Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

GSTV શતરંગ/ દરિયો નીકળ્યો

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ/ દરિયો નીકળ્યો
સોર્સ : GSTV

- શબ્દ સૂરને મેળે

App Store

માછલી સાથે જ દરિયો નીકળ્યો,

લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો

હું જ મારા ભારથી થાકી ગયો,

હું હતો એ 'હું' જ ખોટો નીકળ્યો.

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,

મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.

સાંજ પડતાંયે ફર્યું ના એટલે,

શોધવા પંખીને માળો નીકળ્યો.

આશરો કેવળ નદીને જે હતો,

એક સાગર એય ખારો નીકળ્યો.

આગિયાઓ ઊજળા છે કે પછી

વેશ બદલી સૂર્ય ઊડતો નીકળ્યો?

થોભવાનો થાક વસમો હોય છે,

માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો

- ધૂની માંડલિયા

તા. ૧૨-૧૧-૧૯૪૫માં જન્મેલા શ્રી અરવિંદભાઈ લીલચંદભાઈ શાહને ગઝલકારો અને ગઝલ ચાહકો ધૂની માંડલિયા તરીકે ઓળખે છે. ધૂનીની આ ખૂબ જાણીતી ગઝલ છે. 'નીકળ્યો' આ શબ્દને રદીફ કહે છે. ગઝલના અંતે ફરી ફરીને આવતા શબ્દ કે શબ્દ સમૂહને રદીફ કહે છે. કોઈપણ ધારણાને અંતે જે નીકળતું હોય છે એ જૂદું જ હોય છે. આપણા ભ્રમ, આપણી માન્યતાઓ, આપણી ધારણાઓ, આપણી અટકળો કંઇક જુદી જ હોય છે. એટલે તો વાતવાતમાં વર્ષો પછી અચાનક બોલાઈ જતું હોય છે કે એ માણસ કેવો ધાર્યો તો અને કેવો નીકળ્યો ? અંદરની વાત કંઇક જુદી જ હોય છે. કવિની દ્રષ્ટિ કોઈ એ વાતને પકડી લેતી હોય છે જે વિશિષ્ટ હોય છે.

માછલી અને દરિયાનો સંબંધ અભિન્ન છે. માછલીને જો દરિયા વિશે બોલવાનું હોય તો એ શું બોલી શકે ? માછલીને દરિયા વિશે કશી જ ખબર નથી હોતી. એ દરિયામાં જ રહેતી હોય છે, દરિયામાં જ શ્વસતી હોય છે અને છતાંય એણે દરિયો કદી જોયો નથી હોતો. માછલી દરિયાની બહાર નીકળે તો ? તરફડીને મરી જાય. માછલીને માટે દરિયો સર્વસ્વ છે. પરંતુ દરિયાને પણ માછલી સાથે એવો જ ઋણાનુબંધ હોય છે એ વાત કવિ જાણે છે અને એટલે જ જેવી માછલી બહાર આવી એની સાથે જ દરિયો પણ બહાર આવી ગયો. આ પંક્તિ પહેલા માછલી ચીરી તો દરિયો નીકળ્યો... એમ હતી પણ કવિને ચીરવામાં હિંસા દેખાઈ. એ Negative  ભાવ છે અને કવિએ એ પંક્તિ બદલીને લખ્યું માછલી સાથે જ દરિયો નીકળ્યો.

કોઈ વસ્તુ ઉચકી હોય તો તેના વજનનો ભાર થોડોક સમય લાગે અને એ ઉતરી જાય છે. ચરણ ચાલ્યા હોય તો એ ચાલ્યાનો થાક પણ ઉતરી જાય છે પણ માણસ બધા થાક ઉતરી જતા હોવા છતાં જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ દિવસે ને દિવસે વધુ થાકતો જાય છે. પોતાના 'હું'નો ભાર પોતાના 'અહમ્'નો ભાર ક્યારેય ઉતારી શક્તો જ નથી. એ ભાર કદી ઉતરતો પણ નથી. ધન-પદ-પ્રતિષ્ઠા અને ઉમ્મરની સાથે અહંકારનો ભારે વધતો જાય છે. જીંદગીની દોડમાં માણસ જેટલો પોતાના ભારથી થાકી જાય છે એટલો બીજા કોઈ ભારથી થાકતો નથી હોતો. અને જે ભારવાળો 'હું' લાગતો હતો એ 'હું'નું તો કોઈ અસ્તિત્વ જ નથી. આપણે ભીતર 'હું' કોણ એ શોધવા જઇએ છીએ ત્યારે ખબર પડે છે કે આ 'હું' જ સાવ ખોટો છે.

