Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

GSTV શતરંગ/ ચીપિયો કેમ સોનાનો થતો નથી?

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ/ ચીપિયો કેમ સોનાનો થતો નથી?
સોર્સ : GSTV

- ઝાકળ બન્યું મોતી 

App Store

ગૃહસ્થની ભક્તિથી ખુશ થઈને સાધુએ એનું દારિદ્ર ફેડવાનો વિચાર કર્યો. એમણે ગૃહસ્થને બોલાવ્યો અને કહ્યું કે તારી ભક્તિથી હું અતિ પ્રસન્ન થયો છું. તેં મારી ખૂબ સેવા-શુશ્રૃષા કરી છે તેથી તને આ એક પથ્થર આપું છું.

ગૃહસ્થ આશ્ચર્ય પામ્યો કે સેવાનો આ તે કેવો બદલો ! આટલી બધી સેવા અને તેના બદલામાં પથ્થર! અને તેય આટલી બધી પારાવાર પ્રસન્નતાથી મને અપાય!

ગૃહસ્થે પૂછ્યું, 'સાધુરાજ! તમારા ચીપિયા સાથે કપડાથી બાંધેલા એવા આ પથ્થરને હું શું કરું ? એને ચીપિયા સાથે બાંધેલો રાખો. મારે એની કશી જરૂર નથી.'

સાધુએ કહ્યું, 'અરે ભાઈ! આ કોઈ સામાન્ય પથ્થર નથી. આ તો પારસમણિ છે. લોખંડને પણ સોનું બનાવી દે તેવો પારસમણિ છે.'

આમ કહીને સાધુએ બાજુમાં પડેલી સોય લઈ અને પથ્થરને અડાડી, સોય સોનાની બની ગઈ.

પેલો ગૃહસ્થ તો આ જોઈ રહ્યો, પણ એના મનમાં વળી તર્ક જાગ્યો કે જો ખરેખર આ પારસમણિ હોય, તો પછી ચીપિયો કેમ સોનાનો ન થાય ?

એણે સાધુ સમક્ષ પોતાનો સંશય રજૂ કર્યો ત્યારે સાધુએ કહ્યું, 'આ પથ્થર વર્ષોથી ચીપિયા સાથે બાંધેલો છે, પરંતુ એ પથ્થરની આસપાસ વીંટાળેલા કપડાને કારણે ચીપિયાને એ પારસમણિનો સ્પર્શ ન થયો. કપડું દૂર કરતાં પારસમણિ પ્રગટ થયો.'

માનવીનું જીવન સાચે જ અધ્યાત્મ અનુભૂતિની નજીક વસતું હોય છે, પરંતુ એકાદ ભૌતિક આવરણ એને પારસમણિના સ્પર્શથી દૂર રાખે છે. ભૌતિક જીવનમાં વ્યક્તિ સાહસ દાખવતી હોય છે એ જ રીતે એના આધ્યાત્મિક જીવનમાં પ્રવેશવા સાહસની જરૂર પડે છે.

નાની વાતો અને તુચ્છ સન્માનોનો એને ત્યાગ કરવો પડે છે અને પોતાની આસપાસની દુનિયાને બદલે પોતાની ભીતરની દુનિયા જોવાનો પ્રયાસ કરવો પડે છે. જીવન મોટે ભાગે નકામાં કે વ્યર્થ કામોમાં નિરર્થક વહેતું હોય છે, ત્યારે એને માટે જીવનમાં મહત્ત્વનાં કામો પર નજર ઠેરવવી જરૂરી બને છે.

માનવી આવું આધ્યાત્મિક સાહસ ન કરે તો વર્ષો સુધી પારસમણિ ચીપિયાને વળગેલો હોય છે છતાં ચીપિયાને એનો કોઈ સ્પર્શ થતો નથી. તેમ એ અધ્યાત્મ જીવનથી અળગો ને અળગો જ રહે છે.

- કુમારપાળ દેસાઈ