શતરંગ / નાનકડી વાર્તા: મુખવાસ
- થ્રિલ માંગે મોર ‘સાય્બ, તમને હાચું કહું સુ. મારાવાળી તમે ખાઈ ગ્યા હો તોય વાંધો નહીં. પણ મને ગમે ત્યાંથી લઈન આ

- થ્રિલ માંગે મોર
‘સાય્બ, તમને હાચું કહું સુ. મારાવાળી તમે ખાઈ ગ્યા હો તોય વાંધો નહીં. પણ મને ગમે ત્યાંથી લઈન આપો.’ સવજીએ સવારે લોકઅપ તરફ હવાલદાર આંટો મારવા આવ્યો કે તરત જ તમાકુની પડીકીની માગણી કરી.
‘તું યાર અઘરી વિકેટ છે. ચૂપ થઈ જા. મોટા સાહેબ આવશે ને સાંભળશે ને તો તમાકુ નહીં, પાછા રાતની જેમ ડંડા મળશે.’ હવાલદાર રાઘવે ડરાવવાની કોશિશ કરી.
હવાલદારની ધમકીથી લોકઅપમાં રહેલા બીજા બે જણ તો બીકમાં શાંતિથી બેસી રહ્યા, પણ સાડત્રીસેક પહોંચેલો સવજી પાછો બાળકની જેમ જીદ કરવા લાગ્યો.
‘અરે ઈ હાટુ તો ડંડાય સહન કરી લય્શ. મારે હવારે જોઈ. તમે હમજો ને, સાય્બ.’ સવજીએ વધુ આજીજીથી કહ્યું.
‘અલ્યા, આ પોલીસ સ્ટેશન છે, આયાં નો મળે જોતું હોય એ બધું.’ રાઘવે સાફ ના પાડી.
સવજી થોડું જોરથી બોલ્યો, ‘સાય્બ, પડીકી આપો તો કારણ કહું.’
‘પાક્કું?’ રાઘવે આંખમાં ચમક સાથે કહ્યું.
‘હા.’
રાઘવે સામે પડેલા કબાટમાંથી તરત જ સવજીની પડીકી કાઢીને પૂછ્યું, ‘કારણ બોલ, પછી આ તારા હાથમાં.’
‘સાય્બ, એમાં એવું છે ને કે આ તમાકુ વગર મારી હવાર હવાર નહીં. હું નો ખાવ ને ત્યાં હુધી મારું બાથરૂમનું કામ બંધ રયે.’
‘અરે! ટ્રેકટર કેમ ચડાવ્યું એનું કારણ કે. તમાકુનું નહીં.’ રાઘવ અકળાઈ ગયો.
‘મેં ક્યાં કીધુ થું ટેક્ટરનું કારણ કઈશ. મેં તો આ તમાકુનું જ કીધું થું.’
‘બહુ મગજ ખરાબ કર્યું છે હો તે કાલથી. નથી કારણ કેતો, કે નથી કોણે કરવા કહ્યું એનું નામ. નહીં મળે પડીકી.’
ત્યાં જ પીઆઇ અવિનાશ ચોકીમાં દાખલ થયા. બહાર હવાલદારોએ સલામ કરી એ સાંભળીને રાઘવ પણ એ દિશામાં ચાલવા લાગ્યો. સવજી રાઘવને જતા જોઈને દયામણું મોં કરીને બેસી રહ્યો. પણ અવિનાશ સાહેબ રાઘવને સામે જ મળી ગયા. રાઘવે સલામ કરી અને સાહેબ લોકઅપ તરફ ચાલ્યા તો તેની પાછળ પાછળ ચાલ્યો.
અવિનાશે સવજીની સામે જોતા જોતા રાઘવને પૂછ્યું, ‘કંઈ બક્યો કે?’
‘ના સાહેબ.’
અવિનાશે બાજુમાં પડેલો લાકડાનો ડંડો જોરથી લોકઅપના સળિયા પર ફટકાર્યો.
