા માટે. જો મેં રાજીનામું આપ્યું હોત તો ત્રણ મહિનાના નોટિસ પિરિયડ અને ફાઇનલ પેમેન્ટના ચક્કરમાં હંમેશ માટે ઓસ્ટ્રેલિયા જવાની તક હું ચૂકી જાત!’

- દિવ્યકાંત પંડ્યા

આ સમાચાર શેર કરો