મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / સિનિયરની સુવાસ, જુનિયરની ભડાશ!!

- નાગણ નોકરી નાગણ નોકરિયાત માટે સિનિયર જુનિયર ગેમ એટલે જાણે ટોમ ઍન્ડ જેરી જેવું. ના ના ભાઈ, ગમ

શતરંગ / સિનિયરની સુવાસ, જુનિયરની ભડાશ!!

- નાગણ નોકરી 

નાગણ નોકરિયાત માટે સિનિયર જુનિયર ગેમ એટલે જાણે ટોમ ઍન્ડ જેરી જેવું. ના ના ભાઈ, ગમે તેટલા ઝઘડે તો ય એકબીજા વગર ચાલે નહિ એવું નથી પણ હવે પોફેશનલ, વ્હાઈટ કોલર વાળાને કૂતરા બિલાડાની જેમ ઝઘડે એવું કહીએ તો ભૂંડું લાગે ને!!

મને હવે થોડું થોડું સમજાતું જાય છે કે ગયા ભવમાં દેરાણી જેઠાણી કે સાસુ બહુ હોય ને એમની ભડાસ ને મનની ભુંડાશ હજુ નીકળવાની રહી ગઈ હશે એ આ ભવમાં ઑફિસ કલિગ તો ઠીક પણ જુનિયર સિનિયર બનીને મળતા હોય છે.   જેવું કોઈ ઑફિસમાં નવું પ્રાણી આવે એટલે કોલેજમાં રેગિંગ થાય એમ અહીં ગેંગિંગ થાય. ભલે ને ગઈકાલે આવેલો લબર મૂછરિયો હોય પણ જો એ એક દિવસ પણ વહેલો ઑફિસમાં આવી ગયો હોય એટલે નવા પ્રાણી માટે એ સિનિયર કહેવાય. કોલેજના સિનિયરને તો પહોંચી શકાય કે એમની તકલીફ શરૂઆતના અમુક દિવસો પૂરતી જ રહે. ઑફિસના કે નોકરીના સિનિયર સાલાઓ નોકરી છોડી નહિ ત્યાં સુધી તમને છોડે નહિ. એનો અર્થ એવો બિલકુલ નથી કે સિનિયર હોશિયારી મારે તો જુનિયર બિચારા હોય છે. જરાય નહિ. બેઉ પોતપોતાની રીતે પાપી પ્રજાતિ જ હોય છે એટલે જ તો નાગણ નોકરી આ જનમમાં કરવી પડતી હોય છે. કોઈ ઑફિસમાં નવું આવે એટલે જૂના લોકોના મનમાં કોઈ આત્મા પરકાયા પ્રવેશ કરી જતી હોય છે. અહં બ્રહ્માસ્મિ તો ઠીક તું તુચ્છસ્મી એવું માનવા લાગે ને મનાવવા ય લાગે.    કોઈના ઘરે જઈએ ને કૂતરું પાળ્યું હોય તો લખ્યું હોય કે Beware of Dog. હમણાં અમારા ઘર પાસે એક મંદિર છે ત્યાં ગયા તો બાજુના ઘર પાસે લખ્યું હતું કે Beware of God! પણ અફસોસ કે નાગણ નોકરી કરવા જતી પ્રજાને Beware of Boss એવું કહેવા વાળા કોઈ નથી હોત ને એવું બોર્ડ પણ ઑફિસની બહાર માર્યું હોતું નથી. Aware about Seniors જેવા બોર્ડની પણ તાતી જરૂરિયાત છે. આ એ જ સિનિયર હોય છે જે માનસિક સિનીયોરિટીને અતિક્રમી ગયા હોય છે. Maturity ફાઇનલ મેચ જેવી અણધારી અને અંધારી થઈ ગઈ છે આજકાલ, બજારમાં મળતી નથી ને ઑફિસમાં જડતી નથી. એટલે આપણા કરતા ઑફિસમાં વહેલા પ્રવેશી ચૂકેલા પ્રાણી પાસેથી એની આશા રાખવી વ્યર્થ છે.    બોસ, મેનેજર, પ્યુન અને સિક્યોરિટી વાળા આ કૂતરા બિલાડીના ખેલ જોઈને સૌથી વધુ રાજી થવા મળેલા જીવો છે. એમાં ય મોજ ત્યારે પડે જ્યારે નવી પ્રવેશતી વ્યક્તિ એક સુંદર સન્નારી હોય. આખી ઑફિસનો મિજાજ અને મૂડ અલગ જ લેવલનો હોય એને જોઈને. સિનિયર લોકો અચાનક મિસબિહેવ કરવામાંથી વેલબિહેવ કરવા વાળા બની જાય ને અપ્સરા ઋષિ મુનિના તપમાં ભંગ કરે એમ આ સન્નારી ગેંગિંગ ગેંગની ગેંગગીરીમાં ભંગ કરવાનું કાર્ય કરે છે.   સિનિયર જુનિયરની જુગલબંદીની મજા આવી હતી 'અ વેનસડે' ફિલ્મમાં. બોમ્બની ધમકી વાળો ફોન કોણ કરે એ ટ્રેસ થતું ન હતું. બધા સિનિયર આઇટી નિષ્ણાતો ટ્રેસ કરો શકતા ન હતા માટે કોલેજના એક છોકરડા જેવા લાગતા યુવાનને બોલાવવામાં આવ્યો. અનુપમ ખેરના પાત્રે તો તેને બચ્ચો કહી દીધો. પણ એણે જ અંતે ફોન કરનારને ટ્રેસ કર્યો હતો પણ પણ આ જ ફિલ્મને આપણી કંપનીના માહોલમાં લઈ જાઓ અને આગળ વિચારો. વિચારો કે પોલીસ સ્ટેશનને આપણી કોઈ કોર્પોરેટ કંપની હેન્ડલ કરતી હોય અને આવી ઇમરજન્સી ઊભી થાય. બધા સિનિયર સોલ્યુશન લાવવામાં નિષ્ફળ હોય અને કોઈ ફ્રેશરને લાવવામાં આવે તો? તો શું થાય તેની કલ્પના કરવાનું રહેવા દો કારણ કે ફ્રેશર મેઈન ઑફિસ સુધી પહોંચી જ ન શકે. એચ આર ડીપાર્ટમેન્ટ જ તેને પહોંચવા ન દે. એટલા ફોર્મ ભરાવે, એટલી પરીક્ષાઓ લે અને એવો અધમૂઓ કરી નાખે કે ઇમરજન્સી પૂરી થઈ જાય. ટૂંકમાં કહીએ તો મારો બેટો કાલ સવારનો આવેલો આપણી આવતીકાલ કેવી રીતે સુધારી શકે? એને આજે જ બગાડી નાંખીએ. સોરી, એનું આજે જ બગાડી નાંખીએ!! That's the life, professional life. નાગણ નોકરીની આ જ તો મોજ છે.   તું નાનો ને હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો એવું કવિ ભટ્ટના નામ સાથે દરેક ઑફિસમાં પાટિયું મારેલું હોવું જોઈએ. તો શું કે એ પાટિયું પકડીને મોટાઈ કરતાં નાના લોકોના માથે મારી શકાય!    - સ્નેહલ તન્ના   

આ સમાચાર શેર કરો