સવજી એનો જોરદાર અવાજ સાંભળીને સમસમી ગયો, ‘અરે! તમને કાલથી ઇ જ તો કહું સુ કે બસ મને ઇ નોતો ગમતો એટલે ચડાવી દીધું ટેક્ટર.’
‘કેમ નહોતો ગમતો?’ અવિનાશે મોટા અવાજે પૂછ્યું.
‘સાય્બ, કાલય કીધું થું ને આજ પાસું કવ સુ. આ ઓલ્યા સાય્બના હાથમાં છે ને ઈ જ હાટુ માર્યો મેં.’ સવજીએ રાઘવના હાથમાં રહેલી તમાકુની પડીકી સામે આંગળી ચીંધતા કહ્યું.
‘ને મેં પણ તને કાલે કહ્યું હતું કે આવું કારણ ન હોય. આટલી વાત માટે કલાકારને મારવા સીધું સ્ટેજ સામે ટ્રેકટર લઈને જાય કોઈ? એ રાઘવ, તારા ગળે ઊતરે છે?’ અવિનાશે રાઘવ સામે જોયું.
‘ના, સર!’
સવજી અધીરાઈથી વચ્ચે બોલી ઊઠ્યો, ‘મારી વાત માનો સાય્બ, હું કોઈ’દી ખોટું નથ બોલતો.’
‘એમ?’ રાઘવે પૂછ્યું.
‘હા, ગમે ઈ પૂછો. આપડો જવાબ હાચો જ હશે.’ સવજીએ ગર્વથી કહ્યું.
‘તારે કલાકાર જોડે શું વાંધો હતો?’ અવિનાશે પૂછ્યું.
‘સાય્બ, સોકરા બગાડતો થો ઈ. કેમ હાલે?’
‘મતલબ?’
‘આ માવા, ગુટખા ને તમાકુની જાહેરાત કરે ફોન ને ટીવીમાં. હવે ઈ જોઈન સોકરાય નો શીખે? મારા સોકરાનો તો ગમતો કલાકાર હતો ઈ રોયો.’
‘કઈ જાહેરાત?’
‘ડબલાપસંદ ને ડોબા કેસરી ને ઘણી કપની સે સાય્બ. જોયો સે મેં ઈ કલાકારને એમાં.’ સવજી બેધડક બોલી ગયો.
લોકઅપમાં બેઠેલા બીજા બે જણને હસવું આવ્યું, પણ પીઆઇ અને હવાલદાર સામે હોઈને મોં પર હાથ રાખી બેસી રહ્યા.
‘પણ તું તો પોતેય ખા છો ને? તારા છોકરા એમાંથી ન શીખે? તું કેમ નથી છોડી દેતો?’
‘હવે અમારાથી નો સૂટે. આ હવારે જ વાંધો પડી જાય ઈ વગર, એમાં મૂકવી કેમ. પણ હા સાય્બ મેં મારા સોકરા હામે કોઈ’દી મોઢામાં નથ મૂકી હો.’
ત્યાં જ રાઘવ પોતાની પારખી નજરની સાબિતી આપતા બોલ્યો, ‘હવે ખોટું નો બોલ. તારા ઘરે લાલ પિચકારીઓ જોઈ છે મેં.’
‘હા, તો એમાં હું ખોટું હુ બોલ્યો?’
‘એ જ કે તારા છોકરાને ખબર નથી તું ખાય છે એ.’
‘મેં ક્યાં એમ કીધું કે સોકરાને ખબર નથ. મેં તો કીધું કે એની હામે મેં કોઈ’દી મોઢામાં નથ મૂકી.’ સવજી નિર્દોષ ભાવે બોલી ગયો.
આ સાંભળી અવિનાશે જોરથી ડંડો સળીયે ફટકાર્યો અને રાઘવને સવજીને બહાર કાઢવા ઈશારો કર્યો.
