મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / હમીરજીનું પ્રેત જોઇને લાઠીનો દરવાન મૂર્છા પામે છે!

- નાની નાની વાતો હમીરજી ગોહિલ સોમનાથની રક્ષા કરતાં શહીદ થાય છે, એ વાતને પચ્ચીસ વર્ષ વી

શતરંગ / હમીરજીનું પ્રેત જોઇને લાઠીનો દરવાન મૂર્છા પામે છે!

- નાની નાની વાતો

હમીરજી ગોહિલ સોમનાથની રક્ષા કરતાં શહીદ થાય છે, એ વાતને પચ્ચીસ વર્ષ વીતી ગયા પછી એક અડધી રાતના
સુમારે લાઠીમાં બનેલી એક ઘટનાની કલ્પના ઝવેરચંદ મેઘાણી લખે છે!

     નસીરુદ્દીન મહમ્મદ તઘલખનો સુબો ઝફરખાન 1395 આસપાસ સોમનાથ મંદિર પર આક્રમણ લઈને આવે છે. સોમનાથ પર આ ત્રીજું આક્રમણ હતું. આ સમાચાર ગુજરાત-સૌરાષ્ટ્રમાં ચારે તરફ ફેલાઈ ગયા છે ત્યારે મોટાભાગનાઓ પોતાના પગ નીચે ક્યાં રેલો આવ્યો છે,એમ વિચારી બેઠા છે. એવા વખતે લાઠી જેવા નાનકડા રજવાડાનો ફટાયો કુંવર (જે કુંવર રાજા કે યુવરાજ ન બનાવાનો હોય એને ફટાયો કુંવર કેહવાતું.) પોતાના થોડાક વીરો સાથે સોમનાથની સખાતે નીકળે છે. એકવીસ-બાવીસ વર્ષના એ જુવાન રાજપૂતનું નામ એટલે નામ હમીરજી ગોહિલ. આજે સોમનાથ મંદિરના આંગણામાં જેમની દેરી અને ખાંભી છે એ હમીરજી, સોમનાથના પટરાંગણમાં જેમની ઘોડા પર પ્રતિમા ઉભી છે એ હમીરજી. 

     વાત બહુ લાંબી છે પણ આવા વીરનો વંશ રહે એ માટે સોમનાથ જતા રસ્તામાં એક ચારણ આઈની મધ્યસ્થિથી ગીરગઢડાના વેગડા ભીલની દીકરી સાથે હમીરજીના ઘડિયા લગ્ન થાય છે...હમીરજીને લડતમાં ભિલોનો પણ સાથ મળે છે. અને ભગવાનલાલ સંપતરામ દ્વારા લિખિત સૌરાષ્ટ્રના ઇતિહાસના સૌથી જૂના પુસ્તક ‘સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ’માં એક વાક્ય નોંધાય છે: ‘હમીર તેની (ભીલકન્યાની) ભેળો એક રાત રહ્યો, તેથી તે બાઇને ઓધાન રહ્યું. વાઘેરમાં દીવ પરગણે જે કોળીઓ છે તે પોતને આ મિશ્ર ઓલાદમાંથી ગણાવે છે.'

******

     હમીરજી સોમનાથની રક્ષા કરતાં શહીદ થાય છે, એ વાતને પચ્ચીસ વર્ષના વીતી ગયા પછી એક અડધી રાતના સુમારે લાઠીમાં બનેલી એક ઘટનાની કલ્પના ઝવેરચંદ મેઘાણી પોતાની નવલકથા ‘રા’ગંગાજળીયો’માં લખે છે-

     અડધીક રાતનો ગજર ભાંગ્યો છે એવા ટાણે લાઠીના ગઢના આથમણા દરવાજાના બહાર સ્મશાન છે ત્યાં અચાનક બે વ્યક્તિઓના ઓળા દેખાય છે. ઓળાને જોઈને કુતરા રિડિયા બોલાવે છે, બેમાથી એક જુવાન ઓળાએ ખભેથી તીર ખેંચીને કામઠાં ઉપર ચડાવી કૂતરાને હાંકયા...

     આ હાહુટ સાંભળીને 'દરવાજા બહાર આ હૂકળાટ શું મચી રહ્યો છે?' દરવાણીએ મશાલ લઈને દરવાજાની નાની બારી ઉઘાડી. સાઠેક વર્ષનો જૈફ પહેરગીર જેમ મશાલ ધરીને આંખ માંડે છે, મશાલના અજવાળે એણે બારી ઉપર એ જુવાનને જોયો. ઘડીભર નજર તાકી, યાદ કર્યું, આંખો ફાટી ગઈ. ભડાક કરતી બારી બીડી દીધી. બ્હીકે થથરી ઊઠ્યો. હેબતાઇ ગયો.

'શું છે? કોણ છે?' સાથીદારોએ પૂછ્યું.

'ભૂ...ઉ...ત!' પહેરેગીરના ગળાને છોલતો છોલતો જાણે કે કોઇ છરા જેવો શબ્દ નીકળ્યો.

'હેઠ બુઢ્ઢા ! હવે મરણને કાંઠે ભૂત દીઠું!'

'બોલો મા ! ઈ જ...ઈ જ...ઈ જ-'

'ઉઘાડો હો...ઓ!' બહારથી અવાજ ઊઠ્યો.

'ઈ જ. ઈ જ, ઈ જ અવાજ. ઈ જ! ભૂત !'

'કોનો અવાજ ? કોનું ભૂત?' સાથીદારોએ મૂર્છા ખાઇને ઢળી પડતા બુઢ્ઢાને ઢંઢોળ્યો.

