શતરંગ/ જેની ઉપર લુખ્ખેશોનો કહેર છે, રાજકોટ દંભીલું શહેર છે
ગઈકાલ સાંજથી જ્યારે જ્યારે ફેસબુક ખોલું છું, મને Marked Safeનું નોટિફિકેશન વારંવાર આવે છે. એનું કારણ એ છે કે, ટીઆ પ

ગઈકાલ સાંજથી જ્યારે જ્યારે ફેસબુક ખોલું છું, મને Marked Safeનું નોટિફિકેશન વારંવાર આવે છે. એનું કારણ એ છે કે, ટીઆ પી ગેમઝોનનો જે બનાવ બન્યો, ત્યાંથી મારું ઘર માંડ બે સવા બે કિલોમીટર છે.
હું safe છું, પણ - અત્યારે પણ અત્યંત upset છું. 33+ નિર્દોષ અને આશાસ્પદ જીવન ગણતરીની મિનિટોમાં આગમાં હોમાઈ ગયાં અને આપણે કાંઈ ન કરી શક્યાં. ન તો ભડભડ ભૂંજાતા જીવોને બચાવી શક્યા અને હવે ન તો આ કમકમાટી ભરેલા અકસ્માતના જવાબદારોને સજા અપાવી શકીશું. આપણે જાણે કે, 156 એનઓસી આપીને, નાગરિક તરીકે આપણો આક્રોશ ઉઠાવવાનો અધિકાર ગીરવે મૂકી દીધો છે. આપણે સાવ અબુધ, નાસમજ અને નકામા નાગરિકો છીએ. આપણને સેફ્ટી, હેલ્થ, સિવિકસેન્સ, કાયદાઓ અને નાગરિક અધિકારની કીડીબાઈના ટાંગણ જેટલી પણ ખબર નથી પડતી, એટલે આપણે તો મૂંગા, મીંઢા અને મક્કાર નાગરિકની માફક ચૂપચાપ બેસી રહેવાનું છે. આપણને તો સરકાર દ્વારા ખેલાતી SIT SITની રમતમાં, સરકાર દ્વાર ખુલ્લેઆમ કરવામાં આવતી હરામખોરીનો H ઉમેરી, ઓહ SHIT, કહેવાનો પણ અધિકાર નથી.
સાહેબ મંચ ઉપરથી ભલે બણગા ફૂંકતા કહેતાં હોય કે, 'Minimun Government and Maximum Governance' - પણ આવાં ગળચટ્ટા વાક્યો, અર્થ વિનાના વિધાન માત્ર બની ગયા છે. ચારેકોર આજે તો Maximum Government and Minimum Governance દેખાય રહ્યાં છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના લગભગ બધા જ પદાધિકારીઓ આખો દિવસ એમને ભાજપ - કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો જે જે ભલામણો કરે - એ મુજબ જ કામ કરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ઠરાવેલાં સર્વિસરૂલ મુજબ કોઈપણ કામ કરતું નથી. ટીઆરપી ગેમઝોનનો આ હતભાગી બનાવના મુખ્ય કારણમાં આવાં ભ્રષ્ટ, ચાપલૂસ અને બેદરકાર પદાધિકારીઓ છે. એન ઓ સી જાણે કે અરજી કરીને માંગવાનો દસ્તાવેજ હોય એમ આર એમ સી એની પૂંઠ ખંખરી 'ને આખા બનાવમાં આર એમ સીનો કોઈ વાંક નથી - એવો કારસો રચી હોય - એવું દેખાય છે.
લાલ બસમાં બળાત્કાર થાય - તો બધી લાલ બસને ચેક કરો !
કાળી એસયુવી માં અપહરણ થાય તો બધી જ કાળી એસયુવીને ચેક કરો !
કોચિંગ ક્લાસમાં આગ લાગે - તો બધાં કોચિંગ ક્લાસ ચેક કરો !
તળાવમાં બોટિંગ કરતાં ડૂબી જાય તો બધાં તળાવ અને બોટિંગ ચેક કરો !
ઝૂલતા પૂલમાં લોકો ઝૂલી જાય, તો બધાં પૂલ ચેક કરો!
અરે અક્લના ઈસ્કોતરાઓ, મૂરખના સરદારો, સમસ્યાના રૂટકોઝ, મૂળ કારણ વિશે વિચારતા ક્યારે શીખશો? RMC (રાજકોટ મહાનગરપાલિકા)એ તો યુરોપના કોઈ એક સીટી (લિસ્ટર) સાથે ટ્વિન સીટી કે એવાં કરાર કરેલાં છે. અક્કલના ઓથમીરો, બુદ્ધિના બારદાનો, યુરોપના એ શહેર પાસેથી કાંઈ શીખો નહિ તો કાંઈ નહિ - પણ ક્યાંક જોઈન્ટ કોલોબરેશનમાં એ શહેરોને બગાડી ન નાંખતાં.
રાજકોટના નાગરિક તરીકે આપણે હવે જાગી જવાની જરૂર છે. સરકાર તમારી કોઈ દરકાર નહિ કરે. સરકાર માટે આપણે માત્ર એક મતદાર છીએ અને જો આપણે સરકારની બેદરકારીથી મરી જઈએ તો આપણી કિંમત માત્ર ચાર લાખ રૂપિયા છે. એનાથી વિશેષ આપણી કોઈ હેસિયત નથી. વ્યવસ્થા તંત્ર તો આગળ કહ્યું એમ ભ્રષ્ટ, ચાપલૂસ અને ઢાંકપિછોડો અને કચરાપોતાં કરતું મગતરુ છે. મની, મસલ અને પોલિટિકલ પાવર સામે વ્યવસ્થા તંત્ર તો ઠૂમકા મારતી નર્તકીથી વિશેષ કશું નથી. આજે એકપણ અધિકારીમાં જે કામ ખોટુ હોય, કાયદા કે નીતિના વિરુદ્ધનું હોય - એ કામ કરવા માટે ચોખ્ખી ના પાડવાની હિંમત જ નથી. એના લીધે તો ટીઆરપી ગેમઝોન જેવાની ડુગડુગી વગર એન ઓ સીએ વાગતી રહે છે.
રાજકોટમાં સંભવતઃ એક જ સ્થળે, એક સાથે અકસ્માતે 33 નિર્દોષોનો ભોગ પહેલીવાર લેવાયો છે. આપણે મા આશાપુરાને, પંચનાથ મહાદેવ, બાલા હનુમાનને, મોટી હવેલી હવેલીવાળા ઠાકોરજીને, ગેબનશા પીરને અને પ્રેમ-મંદિરના ઈસુ મસીહને બે હાથ જોડીને, ભીની આંખે પ્રાર્થના કરીએ કે, આપણા રાજકોટનો આ પહેલો અને છેલ્લો બનાવ બની રહે ...
અંતે, ખિન્ન હ્રદયે, છિન્ન-વિછિન્ન દિમાગે એટલું જ લખવાનું છે કે, 33 હંસલા ઊડી ગયા .... હવે 333 ગીધડા ઘટના સ્થળે દોડાદાડી કરી રહ્યાં છે....
- ઇલિયાસ શેખ