સવજી બહાર આવ્યો કે તરત જ અવિનાશે રાડ પાડી, ‘રમત ચાલે છે અહીં? જલ્દી બોલ કે તને કાર્યક્રમમાં કોણે જવાનું કહ્યું હતું? તે કોના કહેવાથી ચાલુ કાર્યક્રમે સ્ટેજ સુધી ટ્રેકટર લઇ જઈને હુમલો કર્યો? ખૂન કર્યું છે તે સેલિબ્રિટીનું ખૂન. ને બીજા ત્રણને ઘાયલ કર્યા છે. બોલ કોના કહેવાથી?’
ખૂનનો આરોપ હતો સવજી પર. આગલી રાતે એક કાર્યક્રમના સ્ટેજ તરફ સવજી અચાનક ટ્રેકટર સાથે ધસી આવ્યો અને ભાગાદોડી મચી ગઈ. કલાકારને બચાવવા તેના માણસોએ મહેનત કરી, પણ કાં સવજીના નસીબ સારા કાં કલાકારના ખરાબ, મહેનત કામ ન લાગી. કાળ હશે તેના માથે કે સવજીએ આમતેમ ગાંડા થઈને ટ્રેકટર ચલાવ્યું એમાં તે હડફેટે આવી ગયો અને તરત જ માથાનો છૂંદો બની ગયો. તરત મંજુર થયેલા રિમાન્ડમાં સવજીને આખી રાત માર્યો છતાં તે એક જ રટણ લઈને બેઠો હતો કે તેને તમાકુની જાહેરાતની દાઝ હતી, કોઈએ મારવા નહોતું કહ્યું.
‘સાય્બ કોઈના કેવાથી નહીં.’
‘તો પછી મારીને ભાગવાની કોશિશ કેમ કરી?’ રાઘવે પૂછ્યું.
‘કેમ નો કરું? ઇય હારો જાહેરાત કરીને એમ કઇન સટકી નથ જાતો કે આ તો તમાકુની નય મુખવાસની જાહેરાત સે?’ સવજીએ દાઝમાં કહ્યું.
‘આ નહીં સમજે. આને પૂરી દે પાછો. આ અવળી અક્કલનો ક્યાં ભટકાયો, પ્રેશર કેટલું છે આ કેસનું ને.’ અવિનાશ રાઘવને સૂચના આપીને ત્યાંથી ગુસ્સામાં ચાલ્યો ગયો.
‘પ્રેશર ઉપરથી યાદ આવ્યું, સાય્બ. પડીકી આપો ને. ઈ વગર મેળ નય પડે.’ સવજીએ રાઘવ પાસે ફરી માગણી કરી.
રાઘવે ઘડીભર તેની સામે જોયું ને પછી પહેલાં પડીકીનો ને પછી સવજીનો લોકઅપમાં ઘા કર્યો.
સવજીને હથેળીમાં તમાકુ ચોળતા જોઈને બાજુમાં બેઠેલાએ તેને પૂછ્યું, ‘હેં ભાઈ, સાચે ઓલ્યાને મારવા પાછળ બીજું કોઈ સામેલ નથી?’
‘છે ને.’ સવજીએ શાંતિથી જવાબ આપ્યો.
‘તો કેમ આવડા આને ખોટું કે સો?’
‘મેં ક્યારે ખોટું કીધું? મને ઈ એમ જ પૂસે સે કે તને કોણે કીધું મારવાનું. મને કોયે કીધું નથ તો હું ના જ પાડું ને.’
‘અટલે?’
‘જો હું કોઈ’દી ખોટું નથ બોલતો. મને કોયે કીધું નથ, મને તો સુપારી શીઠયુંમાં લખીન દેતા થા ઈ કે આને આયા પતાવવાનો સે.’ સવજીએ ચહેરા પર સહેજ પણ ભાવ બદલ્યા વિના કહ્યું.
‘ઓત્તારી! તો સે કોણ આની પાછળ?’ બાજુવાળો ચોંકી ઊઠ્યો!
‘ઈ કલાકારની વવ જ!’ સવજી ચોળેલી તમાકુને મોંમાં દબાવી રાખવાના બદલે મુખવાસની જેમ ખાવા માંડ્યો!
- દિવ્યકાંત પંડ્યા