ચાર દિન કી ચાંદની કહેવત યાદ આવી જાય છે. સુખ હોય કે દુ:ખ તમે કોઇને તમારી મુઠ્ઠીમાં કેદ કરી શક્તા નથી. ચાંદનીમાં, ચાંદનીને સાચવી રાખવા માટે તમે મુઠ્ઠી બંધ કરી દો છો ખરા પણ સમય તો સમયનું કામ કરે છે. સતત કાળનું ચક્ર ફર્યા કરે છે. સુખ સાચવવા માટે ભરેલી મુઠ્ઠી એટલા જડ બની જઇએ છીએ કે મૂઠ બની જાય છે અને ખોલીએ છીએ ત્યારે તેમાંથી ચાંદની નથી જ નીકળતી સળગતા તડકા વચ્ચે હોઇએ છીએ અને તડકો જ નીકળે છે. મરીઝનો શેર યાદ આવે.

અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,

સમયના વિના કંઇ તફાવત ન જોયો.

બધીયે મજાઓ હતી રાતે રાતે,

ને સંતાપ એનો સવારે સવારે.

કવિતાની મજા એ છે કે તેમાંથી વ્યક્તિએ વ્યક્તિએ અને જુદી જુદી ભૂમિકાએથી જુદો જુદો અર્થ પ્રગટતો હોય. કવિને કહેવું તો એટલું જ છે કે સાંજ પડી ગઈ. બધાંય પંખીઓ કલરવ કરતાં પોતાના માળામાં પાછા આવી ગયા. માત્ર એક પંખી સાંજ પડતાંય આજે પાછું ના આવ્યું. એટલે રાહ જોઇને થાકેલો માળો પંખીને જાતે જ શોધવા નીકળી પડે છે. આખી ગઝલમાં આ શેરમાં 'નીકળ્યો' રદીફ અર્થ બદલે છે. આ કયું પંખી હશે ? જે આજે પાછું ના ફર્યું. દરિયાને પણ માછલીનો ઋણાનુબંધ હોય છે.દરિયો પણ માછલી પાછળ ખેંચાતો હોય છે. અહીં પંખીની માયામાં પંખીની મમતામાં સૂનો થઇ ગયેલો માળો ઉડયો છે. આખું ઘર સૂનું થઇ ગયું અને હવે એ પંખીને ક્યાં શોધવું ? આખો શેર આપણને એક અલગ ભાવમાં મૂકી આપે છે. આપણે પણ જાણે માળાની સાથે આપણા ખોવાયેલા પંખીને શોધવા નીકળી પડીએ છીએ.

નદી જન્મી ત્યારથી બધા જ અવરોધોને વટાવતી વટાવતી ઉછળતી, કૂદતી જે દરિયાની દિશામાં સતત વહેતી હતી જે દરિયાને મળવા આતુર હતી જે દરિયો એક માત્ર આશરો લાગતો હતો એ દરિયો તો સાવ ખારો નીકળ્યો. જિંદગીભર તમે જેના ભરોસે જીવ્યા હોવ એ સંબંધ ખારો નીકળે ત્યારે શું થાય ? આગિયાઓ એ બીજું કંઇ નથી વેશપલટો કરીને રાત્રે પૃથ્વી ઉપર ફરવા નીકળેલો સૂરજ છે અને છેલ્લા શેરમાં જીંદગીની સફરમાં જેટલા અટકીએ છીએ એટલો થાક વધારે લાગે છે એ વાત થઇ છે.

ધૂનીનો એક શેર અદ્ભૂત છે. જ્યાં અને ત્યાં ઝીણાં ઝીણાં દાન આપીને મોટી મોટી તક્તીઓ મૂકાવનાર માણસ જાતને બરડામાં સોળ ઉઠે તેવી તેમણે આડકતરી વાત કરી છે. 

જો હવા જ ના હોત, જો શ્વાસ ખરીદવા પડતા હોત તો અત્યાર સુધીમાં કેટલું દેવુ થઇ ગયું હોત ?

ક્યાંય તારા નામની તકતી નથી

હે હવા, તારી સખાવતને સલામ.

- રાજેશ વ્યાસ 'મિસ્કીન'