'ઇ જ. મુંને યાદ છે. હું ચાલીશ વરસનો જૂનો દરવાન. મેં જોયા'તા. આવી જ રાતે આ જ દરવાજેથી ગયા'તા.'
'કોણ પણ?'

'કુંવર હમીરજી ! સોમૈયાજીની સખાતે - ઇ જ, ઇ જ, ઇ પોતે.'

*****

     દરવાન જેને જોઇને મૂર્છા પામે છે એ પ્રેત નહિ પણ હમીરજી જેવો જ દેખાતો એનો દીકરો છે. આ દૃશ્ય મેઘાણીની આ ઐતિહાસિક નવલકથા ‘રા’ગંગાજળીયો’નું છે. ઈતિહાસ પ્રેમીઓએ વાંચવા જેવું આ પુસ્તક છે. રોજ ગંગોદકથી સ્નાન કરનાર આ રા’ ગંગાજળિયો એટ્લે રા’માંડળીક, જૂનાગઢનો છેલ્લો હિન્દુ રાજા. માંડળીકને બે રાણી હતા, એમાંથી એક કુંતાદે-લાઠીના અરજણજી ગોહિલના દીકરી, હમીરજીના સગા ભત્રીજી...જુનાગઢ-સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ઈતિહાસમાં માંડળીકનો સમય કાળ ઘણો લાંબો અને બહુરંગી છે. મેઘાણીએ આ નાનકડી ઐતિહાસિક નવલકથામાં આ રંગોને ન્યાય આપવાનો કાબિલે-દાદ પ્રયત્ન કર્યો છે. 

     ઐતિહાસિક નવલકથાઓ નખશિખ ઇતિહાસ નથી હોતી, એમાં લેખક પોતાની કલ્પનાના રંગો પણ ભરે છે, આ નવલકથાના એક સબપ્લોટ તરીકે મેઘાણીએ માંડળીકના મુખે હમીરજીની વાત કહેવડાવી છે, પણ એનાથી સુંદર રીતે મેઘાણીએ હમીરજીના દીકરાની વાત આલેખી છે, ભગવાનલાલ સંપતરામ લિખિત ખૂબ જૂના ગ્રંથ ‘સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ’નું આગળ કહ્યું એ વાકયના આધારે મેઘાણીએ હમીરજીના દીકરા વિશે આ નવલકથાની આગળ નિવેદનમાં એક ખુલાસો લખ્યો છે...એ એવો છે કે, “ખરો ખુલાસો ભીલકુમારના પાત્ર સંબંધે કરવો રહે છે. હમીરજી ગોહિલની કથા ઇતિહાસમાન્ય છે, એ ઇતિહાસમાં એક નાનકડું વાક્ય આ છે:'હમીર તેની (ભીલકન્યાની) ભેળો એક રાત રહ્યો, તેથી તે બાઇને ઓધાન રહ્યું. વાઘેરમાં દીવ પરગણે જે કોળીઓ છે તે પોતને આ મિશ્ર ઓલાદમાંથી ગણાવે છે.' [સૌ. દેશનો ઇતિહાસ - ભગવાનલાલ સં]

     મારે માટે આ એક જ ફકરો બસ થઈ પડ્યો. હમીરજીનો પુત્ર હમીરજીની પાછળ જન્મ્યો હોવો જોઈએ ને એના વંશવારસો રાજકુળમાંથી કે રાજભાગમાંથી વંચિત રહી શુદ્રપણાને જ પામ્યા હોવા જોઇએ. સોમનાથને ખાતર એકલવાયા મરનાર રાજકુમારનું ભીલબાળ જો આખરે શુદ્રનો જ વંશ-વેલો વહાવનાર રહ્યું હોય, ને ઇતિહાસને ચોપડે નામકરણ ન પામ્યું હોય, તો તેને આ કરુણકથાના ઉજ્જવલ પાત્ર બનવાનો હક્ક છે.” ('રા'ગંગાજળિયો' નવલકથાના નિવેદન માંથી...)

*****

     આ નવલકથાએ રા’માંડળીકની સાથે સાથે હમીરજી, આઈ નાગબાઈ, નરસિંહ મેહતા, મુહમ્મદ બેગડો વગેરેની વાતોને પોતાનામાં ગુંથી છે. જરૂરી કલ્પનાના રંગો સાથેની એ ગૂંથણી કેવી હશે એનો નાનકડો ઈશારો માત્ર અહીં છે, વધુમાં તો પૂરી નવલકથા વાંચી શકો, મેઘાણીની બધી ઐતિહાસિક નવલકથાઓ: ગુજરાતનો જય, સમરાંગણ, રા’ગંગાજળિયો-બધી વાંચવા જેવી છે, ઐતિહાસિક નવલકથાઓમાં મેઘાણી ઘણા આકરા બન્યા છે, આપણે ઈતિહાસમાં કરેલી ભૂલો એટલી સપાટી પર લાવીને મૂકે છે, આપણાં અમુક મિથ્યાભિમાન પર કોરડો વીંઝાય જાય, એટલે જ કદાચ મેઘાણીના બીજા બધા સાહિત્ય કરતાં એમની ઐતિહાસિક નોવેલ ઓછી લોકપ્રિય છે, આકરું સાંભળવા આપણે તૈયાર નથી હોતા, આપણે ઈતિહાસમાંથી નહીં શિખનારી પ્રજા છીએ, અને જે પ્રજા એના ઇતિહાસમાંથી શીખતી નથી ત્યાં એ જ ઇતિહાસ ફરી દોહરાય છે.

- કાનજી મકવાણા

આ સમાચાર શેર કરો