મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / આખાબોલા કે સાચાંબોલા?

- અસામાન્ય આખા બોલી વ્યક્તિ એમ જ માનતી હોય છે કે સાચી બોલી છે કારણકે… છ નોકરી બદલી ચૂકેલો એક યુવાન સાતમ

શતરંગ / આખાબોલા કે સાચાંબોલા?

- અસામાન્ય

આખા બોલી વ્યક્તિ એમ જ માનતી હોય છે કે સાચી બોલી છે કારણકે…

છ નોકરી બદલી ચૂકેલો એક યુવાન સાતમી અને નવી નોકરીએ જવા નીકળતો હતો ત્યારે યોગાનુયોગ કાકા પણ ઘેર ઉપસ્થિત હતા. એ યુવાન આશીર્વાદ માટે પગે લાગ્યો ત્યારે કાકા બોલ્યાઃ તારો પાછલો રેકોર્ડ જોતાં તો એવું જલાગે છે કે તું અહીં (નવી નોકરીમાં) પણ લાંબુ ટકવાનો નથી છતાં મારી તને શુભેચ્છાઓ છે…

એ યુવાન તેના પિતાને પગે લાગ્યો ત્યારે પિતા બોલ્યાઃ 'નવી નોકરીમાં ખૂબ સફળ થજો દીકરા. બસ, એટલું યાદ રાખજો કે વ્યક્તિ કે સેટઅપને માન આપવું કે સિસ્ટમને અનુરૂપ થવું, એ કંઈ દર વખતે સિધ્ધાંત સાથે સમાધાન કરી લીધા જેવું હોતું નથી.”

આખાબોલા કાકા અને સાચાંબોલા પિતાની વાતમાંનો સૂર યાદ રાખીને આગળની વાત વાંચવાની છે, તમારે…

તમે ડગલે ને પગલે અથવા તો અઠવાડિયામાં ચાર વખત મળનારી વ્યક્તિઓના મોંઢે સાંભળતા હશો કે, હું તો આખાબોલો માણસ છું. લટુડા-પટુડા કરીને વાત કરતો જ નથી. જે સાચું છે, એ રોકડું જ પરખાવી દઉં. તેના કારણે નુકશાન થાય તો તેની પરવાહ નથી કરતો કારણકે કોઈકે તો (જેવો છે તેવો ચહેરો) આયનામાં બતાવવો પડશે ને.
દરેક આખાબોલી વ્યક્તિ એમ જ માનતી હોય છે કે એ સાચાબોલી વ્યક્તિ છે કારણકે એ વરખ ચડાવેલી ભાષા વાપરતી નથી પણ લોહોની ટશિયો ફૂટી જાય એવી ધારદાર જબાનમાં જ સત્ય બયાન કરી દે છે.

…અને આપણને બધાને બચપણથી જ ઠસાવી દેવામાં આવ્યું છે કે સત્ય હંમેશા કડવું હોય છે. સાચી કહેવાયેલી વાત હંમેશ ચચરતી હોય છે યા તેની એક તપિશ અનુભવાતી હોય છે.
સત્ય માટેનો આ પણ એક ભ્રમ છે.

કોઈ તમારી નિષ્ફળતાની વાત કરે ત્યારે એ (સફળ થવા માટે)તમે કરેલાં પ્રયત્નો ત્યા પ્રયાસોમાં રહી ગયેલી કચાશની વાત જ કરતાં હોય છે પણ તમારી નિષ્ફળતાનું તોરણ બાંધવામાં આવે છે, એ તમને ખટકે છે. તેની બદલે તેમણે તમારા પ્રયાસોનું વિશ્લેષણ કર્યું હોત તો તમને તેની વાત ચૂભત નહીં. આ શેમ પેલાં જાણીતા ઉદાહરણ જેવી વાત થઈ કે જેમાં મારી માને મારા બાપની બૈરી' તરીકે સંબોધવામાં આવે છે. વાત એક છે. તેને વ્યક્ત કરવાનો અભિગમ નક્કી કરતો હોય છે કે તમે સાચાંબોલા છો કે આખાંબોલા?

સત્યની જેમ એક બહુ મોટો ભ્રમ આખાબોલા અને સાચાંબોલા વચ્ચેનો છે પણ એ બહુ બારિક છે. જેન્તી મરી ગયો અને જેન્તીનો સ્વર્ગવાસ થયોઃ એ બંન્ને સેન્ટેન્સમાં કહેવાયેલી વાત એક જ છે પણ આખાબોલી જબાનમાં એ તુચ્છ લાગે છે. સાચીબોલીમાં, એ સૌમ્ય લાગે છે. સત્યને સોફટ બનાવીને પણ કહી શકાતું હોય છે પરંતુ આખાબોલા સ્વભાવની વ્યક્તિ મોટાભાગે એ કરી શકતી હોતી નથી કારણકે તેમનામાં જે ઠહરાવ હોવો જોઈએ, એ હોતો નથી. આખાબોલી વ્યક્તિમાં મોટાભાગે સ્થળકાળ કે વ્યક્તિ કે પરિસ્થિતિનો ક્યાસ કાઢવાની ધીરજ હોતી નથી. એ તરત રિએકટ થાય છે. દિમાગમાં જે આવે, તેને ફિલ્ટર કર્યા વગર, ઓગેનિકલી વ્યક્ત કરી દેવાનો તેનો સ્વભાવ હોય છે. પત્રકારત્વમાં અમારા એક સિનિયર નવા પત્રકારે લખેલો અહેવાલ વાંચીને વારતહવારે કહી દેતાં તને તો લખતાં જ નથી આવડતું!

તેમની કડવી શૈલીમાંથી બોધ લઈને શીખવા મળ્યું કે કોઈનું મોરલ તૂટી જાય એવી શૈલીમાં કોઈ સ્ટેટમેન્ટ ક્યારેય ન કરવું જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી તેનું લખાણ બતાવીને અભિપ્રાય માંગે ત્યારે અમે કહીએ છીએ કે, દોસ્ત, તું આનાથી ઘણું ઉત્તમ લખી શકે તેમ છે!

બેશક, સત્યને દરેક વખતે સૌમ્ય કે માઈલ્ડ કે પીંછાના મુલાયમ સ્પર્શ જેવું મખમલી કરીને કહેવું જરૂરી નથી પણ દરેક વખતે ધાર કાઢેલી તીક્ષ્ણ કટારી જેવું બનાવીને પેશ કરવું પણ અનાવશ્યક છે. આ સમજણ હોવી, અનિવાર્ય છે પરંતુ મોટાભાગના લોકો આ બેલેન્સ બનાવી શકતા નથી. તેઓ કાં (દિમાગમાં ઉપજે એવું) ભસી મારે યા મન મારીને મૌન ધારણ કરી લેતાં હોય છે. એ દૃષ્ટિથી 'ન બોલવામાં નવ ગુણ' વાળી સ્થિતિ પરિસ્થિતિને વણસી જતી અટકાવી શકે છે પરંતુ આખાબોલા લોકો 'બોલે તેના બોર વેચાય' મુજબ વર્તે ત્યારે વેચવાને બદલે ઘણુંખરું લૂંટાઈ જતું હોય છે. આખાબોલી વ્યક્તિ માટે એટલે જ કહેવાયું છે કે, આવી વ્યક્તિ પહેલાં બોલી નાખે છે, વિચારે છે પછી.

જો કે અમને તો ખબર જ છે કે, તમે તો વિચારશીલ છો! 

- નરેશ શાહ

આ સમાચાર શેર કરો